ગુગલ નહીં, પણ ગિનેસ રેકોર્ડને સર્ચ કરો તો જોન બ્રોઅર નામના એક અમેરિકન વિષે વાંચવા મળશે. 1941માં જન્મેલા આ જોનભાઈની ઓબેસિટી વિશ્ર્વખ્યાત બની ગઈ છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
બાવીસ વરસે તેનું વજન એક્સો અઠયોતેર કિલો હતું તે પછીના તેર વરસ દરમિયાન મોંઘવારીની જેમ વધીને ચારસો બેતાલીસ કિલો થઈ ગયું હતું. તેને હોસ્પિટલાઈઝ કરવો પડયો અને પ્રતિ દિવસ માત્ર બારસો કેલેરીના ડાયટ પર રાખીને (લગભગ અડધું વજન ઉતરાવીને) બસ્સો સોળ કિલોના ધબક્તાં આ પોટલાંને રજા આપવામાં આવી. જોકે બે વરસ પછી, 1981માં તેને ફરી હોસ્પિટલમાં એડમિટ કરવો પડયો ક્યું કી ફરી તેનું વજન નેવ્યાંશી કિલો વધી ગયું હતું. જોન બ્રોઅરનું 1983માં માત્ર બેંતાલીસ વરસે અવસાન થયું ત્યારે તેનુંવજન ત્રણસો બાંસઠ કિલો હતું
પૂરી સિમ્પથી સાથે કહી શકાય કે ઊંમર અને ઊંચાઈ (છ ફુટ, એક ઈંચ) ના પ્રમાણમાં જોન બ્રોઅરનું વજન માત્ર ત્રણસો કિલો વધુ હતું. ફરગેટ ઈટ. ગૂગલ-ગિનેશ પર પણ પૂળો મુકીએ તો પણ એ સચ્ચાઈથી આપણે ચહેરો છૂપાવી શકીએ તેમ નથી કે પૃથ્વી પર વસતાં નરનારીઓ વ્યક્તિગત કોઈ મોટી આફતનો સામનો કરી રહ્યા હોય તો એ છે ઓબેસિટી. જાડિયાપણું આખા જગતને મહદઅંશે પજવી રહ્યું છે. બધાઈ હો બધાઈ ફિલ્મમાં આ જાડિયાપણાનાં મુે અનિલકપુરે આપણને હસાવેલાં તો દમ લગા કે હૈઈશા મારફત આપણે જોયું કે ફેટીઝમ સામાજીક સ્તરે પણ કેટલું નડતર કે અડચણરૂપ છે. સોશ્યોલોજીના અભ્યાસુ તો એક દશકા પહેલાંથી કહેતા રહ્યાં છે કે (આતંક્વાદ અને પર્યાવરણના પલટાની જેમ) ઓબેસિટી બાબતે પણ સજાગ થઈ જવાનું રેડ સિગ્નલ ક્યારનું તગતગી રહ્યું છે. કારણ આ નાચીઝ લેખક કરતાં તમે વધારે સારી રીતે જાણો છો છતાં કહીએ તો…
- Advertisement -
કમરનો ઘેરાવો 35.5 ઈંચ (પુરુષ માટે) અને 33.5 ઈંચ (સ્ત્રી માટે) વધે તો તેને ખતરે કી ઘંટી માને છે જાપાન
2020થી ભલે આપણે કોરોનામય યા કોરોનાગ્રસ્ત થઈ ગયા હોઈએ પણ એ પહેલાંથી ફાસ્ટ ફૂડ કલ્ચર અને લાઈફમાં આવેલી કમ્ફર્ટની બેવડી ઈફેકટે જગત આખાને જાડિયાપણાંની સમસ્યા માટે ચિંતાતુર બનાવી દીધું છે. ભવિષ્યને જોઈ શક્તાં અભ્યાસુ લોકોને એ ફિકર કોરી ખાઈ રહી છે કે મારી-તમારી વાત તો સમજયા પણ ઓબેસિટીનો ભોગ સૌથી વધારે બચ્ચાંઓ બની રહ્યા છે. મિસિસ મિશેલ બરાક ઓબામાએ તો આ કઠણાઈને રાષ્ટ્રીય સુરક્ષ્ાાનો ગંભીર મુદ્દો ગણાવ્યો છે તો જાડીયાપણાંથી પરેશાન બીજા દેશોએ કોરોના પહેલાંના સમયથી જ કાયદાકાનુન બનાવી દીધા છે કે લાભ ઓફર ર્ક્યા છે. પૂરી શક્યતા છે કે અત્યારે કોરોનાને કારણે આમાંનું કશું ય લાગુ ન પડતું હોય પણ… સુમો પહેલવાન માટે જાણીતા જાપાને માટાબો નામનો કાયદો બનાવીને ચાલીસથી પંચોતેર વરસના તમામ લોકોના વજનને મોનિટર કરવાનો અમલ કોરોના પહેલાં શરૂ કરી દીધો હતો. કમરનો ઘેરાવો 3પ.પ ઈંચ (પુરુષ માટે) અને 33.પ ઈંચ (સ્ત્રી માટે) વધે તો તેને ખતરે કી ઘંટી માને છે જાપાન.
