અપૂર્વમુનિના વાયરલ વિડીયોના અક્ષરશ: શબ્દો
પાટિદારો કરે શું? તો પાટિદારો ના થાય આ બાજુ? અહિંયા બેઠેલા જેટલા ઉદ્યોગપતિ છે તે બધાયને મારી વિનંતી છે કે ઉદ્યોગમાં તો આગળ વધારો જ પણ આપણા કલેકટરો અને કમિશનરો થવા જોઇએ. સરકારી કચેરીમાં જઇએ ને કહીએ પરમાર સાહેબ આવશે. તો પરમાર સાહેબ માટે પાટિદાર બહાર બેસે. રાઠોડ સાહેબ આવશે.. પરમાર સાહેબ આવશે.. અરે ગામ આખું આપણને પૂછી કામ કરતું ને હવે આપણે બધાને પૂછીને કામ કરવાનું? આ દશા આપણી આવી છે એ બધાની વચ્ચે આપણો સમાજ કેમ આગળ ન વધે..
BAPSનાં અપૂર્વમુનિનો બેફામ વાણીવિલાસ!
- Advertisement -
અપૂર્વમુનિ કોઈ સંત છે કે કોમવાદી-જ્ઞાતિવાદી નેતા?: હળાહળ વિષ ઓકતાં વિડીયો પછી અપૂર્વમુનિ પર એટ્રોસિટી હેઠળ કાર્યવાહી કેમ નહીં? દલિતોમાં ઉઠતાં સવાલો
ખાસ-ખબર સંવાદદાતા
એવું કહેવાય છે કે, આપણી લીટી મોટી કરવા માટે બીજાની લીટી ક્યારેય ટૂંકી ન કરવી જોઈએ. આપણને મોટાં દર્શવવા અન્યને નીચા કદાપિ ન દર્શવવા. આ વાત દરેક સજ્જન સમજે છે અને સ્વીકારે પણ છે પરંતુ રાજકોટ બી.એ.પી.એસ. મંદિરનાં સંત કક્ષાના અપૂર્વમુનિ સ્વામી આ વાત સમજતા કે સ્વીકારતા લાગતા નથી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી અપૂર્વમુનિનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ બેફામવાણી વિલાસ કરી રહ્યા છે. પાટીદારોને ખુશ કરી ઊંચા દર્શવવા અપૂર્વમુનિ રાઠોડ-પરમાર (દલિત)ને નીચા દર્શાવી રહ્યા છે. અપૂર્વમુનિ એક સભામાં એવું કહી રહ્યા છે કે, અરે ગામ આખું આપણને પૂછી કામ કરતું ને હવે આપણે બધાને રાઠોડ-પરમાર (દલિત)ને પૂછીને કામ કરવાનું? અપૂર્વમુનિના પટેલ સમાજની ખુશામત અને દલિત સમાજનું અપમાન કરતા વાયરલ વિડીયો બાદ સવાલ ઉઠી રહ્યો છે કે, અપૂર્વમુનિ સાધુસંત છે કે પછી કોમવાદ – અને જ્ઞાતિવાદનું હળાહળ વિષ ઓકતા કોઈ રાજકીય નેતા? સાધુસંતને શોભા આપે એવા શબ્દો એક સંતનાં જરીકેય નથી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વમુનિના વાયરલ વિડીયો બાદ દલિત સમાજમાં તેમના વિરુદ્ધ રોષ ફેલાઈ ગયો છે એટલું જ નહીં, રાઠોડ અને પરમાર અટક ધરાવતા હજારો લોકો અપૂર્વમુનિની સામે એટ્રોસિટીના કાયદા અંતર્ગત ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે. આ અંગે કાર્યવાહી ન થાય તો પણ એક મોટું આશ્ચર્ય ગણાશે. ભગવાધારી અપૂર્વમુનિએ સાધુસંત તો ઠીક ભારતીય સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિ કે સભ્યતાને ન શોભે તેવા શબ્દપ્રયોગ કરી ભારતીય સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિનું પણ અપમાન કર્યું છે. અપૂર્વમુનિએ ફકત દલિત જ નહીં, સર્વ જ્ઞાતિઓની લેખિતમાં માફી માગવી જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારનો વાણીવિલાસ નહીં કરે તેની બાંહેધરી આપવી જોઈએ.
