નીતા દવે
ચાલ કે એક શબ્દ પર ગઝલ લખું
નામ તારું લઈને એક સ્મરણ લખું
- Advertisement -
ભાષા એ આપણા વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ છે. વાણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો પરિચય મેળવી શકાય છે. શબ્દોનો ઉપયોગ વ્યક્તિ નું ચરિત્ર સ્પષ્ટ કરી દેતું હોય છે. વ્યવહારિક દુનિયામાં સંબંધનો મૂળ પાયો એટલે શબ્દ..! શબ્દ દ્વારા સંવાદ રચાય છે અને સંવાદો થી સંબંધ.આથી શબ્દનો ઉપયોગ કરતા પહેલા તેના અર્થ ને સ્પષ્ટ રીતે ચકાસી લેવો ખૂબ જરૂરી હોય છે. કેમ કે , શબ્દોને પણ પોતાનો એક આગવો સ્વાદ હોય છે..! કોઈપણ પદાર્થ મોઢામાં મુકતા અને જીભ નો સ્પર્શ પામતા જ સારો કે માઠો પદાર્થનો ગુણધર્મ તપાસાઈ જાય તેને સ્વાદ કહેવાય..! એવી જ રીતે શબ્દ પણ સ્વાદિષ્ટ હોય છે! મોઢા માંથી બોલાયેલા શબ્દ ને કોઈ વ્યક્તિ સાંભળે કે તરત જ સામેની વ્યક્તિનાં મનોભાવ અને તે શબ્દના ભાવ અને ભાવાર્થ બંને સ્પષ્ટ થઈ જતા હોય છે.
શબ્દને પોતાનો એક રસાસ્વાદ હોય છે. શબ્દ ક્યારેક મીઠો, તીખો, ખારો, ખાટો, તૂરો કે કડવો પણ બની જતો હોય છે. સંબંધને કેવી રીતે મૂલવવાનો છે. તેનાં પર શબ્દો ની પસદંગી કરવાની હોય છે. જો સંબંધને દેખીતી રીતે માત્ર સુંદર જ બનાવવાનો હોય તો જ માત્ર એક જ ગળ્યા શબ્દનો જ ઉપયોગ કરવો પડે છે, જો સંબંધ ને ચટપટો અને મસાલેદાર બનાવવા નો હોય તો શબ્દો ની પસંદગી પણ હલકી કરો તો ચાલશે! સંબંધને સ્વાદિષ્ટ બનાવવો છેતો તેમાં ખાટો, ખારો અને ક્યારેક તીખો સ્વાદ પણ ઉમેરવો પડશે.. પરંતુ જો સંબંધને આરોગ્ય વર્ધક બનાવવો હશે તો તેમાં શબ્દોની પસંદગી પણ દેખાવ અને સ્વાદથી ઉપર જઈ અને સ્વાસ્થ્યવર્ધક કરવી પડશે!! કેમ કે, કાળીજીરીનો રંગ અને સ્વાદ સારા ન હોય પણ શરીર સ્વસ્થ્ય માટે ગુણકારી હોય છે.
કબીર વાણીના પુસ્તકમાં શ્રી કબીરદાસ કહે છે કે,…
શબ્દ શબ્દ બહુત અંતરા, શબ્દ કે ન હાથ પાવ,
એક શબ્દ કરે ઔષધી, એક શબ્દ કરે ધાવ
અર્થાત્શબ્દ શબ્દ વચ્ચે પણ બહુ તફાવત હોય છે. શબ્દને હાથ પગ નથી હોતા.છતાં તે કાર્યશીલ હોય છે.કોઈ શબ્દ ઔષધીનું કામ કરે છે,તો કોઈ શબ્દ વાક્ બાણ પણ બની શકે છે. શબ્દ એક ખૂબ શક્તિશાળી હથિયાર છે. તેની ધાર તલવારની ધાર કરતાં પણ વધારે તેજ હોય છે. તલવારથી માત્ર વ્યક્તિનું શરીર એક વખત મૃત્યુ પામે પરંતુ શબ્દો વ્યક્તિના આંતર મનને મૃત:પાય બનાવી દેતા હોય છે.શબ્દ એ ભાષાનું ઘરેણું છે. પહેલાના સમયમાં લોકો શબ્દ ઉપર આર્થિક અને સામાજિક વ્યવહારો કરતા. કહેવાનો ભાવાર્થ એટલો છે કે શબ્દનું એટલું મૂલ્ય હતું. પરંતુ પ્રવર્તમાન સમયમાં લોકો શબ્દનો ઉપયોગ પરસ્પર એકબીજાને છેતરવા માટે કરતા હોય છે. સંબંધોની ચોપાટમાં સ્વાર્થને સિદ્ધ કરવા માટે શબ્દ એ રૂપકડું પાંસુ છે.