મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
આજે વસંત પંચમી. આપણા મહાન દેશમાં હજારો વર્ષથી આરાધવામાં આવતો જ્ઞાનનો ઉત્સવ. કેટલાક લોકો તેને જ્ઞાન પંચમી પણ કહે છે.
દેવી સરસ્વતીનું આજના પવિત્ર દિવસે પ્રાગટ્ય થયું હતું. કલાકારો, કવિઓ, લેખકો અને જ્ઞાનપ્રાપ્તિ માટે તત્ત્પર લોકો માટે આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. દેવી સરસ્વતીનાં એક હાથમાં વીણા છે, જે નાદનું પ્રતીક છે. તેમનાં એક હાથમાં પુસ્તક છે, જે વિદ્યા અને અધ્યયનનું સૂચન કરે છે. તેમનાં એક હાથમાં જપમાળા છે, જે અવિરત મંત્ર જાપની પ્રેરણા આપે છે. દેવીનાં એક હાથમાં કમળ છે, જે પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે. દેવી સરસ્વતીના આરધકોએ સાંસારિક કામનાઓ વચ્ચે કમળની જેમ અલિપ્ત રહીને અવિરત મંત્ર જાપ કરતાં કરતાં વિદ્યાની ઉપાસના અને નાદનું આરાધન કરતા રહેવાનું છે. વસંત પંચમીનો આ જ સંદેશ છે.
- Advertisement -
દેવી સરસ્વતીનાં શ્ર્વેત વસ્ત્રો આપણને રજસ અને તમસનો ત્યાગ કરીને સત્ત્વના માર્ગ ઉપર જીવન જીવવાની પ્રેરણા આપે છે. કમનસીબે 2-3 દાયકાઓથી આ મહાન દેશમાં વસંપંચમીનો મહિમા ભુલાતો જાય છે અને યુવા પેઢી વેલેન્ટાઇન ડે પાછળ ઘેલી બનતી જાય છે. કોઇ પણ તહેવારનો વિરોધ નથી. માત્ર એટલું સમજી લેવું જરૂરી છે કે આ બે વચ્ચે એટલો જ તફાવત છે જેટલો તફાવત માના હાથની બનેલી શુદ્ધ ઘી અને દેશી ગોળની સુખડી અને સસ્તી ચોકલેટ વચ્ચે હોય. જેનું જીવન સંત જેવું છે એના ઘરમાં કાયમ વસંત જ વસંત છે. જ્ઞાન પંચમીની શુભેચ્છા!