ગેરકાયદેસર ડોમ બનાવી કેન્ટીન ચલાવતા: 20 સિલિન્ડર ક્યાંથી આવ્યા?
શહેરના સોની બજારમાં ભીમજીભાઈવાળી શેરીમાં પરમેશ્ર્વરી હબ નામના 5 માળના બિલ્ડિંગમાં ઉપર ટેરેસ પર બનાવાયેલા હંગામી કિચનમાં અચાનક જ આગ ભભૂકતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. બહુમાળી ઇમારતમાં પૂરતી ફાયર સેફટી હોવાથી તુરંત આગ પર કાબુ મેળવાયો હતો. આ અંગે તંત્રએ શો રૂમના માલીકે નોટીસ ફટકારી હતી.
- Advertisement -
આ બિલ્ડિંગમાં 250 કારીગરો કામ કરતા હતાં તથા બે કારીગરો લીફ્ટમાં ફસાયા હતા તથા અગાસી પર મોટો ડોમ બનાવી તેનો ઉપયોગ કરાતો હતો જે તદ્દન ગેરકાયદેસર ગણાય છે ત્યારે આટલી હદ સુધી લોકો ગેરકાયદે બાંધકામ કરી કામ કરે છે ત્યાં સુધી તંત્રને ખબર સુદ્ધાં હોતી નથી? આ જગ્યા પર એલીવેશન કાચનું હતું અને હવા ઉજાસ માટે એક પણ બારી બારણા રાખવામાં આવ્યા ન હતા. જો આગ વધુ વિકરાળ બનત તો સુરતવાળી રાજકોટમાં પણ થાત.
સ્થળ ઉપર શહેર મામલતદાર, ચીફ ફાયર ઓફિસર ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા, પીજીવીસીએલના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, એસઓજીની ટીમ દોડી ગઈ હતી. ઉપરાંત ફાયર સ્ટેશન ઓફિસર ઝીંઝુવાડિયા, દવે, અને મઠીયા, ફાયરમેનનો સ્ટાફ શૈલેષભાઈ ખખ્ખર, ધ્રુવભાઈ, રસીકભાઈ, જયસુખભાઈ, ધીરેન્દ્રભાઈ વગેરે દોડી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવી આગ કાબુમાં લીધી હતી જેથી ટેરેસ ઉપરની આગથી નીચેના ફ્લોર ઉપર કોઈ જ નુકસાન થયું નહોતું અને આગ પ્રસરતા અટકી ગઈ હતી.
ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેરએ જણાવ્યા મુજબ, આ બિલ્ડીંગમાં તન્વી ગોલ્ડ કાસ્ટ નામના શો રૂમના પાંચમા માળે આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં શો-રૂમના બીપીનભાઈ વિરડીયાના પણ સ્થળ પર પહોંચ્યા હતા. કોમ્પ્લેક્સની અગાસીમાં બનેલા ડોમમાં ઉપયોગમાં લેવાતા કિચનમાં આગ લાગી હતી. બિલ્ડિંગમાં ત્યારે 200થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. સદનસીબે આગ નીચે પહોંચી ન હતી જેથી કોઈ જાનહાની થઈ નથી. અહીં ગેસના બાટલાનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હાલ 15થી 20 જેટલા બાટલા બહાર કાઢવામાં આવ્યા છે. આ બાટલા કાયદેસર હતા કે કેમ? અને ઉપરના માળે મંજૂરી હતી કે કેમ? તે બાબતે તપાસ થશે. આગનું કારણ જાણવા મળ્યું નથી.
બિલ્ડીંગના ઉપરના માળે આગ લાગતાં અનેક ચીજવસ્તુઓ બળીને ખાખ થતાં લાખોનું નુકશાન થયાનું અનુમાન છે. લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થયા હતા.