મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!
હિંદુ ધર્મમાં હંમેશાથી દેવી માના મંદિરો ઊંચા સ્થાન પર નિર્માણ પામ્યા છે. ઉત્તર ભારતમાં આપણે અનેક દુર્ગમ પહાડો અને કઠિનાઇઓ વેઠીને દુર્ગા માતાનાં દર્શન માટે વૈષ્ણો દેવી સુધીની સફર ખેડીએ છીએ. સૌરાષ્ટ્ર પ્રદેશનું ચોટિલા મંદિર કે પછી પાવાગઢ પર બિરાજમાન મા અંબાનું ઉદાહરણ લઈ લો! મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે. એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે. પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.
મૈહરનો અર્થ છે, ‘માતાનો હાર, ઘરેણું’! મૈહર નગરીથી ફક્ત પાંચ કિલોમીટર દૂર બિરાજમાન શારદા દેવી ‘મૈહર માતા’ને નામે પણ ઓળખાય છે. સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ સિવાય અન્ય કોઇ રાજ્યમાં તેમનું મંદિર નથી. પર્વતના સર્વોચ્ચ શિખર પર શારદા માતાની સાથોસાથ કાલ ભૈરવી, હનુમાનજી, દેવી કાલી, માં દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, ફૂલમતિ માતા, બ્રહ્મદેવ અને જલાપા દેવીની પણ પૂજા કરવામાં આવી રહી છે.
- Advertisement -
કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?
વીર રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ લડનાર આલ્હા અને ઉદલ, માતા શારદાનાં ખૂબ મોટા ભક્ત હતાં. એ બંનેએ જ સર્વપ્રથમ જંગલોની વચ્ચે મા શારદાનાં મંદિરની ખોજ કરી હતી. સદીઓ જૂના શિલાલેખ વિશે જાણીને તેમની શ્રદ્ધા બમણી થઈ ગઈ. આલ્હાએ સતત 12 વર્ષ સુધી શારદા માની પૂજા કરી, તેમને પ્રસન્ન કર્યા. આખરે માતા સ્વયં જ્યારે પ્રગટ થયા, ત્યારે આલ્હાએ તેમની પાસે અમરત્વ માંગ્યુ. તેઓ શારદા માતાને ‘માઇ’નાં હૂંફાળા સંબોધનથી બોલાવતાં હતાં. એ સમયથી જ મંદિરનું નામ પણ ‘શારદા માઇ’થી પ્રસિદ્ધ થવા લાગ્યું. આજનાં સમયમાં પણ માન્યતા છે કે મંદિરમાં માતાનાં સૌપ્રથમ દર્શન કરવા માટે આલ્હા અને ઉદલ બંને અદ્રશ્ય સ્વરૂપે ત્યાં આવે છે. મંદિરની પાછળનાં ભાગમાં, પહાડની નીચે એક તળાવ છે જેને ‘આલ્હા તળાવ’નાં નામે ઓળખવામાં આવે છે. માત્ર આટલું જ નહી, તળાવથી બે કિલોમીટર આગળ ચાલો એટલે એક અખાડો દેખાઈ આવે, જેના વિશે એવું મનાય છે કે, અહીં આલ્હા અને ઉદલે ખૂબ કુશ્તીઓ લડી છે!
મંદિર સાથે સંલગ્ન માન્યતા
પ્રજાપતિ દક્ષની સુપુત્રી સતી, કૈલાશ-સ્વામી શિવ સાથે વિવાહ કરવા ઇચ્છતી હતી. પરંતુ તેમનાં પિતા એટલે કે પ્રજાપતિ દક્ષને આ બિલકુલ મંજૂર નહોતું. આખો દિવસ સ્મશાનમાં બેસીને ધ્યાનમગ્ન રહેતાં, અઘોરીઓ સાથે ભોજન આરોગતાં, શરીરે ભભૂતિ ચોળીને પ્રેતગણ સાથે વસવાટ ધરાવતાં જમાઈ સાથે પોતાની દીકરી કોણ પરણાવે? મહાદેવના ઇશ્વરત્વથી અજાણ દક્ષ પણ આવું જ ધારવાની ભૂલ કરી બેઠો. અને, સતી તો પાર્વતીનો જ એક અવતાર હતાં! અર્ધાંગિની હોવાને નાતે તેઓ શિવત્વથી વિખૂટા કઈ રીતે રહી શકે!
- Advertisement -
પિતાની વિરૂદ્ધ જઈને તેમણે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા અને પોતાનાં સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. દિવસો વીતતા ગયા, વર્ષો વીતી ગયા. સતીને પોતાનાં પિતા પ્રત્યેનો ગુસ્સો ધીરે-ધીરે ઓગળી રહ્યો હતો, પરંતુ પ્રજાપતિ દક્ષ હજુ પણ શિવને પોતાનાં જમાઈ તરીકે સ્વીકારી નહોતાં શક્યા. એવામાં એક વખત તેમણે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યુ, જેમાં દૂર-દૂરથી રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તેમજ અન્ય દેવી-દેવતાઓ પણ એમાં સામેલ થયા, પરંતુ દક્ષ દ્વારા જાણી-જોઇને ભગવાન શિવ અને દેવી સતીને બાકાત રાખવામાં આવ્યા.
