આ વખતે 400 કરોડની માગ, ઈ-મેઇલ મોકલનારે કહ્યું- રૂપિયા આપો, નહિતર દેશના બેસ્ટ શૂટર દ્વારા મારી નાંખીશું
ખાસ-ખબર સંવાદદાતા
દેશના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ચાર દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 27 અને 28 ઓક્ટોબરે ધમકીઓ મળ્યા બાદ મુકેશ અંબાણીને સોમવારે 30 ઓક્ટોબરે ફરી ધમકી મળી છે. ગામદેવી પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે મુકેશ અંબાણીને તેમની કંપનીના મેઇલ આઈડી પર ઈ-મેઇલ મળ્યો હતો. જેમાં 400 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલાં શુક્રવાર 27 ઓક્ટોબરે સાંજે આ જ મેઇલ પર 20 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી અને 28 ઓક્ટોબર શનિવારના રોજ 200 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે દેશના શ્રેષ્ઠ શૂટરો દ્વારા તેમને મારી નાખવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, તે જ એકાઉન્ટમાંથી મળેલા મેઇલમાં લખવામાં આવ્યું છે કે, ’અમારા ઈ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નથી, તેથી હવે રકમ 200 કરોડ રૂપિયા છે, જો આ નહીં મળે તો ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા હોવાનું ધ્યાનમાં રાખશો.’ આ પહેલાં 27 ઓક્ટોબરે મોકલવામાં આવેલા પહેલા ધમકીભર્યા ઈ-મેઇલમાં લખ્યું હતું કે, ’જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે’. 27 ઓક્ટોબરે પહેલો ઈ-મેઇલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ પહેલાં પણ અંબાણી અને તેમના પરિવારને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કારણે ગયા વર્ષે 29 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા ણ કેટેગરીમાંથી ણ+ કરી દીધી હતી. મુકેશ અંબાણી જ સિક્યોરિટીનો ખર્ચ ઉઠાવે છે. આ ખર્ચ દર મહિને 40થી 45 લાખ રૂપિયા છે.