આરોપીઓ કમલેશ વરૂ, અજય બાલધા, મૂકેશ તોગડીયા તથા કૌશિક કમાણીને રાજકીય ઓથ હોવાની ચર્ચા
સરપંચ અને જાગૃત નાગરિકોની સમયસૂચકતાનાં કારણે જમીન બચી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ જિલ્લાના લોધિકા ગામ અને તેની આજુબાજુનો વિસ્તાર ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકાસ પામી રહ્યો છે ત્યારે ભૂમાફિયા દ્વારા ગૌચરની જમીન પર અને સરકારી તંત્રની સાંઠગાંઠ દ્વારા સરકારી જમીનો, ખરાબા અને ગૌચરની જમીનો પર પેશકદમી કરી માલિકી હક્ક દાખલ કરી પોતાના નામે કરી લેવાના બનાવો વધી રહ્યા છે.
લોધિકા નવા સર્વે નં. 563ની ગૌચર જમીનમાં ગેરકાયદે માપણી કરી પોતાના નામે કરવા અંગે વેચાણ નોંધ નં. 7024 સામે કમલેશ વરૂ, અજય ગિરધર બાલધા, મુકેશ ગોરધનભાઈ તોગડિયા, કૌશિક પ્રેમજી કમાણી નામના શખ્સો વિરૂદ્ધ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને જાગૃત નાગરિકો દ્વારા લોધિકા મામલતદારની કોર્ટમાં લેખિત ફરિયાદ કરી છે.
ત્યારે ‘ખાસ-ખબર’ને મળતી માહિતી મુજબ અગાઉ પણ આ ચારેય શખ્સો લોધિકાના નવા સર્વે નં. 563ની જમીન પર દબાણ કરવા ગયેલા ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના જાગૃત નાગરિકો દ્વારા દબાણ કરવા દેવામાં આવ્યું ન હતું. વધુ વિગતો મુજબ આ પ્રકરણમાં મામલતદારે કોર્ટમાં લેખિત ફરિયાદ કરવામાં આવતાં મામલતદાર દ્વારા તપાસ કરવા નોટીસ પાઠવેલ છે. વધુમાં ગ્રામ પંચાયતની જૂની માપણી શીટ, સાથણીનો હુકમ અને હાલમાં નવી માપણી શીટ, સાથણીનો હુકમ બંનેને સરખાવવામાં આવે તો આ કૌભાંડમાં કોણ-કોણ સામેલ છે, તે બહાર આવે તેમ છે જેથી ગૌચરની કરોડોની કિંમતની જમીન ફરી સરકારશ્રી પરત લઈ શકે તેમ છે. હવે તપાસનીશ અધિકારી સત્ય તપાસ કરી કઈ તરફેણમાં હુકમ કરે તે ઉપર સૌની મીટ છે.
- Advertisement -
ચારેય શખ્સો રાજકીય લાગવગ ધરાવતા હોવાથી તેઓ જાહેરમાં કહે છે કે, અમોને કશું થવાનું નથી, તમારે જ્યાં અરજી કરવી હોય ત્યાં કરો, અમારા બધી કચેરીમાં માણસો છે જેથી અમોને કશું થવાનું નથી. આ જમીન અમોના નામે કરાવીને રહીશું! હાલમાં આ કેસ પ્રાંત અધિકારી સમક્ષ છે ત્યારે હવે તે જોવાનું છે કે સત્યની જીત થશે કે હાર!