સતીને લાગ્યું કે પિતા કદાચ પોતાના પરિવારને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. દીકરી હોવાને નાતે તેને કોઇ આમંત્રણની જરૂર નથી, એવું વિચારીને સતી વણનોતર્યા મહેમાનની માફક પિતાના વિરાટ યજ્ઞનો હિસ્સો બનવા પહોંચી ગયા. શિવજીએ તેમને રોકવાની પુષ્કળ કોશિશો કરી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. સતીએ યજ્ઞ વખતે પ્રજાપતિ દક્ષને, પોતાના પ્રત્યે રાખવામાં આવેલા આ ભેદભાવનું કારણ પૂછ્યું. સતીની હાજરીથી ક્રોધે ભરાયેલા રાજા દક્ષે પણ તેને શિવ વિશે ન કહેવાના વચનો કહ્યા. બધાની વચ્ચે તેમનું ખૂબ અપમાન કર્યુ. પિતાનો નફરતભાવ અને પોતાના પતિ પ્રત્યેની તેમની અરુચિ જોઇને સતી ખૂબ દુ:ખી થયા. યજ્ઞકુંડનો અગ્નિ લબકારા મારતો હતો, એ જ વખતે તેમણે પોતાની જાતને અગ્નિમાં હોમી દઈ આત્મ-વિલોપન કર્યુ.
મહાદેવને આ વાતની જાણ થતાં ક્રોધાવેશમાં આવીને તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું, અને તેમણે ભયંકર નરસંહાર કર્યો. યજ્ઞકુંડમાંથી સતીનું પાર્થિવ શરીર ખભા પર ઉપાડી તેમણે તાંડવ કરવાનું શરૂ કરી દીધું. આખી પૃથ્વી તેમના ક્રોધનો શિકાર બનીને ધ્રુજવા માંડી. ભગવાન વિષ્ણુને થયું કે જો મહાદેવને શાંત કરવામાં ન આવ્યા, તો સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે. આ સાથે જ તેમણે સુદર્શન ચક્રની મદદ વડે દેવી સતીનાં દેહના 51 ટુકડા કરીને પૃથ્વીના અલગ-અલગ ભાગોમાં શક્તિપીઠની સ્થાપના કરી.
એવું માનવામાં આવે છે કે, મધ્યપ્રદેશનાં ત્રિકુટ પર્વત પર દેવી સતીનો હાર પડ્યો હતો. જોકે, મૈહર મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં નથી થતો. આમ છતાં ત્યાં 365 દિવસ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. માતા પ્રત્યેની તેમની અડગ આસ્થા અને ભક્તિને કારણે શારદા દેવી મંદિરને પણ શક્તિપીઠ માનવામાં આવી રહી છે.
પશુબલિની પ્રથા!
એક માન્યતા એવી પણ છે કે, ભારતનાં સર્વપ્રથમ આદિગુરૂ શંકરાચાર્યએ અહીં નવમી-દસમી સદીમાં પૂજા-અર્ચના કરી હતી. શારદા દેવી મંદિર ફક્ત આસ્થાની દ્રષ્ટિએ જ નહી, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ ખાસ્સું મહત્વ ધરાવે છે. બીજું એ કે, મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી. આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે. એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે! અન્ય ખાસ બાબત એ જણાવવાની કે, દુનિયાના ઘણા સુપ્રસિધ્ધ ઇતિહાસકારોએ ‘મૈહર દેવી’ મંદિરમાં ઉંડાણપૂર્વક સંશોધનો કર્યા છે. જાણીતા ઇતિહાસકાર એ.કનિંગ્ધમે તો પોતાનાં રિસર્ચ-વર્ક પર કામ કર્યા બાદ ત્યાં સુધી કહી દીધું કે, પુરાણકાળમાં અહીં પશુ-બલિ આપવામાં આવતો હતો. પરંતુ વર્ષ 1922માં સતનાના રાજા બ્રજનાથ જૂદેવનાં આદેશથી પશુબલિની ક્રૂર પ્રથા પર નિયંત્રણો લાદવામાં આવ્યા.
શારદા દેવી મંદિરનું પોતાનું વિશેષ મહત્વ છે, જેને ભક્તજનો પણ માની રહ્યા છે અને ઇતિહાસકારો પણ! કદાચ એકમાત્ર ભારતીય સંસ્કૃતિ પાસે એવી તાકત છે, જે ભલભલા વૈજ્ઞાનિક તથા પુરાતત્વશાસ્ત્રીઓને મોંમાં આંગળા નાંખવા મજબૂર કરી દે છે! અહીંયા વિવિધતાની સાથે ભક્તિ પણ ઐશ્વર્ય અને આશ્ચર્યનાં રંગે રંગાયેલી જોવા મળે છે! ઇન્ક્રિડિબલ ઇન્ડિયા!