સાઈબિરીયા જેવા ઠંડા પ્રદેશના ગર્વનરે એવી સ્કીમ લોન્ચ કરેલી કે જે વ્યક્તિ જેટલા કિલો વજન ઉતારશે તેને એટલા જ વજનના લાકડાં(તાપણાં માટે) ફ્રી આપવામાં આવશે… મોટાપાની સમસ્યાનો સામનો કરતા ટોપ ટેન દેશોમાં અમેરિકા પણ છે. તેના મિસિસિપી રાજયના સતાધીશોનો વિચાર એવો છે કે જાડીયા લોકોને રેસ્ટોરાંમાં પ્રવેશ જ ન આપવો જોઈએ. અલબત્ત, મિસિસિપીમાં એ નિયમ બનાવી દેવાયો છે કે સ્કૂલમાં દાખલ થતાં દરેક બચ્ચાંએ અઠવાડીયામાં કમ સે કમ, અઢી કલાકનો વ્યાયામ કરવો જ પડશે… આપણે ત્યાં તો જાડિયા લોકો માટે જ વસ્ત્રો બનાવતી કંપનીઓ છે પણ વસ્ત્રો બનાવતી એક અમેરિકન કંપનીએ તો એક્સએલ કે ડબલ એક્સએલ સાઈઝના કપડાં જ નહીં બનાવવાનું જાહેર કરી ચૂકી છે. પોપસિંગર માઈલી સાયરસે આ કંપનીનો વિરોધ કરીને પોતાના વોર્ડરોબમાં રહેલાં આ કંપનીના વસ્ત્રો સળગાવી દેવાનું કહી ચૂકી છે જો કે કંપની પોતાની વાત પર અડિખમ છે કે એ, નોર્મલ લોકોના જ કપડાં બનાવશે…
- Advertisement -
એ જ રીતે મોટાપાનો ઈન-ડિરેકટ વિરોધ કરવા માટે અમેરિકાની સામોઆ એરલાઈન્સે મુસાફરોના વજન પ્રમાણે ટિકિટનો ચાર્જ વસુલવાનું શરૂ કરી દીધું છે તો ન્યુઝીલેન્ડે તો એક ચોક્કસ સાઈઝ પછીના જાડીયાઓને પ્રવેશ આપવાનું જ બંધ કરી દીધું છે એવું પોકેટ બુક્સના નંબર વન રાઈટર સુરેન્ મોહન પાઠક લખી ચૂક્યા છે. પોતાની રસપ્રદ પ્રસ્તાવના માટે જાણીતા સુરેન્ મોહન પાઠકે એ માહિતી પણ આપી છે કે દુબઈમાં જાડા લોકો પોતાનું શરીર ઉતારે એ મુજબ, તેને સોનાના સિક્કાથી સન્માનવામાં આવે છે. (મોટાપા પીડીતોમાં યુનાઈટેડ આરબ અમીરાત નંબર વન સ્થાન પર છે) આ રીતે રમજાન દરમિયાન વજન ઉતારનારા ત્રણ લોકોને સાડા પાંચ હજાર ડોલરની કિંમતના સોનાના સિક્કા પણ આપવામાં આવ્યા હતા
બેશક, આ કે આવા નિયમો કે ઓફરો જાડિયાપણાંની ઠેકડી ઉડાડવા નહીં પણ લોકોને ઓબેસિટી પ્રત્યે જાગૃત કરવાના ઉદેશથી કરવામાં આવ્યા છે. એ આવશ્યક પણ છે. મોટા પ્રમાણમાં સાયકલ વાપરતાં વિયેટનામમાં મોટાપાની સમસ્યા જરાય નથી પણ મોટા ભાગની દુનિયામાં જંક ફૂડની તગડી કેલેરી અને (વાહન, એસી સાથેની પરસેવા-મહેનત વગરની) કમ્ફર્ટ લાઈફે આમ જુઓ તો આપણા બધાની વાટ લગાડી દીધી છે.