BAPSના સત્સંગ વિહાર પુસ્તકની શ્રેણી એટલે બાળકોના બ્રેઈનવોશની ફેકટરી
- Advertisement -
સ્વામિનારાયણ ભગવાન જ સર્વ દેવી-દેવતાઓના સ્વામી
ઘનશ્યામ મહારાજમાં જ તમામને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થાય છે
સનાતન હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓનો ઉલ્લેખ છે, અનેક નાના-મોટા સંપ્રદાયો અસ્તિત્વ ધરાવે છે. આદિ-અનાદિ કાળથી આ પરંપરા ચાલી રહી છે. અનેક સંપ્રદાયો અને અલગ-અલગ પૂજા-અર્ચન વિધિ હોવા છતાંય વિવિધ સંપ્રદાયના લોકો, સંતો, મહંતો અન્ય ધર્મના અનુયાયીઓ અને સંતોનું સન્માન જાળવે છે. તમામ દેવી-દેવતાઓને આદરપૂર્વક વંદન કરે છે, એટલું જ નહીં વિવિધ સંપ્રદાયના ધાર્મિક પુસ્તકોમાં પણ અન્ય સંપ્રદાયના દેવી-દેવતાઓ કે સંતો-મહંતોના ભાવપૂર્વક ઉલ્લેખ કરવામાં આવે છે અને આજ આપણી વાસ્તવિક સનાતન ધર્મની સંસ્કૃતિ છે પણ છેલ્લાં કેટલાક દિવસોથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામીઓનો વાણી-વિલાસ અને બી.એ.પી.એસ.ના સાહિત્યમાં જે રીતે પોતાનો સંપ્રદાય જ મહાન, પોતે જ સર્વસ્વની વાહ-વાહી કરવામાં આવે છે જે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મના અનુયાયીઓ માટે લાલબત્તી સમાન છે. વિશ્ર્વમાં આતંકવાદના ઓછાયા છવાયેલા છે તેવા સમયે સમગ્ર હિન્દુ સમાજ નાત-જાત કે ધર્મ-સંપ્રદાયના વાડાઓથી ઉપર ઉઠીને ‘હમ સબ હિન્દુ એક હૈ’ના નાદ લગાવવાના બદલે પોતાનો જ સંપ્રદાય મહાનના ગાણા ગાવા અને અન્ય સંતો, ભગવાન વિરૂદ્ધ નવી પેઢીમાં ખોટી માન્યતાઓ ઉભી કરવાના બી.એ.પી.એસ.ના પ્રયાસોને તમામ ધર્મગુરૂઓ અને હિન્દુ સમાજે એકીઅવાજે વખોડી કાઢવા જોઈએ. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અનુસંધાન પાના નં. 3 પર
હિન્દુ સમાજને વર્ગવાદ, જ્ઞાતિવાદ કે સંપ્રદાયના વાડામાં વેચનારાઓનો બહિષ્કાર જરૂરી
ઉપાસનામાં પણ BAPSના સંતો જ સર્વસ્વ હોવાનું બાળકોના કુમળા માનસમાં ઠસાવાય છે
બી.એ.પી.એસ. દ્વારા બાળકોથી માંડીને યુવાનો, વયસ્કો માટે વિવિધ પ્રકારના સાહિત્યનું પ્રકાશન કરવામાં આવે છે. આવા સાહિત્ય પૈકી બી.એ.પી.એસ.ની બાળસભા સાથે જોડાયેલા ભૂલકાઓ માટે બાળસભાના કોર્ષ સ્વરૂપે બાળસત્સંગ શિક્ષણ પરીક્ષા માટેની પુસ્તક શ્રેણી સત્સંગ વિહારના વિવિધ ભાગો પ્રસિદ્ધ કરવામાં આવે છે. બાળ માનસમાં ધર્મના સંસ્કારોનું સિંચન થાય તે અતિઆવશ્યક છે પણ અન્ય દેવી-દેવતાઓનું અપમાન કે અવહેલના કરવામાં આવે તો બાળ માનસમાં ધર્મના બીજને બદલે ઝેરનું સિંચન થતું જોવા મળે છે. આવા જ પ્રયાસો બી.એ.પી.એસ. દ્વારા થઈ રહ્યાનું જોવા મળે છે. સત્સંગ વિહારની શ્રેણીમાં હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓને અવગણીને માત્ર એક જ ભગવાન સ્વામિનારાયણ જ હોવાની વાત કરવામાં આવી છે. આ વાતની બાળ માનસમાં કેવી અસર થાય? સનાતન ધર્મમાં ગણપતિદાદાના સ્મરણથી માંડીને ‘સર્વધર્મ કી જય હો’ના પાઠ સંસ્કાર સ્વરૂપે બાળકમાં પેઢી- દર પેઢી સિંચવામાં આવે છે ત્યારે એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ જ છે તેવી વાત બાળકના માનસને કેવી અસર પહોંચાડે તે સમાજે સમજવાની જરૂર છે. અન્ય બાળવાર્તાઓમાં પણ ઘનશ્યામ મહારાજમાં જ લોકોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થતાં હોવાની તથા સનાતન ધર્મના તમામ દેવી-દેવતાઓ પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવતાં હોવાની વાત કરવામાં આવી છે. બાળકોને ઉપાસના માટેની પદ્ધતિમાં પણ બી.એ.પી.એસ.ની વાહ-વાહી અને સ્વામિનારાયણ સંપ્રદાયોના સંતો જ સર્વોપરી હોવાની વાત દર્શાવવામાં આવી છે. કુમળા બાળ માનસને ધર્મના નામે અવળાપાટે ચડાવવાની બી.એ.પી.એસની આ કુચેષ્ટા સામે ધીમે-ધીમે સમાજના તમામ વર્ગ તરફથી વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. સનાતન ધર્મના રખેવાળો સમાન સાધુ-સંતો અને કથાકારો પણ આવા પ્રયાસો કરનારાઓને રૂકજાવની ચેતવણી આપવા લાગ્યા છે ત્યારે હવે સૌથી મોટી જવાબદારી સનાતન હિંદુ સમાજની છે. વર્ગવાદ, જ્ઞાતિવાદ કે સંપ્રદાયના વાડામાં સમાજને વેચનારાઓનો બહિષ્કાર કરવાની જરૂર છે. પોતાના સંતાનોને આવા લોકો -સંપ્રદાયથી દૂર રાખવાની જરૂર છે.
ભગવાધારી સાધુત્વ ભૂલ્યા, ગંદી રાજનીતિમાં ડૂબ્યા : વિડીયો જોવા અહીં ક્લિક કરો…