જેને કહેવાતા ચાલાક અને હોશિયાર અઠંગ શકુનીઓ ખુબ સરસ રીતે રમી જાણે છે. શબ્દ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ આજના સમયમાં મૂરખનું ઉપનામ પામે છે. બોલાયેલા શબ્દો કે અપાયેલા વચનો માત્ર શાબ્દિક મર્યાદા પૂરતા સીમિત બનીને રહી ગયા છે. દુન્યનવી સંબંધોની વાત અલગ છે. પરંતુ જ્યારે પરસ્પર પ્રેમમાં થયેલા શાબ્દિક સ્વીકાર ઉપર જ્યારે કોઈ લાગણીશીલ વ્યક્તિ શબ્દોનાં વિશ્વાસમાં આવી અને જીવનના સૌદા કરી બેસે ત્યાર પછી બોલાયેલા શબ્દો અને આરોપેલા વિશ્વાસનું જે અમાનવીય રીતે મારણ થાય એ તક્લીફ બાણ સૈયા ઉપર સુતેલા ભીષ્મ ની પીડા સમાન હોય છે. કેમ કે,આપેલા વચનો કરેલા વાયદાઓ વાસ્તવિકતા સામે જ્યારે નઠારા અને નકામા સાબિત થાય ત્યારે તે દરેક બોલાયેલો શબ્દ વ્યક્તિનાં અંતર મનને જેમ બાણ શરીરને આરપાર ચીરી અને દેહ ને ચારણી સમાન બનાવી દે તેવી જ સ્થિતિ મન માં રહેલી લાગણી ની થતી હોય છે.શબ્દો પર મૂકેલ વિશ્વાસનો ભંગ થયા પછી વ્યક્તિ જીવિત તો રહે છે પરંતુ જીવંત રહેતી નથી. આપણા બંધારણમાં કોઈ વ્યક્તિનું ખૂન કે હત્યા કરવી એ જધન્ય ગુનો ગણવામાં આવે છે . એવી જ રીતે કોઈ વ્યક્તિને શાબ્દિક રીતે વિશ્વાસમાં લઈ અને તેમની લાગણીનું શોષણ કરી અને સ્વાર્થ પત્યા પછી તે લાગણીને રજડતી મૂકી દેવી. આ ઘટના ને પણ અક્ષમ્ય ગુના તરીકે બંધારણના કાયદામાં દાખલ કરવી જોઈએ.
જો કે આવું બને તો સમાજમાં દેખાતા મોટાભાગના સંબંધો,લાગણીઓ અને કહેવાતા સ્વજનો અને આપ્તજનોને સળિયા પાછળ જોવા પડે..!દેશમાં કદાચ ઘર ઓછા રહી જાય અને જેલની સંખ્યા વધી જાય આવું પણ બની શકે..! આ સત્યને સ્વીકારવું અને પચાવવું ચોક્કસ અઘરું બને. પરંતુ આપણે બધા જીવનમાં ખૂબ અંગત લોકો પાસેથી જ શાબ્દિક પ્રહારનો ભોગ બની ચૂક્યા હોઈએ છીએ. કોઈ સાવ અંગતે આપણા ઉપર ઉગામેલો પથ્થર આપણે કદાચ ભૂલી જઈએ પરંતુ ઉગામેલો શબ્દ ક્યારેય ભૂલી શકાતો નથી..!આપણા ધાર્મિક શાસ્ત્રોમાં શબ્દને બ્રહ્મ કહ્યો છે જે અવિનાશી,અજર અને અમર છે.શબ્દ મૃત્યુ પામતો નથી તે સદાને માટે જીવંત છે. શબ્દ જન્માંતર સુધી કર્મોની પાછળ ચાલતો રહેતો હોય છે.આથી જ કદાચ પૌરાણિક સમયમાં વરદાન અને શ્રાપ બંને પરિસ્થિતિમાં બોલાયેલા શબ્દો ખૂબ મહત્વ ધરાવતા હતા. આધ્યાત્મિક દ્રષ્ટિકોણને બાજુ પર મૂકી દઈએ તો પણ શબ્દનો ઉપયોગ ખૂબ જ જાળવણીથી કરવો જોઈએ.અજાણતા પણ બોલાયેલો શબ્દ વ્યક્તિને ફૂલોની વચ્ચે ઓચિંતા છુપાઈને બેઠેલા કાંટા જેવો અહેસાસ કરાવી ન જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. કેમ કે, શબ્દનો એક ગુણ અમૃત છે તો બીજો હળાહળ ઝેર પણ છે..!