આજથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા “કાર્તિકી પૂર્ણિમા મેળો 2025” નો ભવ્ય પ્રારંભ
તા.27ના રોજ જુનાગઢ રેન્જ પોલીસ વડા નિલેશ જાજડીયા સાહેબના હસ્તે મેળો ખુલ્લો મૂકાશે
- Advertisement -
150+ વાનગીઓ સાથે ફૂડ બજાર, બાળકો માટે મોટી સંખ્યામાં રાઇડ્સ, 5 દિવસ ટોચના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, અને ખરીદીના દુનિયાભરના વિકલ્પો…
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાંના એક એવા “કાર્તિકી પૂર્ણિમા મેળા 2025” માં ભજન ભોજન ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે. ત્યારે આ વર્ષના કાર્તિકી પૂર્ણિમા સમયે ભારે વરસાદને કારણે મેળાની તારીખો માં ફેરફાર કરીને તા.27/11/2025 થી 01/12/2025 સુધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમા મેળામાં અનેકવિધ મનોરંજનના માધ્યમો થકી સૌરાષ્ટ્ર ભરની જનતાને આનંદ પ્રમોદ પૂરો પાડવામાં આવશે. નાના બાળકો માટે મોજમસ્તી ભરેલા અનુકૂળ અને સલામત રાઈડ્સ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે, જેમાં તમામ સુરક્ષા તકેદારીનું પાલન કરવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમા મેળાનુ ઉદ્ઘાટન જુનાગઢ રેન્જ આઇ.જી શ્રી નિલેશકુમાર ઝાઝડિયા સાહેબના શુભહસ્તે તા.27નવેમ્બર, 2025ના રોજ સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા છે. જેને અનુસરીને આ વર્ષે પણ કાર્તિકી પૂર્ણિમા મેળો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં બાળકો માટે 50 થી વધુ મનોરંજન માટેની રાઇડસ, 200 જેટલા ખાણી-પીણીના સ્ટોલ, રમકડાં, અને હસ્તકલા-ગૃહઉદ્યોગના ઇન્ડેક્ષ-સી વિભાગના વિવિધ સ્ટોલ્સ, ગુજરાત સરકાર દ્વારા હસ્ત અને લલિત કલાને પ્રોત્સાહન આપતો સરસ મેળો પણ યોજાનાર છે. આ ઉપરાંત જેલના કેદીઓના બનાવેલા ભજીયા સ્ટોલ, સનાતન સંસ્કૃતિને લગતા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, “સોમનાથ 70” ચિત્ર પ્રદર્શની, અને કિર્તિદાન ગઢવી, શ્રી માયાભાઇ આહિર, અપેક્ષાબેન પંડયા, હેમંત જોશી, હિતેશ અંટાળા, સાંતવની ત્રિવેદી, સુશ્રી રાજલ બારોટ, બહાદુર ભાઈ ગઢવી જેવા અનેક લોકપ્રિય ગુજરાતી કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્તિક પૂર્ણિમાના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય, ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આધુનિક ટેકનોલોજી અને માનવબળના સમન્વય સાથે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
ક્લસ્ટર ઝોન દ્વારા વિભાજન:
વિશાળ મેળા પરિસરને વ્યવસ્થિત રીતે સંભાળવા માટે તેને વિવિધ ક્લસ્ટર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનની જવાબદારી ચોક્કસ અધિકારીઓને સોંપવામાં આવી છે. આ પદ્ધતિથી ભીડનું નિયંત્રણ સરળ બને છે અને કોઈ એક જગ્યાએ અતિશય ભીડ થતી અટકાવી શકાય છે.
વોચ ટાવર: મેળામાં આવતા લોકો પર સતત નજર રાખવા માટે વ્યૂહાત્મક સ્થળોએ ઊંચા વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ ટાવર પર પોલીસ જવાનો સજ્જ રહેશે.
ત્રીજી આંખ સમાન ઈઈઝટ: ટ્રસ્ટ દ્વારા સમગ્ર મેળા પરિસર, પ્રવેશ દ્વાર, મુખ્ય મંદિરોને આવરી લેતા હાઈ-ડેફિનેશન ઈઈઝટ કેમેરાનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ કેમેરા 24 કલાક કાર્યરત રહેશે.
હાઈ-ટેક કંટ્રોલ રૂમ: તમામ વ્યવસ્થાનું સંચાલન એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે. અહીં ટ્રસ્ટના અધિકારીઓ, પોલીસ, આરોગ્ય અને ફાયર વિભાગ વચ્ચે સંકલન અહીંથી થશે જેથી કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં ત્વરિત મદદ પહોંચાડી શકાય.
- Advertisement -
ફાયર સેફ્ટી માટે ફાયર ટેન્ડર: મેળામાં કામચલાઉ દુકાનો અને ભીડને ધ્યાનમાં રાખીને આગજની જેવી દુર્ઘટના નિવારવા ફાયર ટેન્ડર સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે.
સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ: યાત્રિકોને જરૂરી સૂચનાઓ આપવા માટે સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત રાખવાં આવી છે. આમ, ક્લસ્ટર ઝોન મેનેજમેન્ટથી લઈને હાઈ-ટેક સર્વેલન્સ સુધીની આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરે છે કે કાર્તિક પૂર્ણિમાનો મેળો શ્રદ્ધાળુઓ માટે માત્ર ભક્તિનો જ નહીં, પરંતુ સલામતી અને શાંતિનો ઉત્સવ બની રહે. આમ, કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રત્યેક પધારનારા માટે સુરક્ષિત અને આનંદસભર વાતાવરણમાં આનંદ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટ તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને નગર સેવા સદન સાથે મીલીને મેળામાં તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.



