મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
જે લોકો મબલખ ધન મેળવવાનું લક્ષ્ય સેવે છે એ લોકો સૌથી નીચું નિશાન તાકે છે, જે લોકોનું લક્ષ્ય ધ્યાન-સાધના તરફ છે તેઓ સૌથી ઊંચું લક્ષ્ય ધરાવે છે
- Advertisement -
મનુષ્ય પામર નથી, મનુષ્યની અંદર મહાન સંભાવનાઓ છુપાયેલી છે. માનવ યોની અને દેવ યોની વચ્ચે ઝાઝો તફાવત નથી. સર્જનહારે જગતના તમામ પ્રાણીઓ કરતા મનુષ્યને વધારે શક્તિઓ આપી છે. ઉત્ક્રાંતિના ક્રમમાં ચિમ્પાંઝી અને મનુષ્ય બહુ પાસે-પાસે રહેલાં છે. બન્ને વચ્ચે મુખ્ય તફાવત એટલો છે કે ચિમ્પાંઝીનો અંગુઠો એના હાથની આંગળીઓથી છૂટો પડી શકતો નથી. માણસનો અંગુઠો એના હાથની આંગળીઓથી થોડાંક અંતર પર આવેલો છે. આના કારણે માણસ ઓજાર પકડી શકે છે, અંગુઠા અને આંગળીઓ વચ્ચે કલમ પકડી શકે છે. ઈશ્વરનું મનુષ્યને આપેલું આ કેટલું મોટું વરદાન છે એ માત્ર એવા લોકોને જ સમજાશે કે જેમણે હાથની આ કાર્યક્ષમતાનો સુંદર રીતે ઉપયોગ કરી જાણ્યો છે. અફસોસની વાત એ છે કે મોટા ભાગના મનુષ્યો હાથથી કામ કરવામાં શરમ અનુભવે છે. દરેક માણસની અંદર ઈશ્ર્વર બનવાની શક્યતા છુપાયેલી છે. તમે જેવા બનવા ઇચ્છશો તેવા બની શકશો. જેવું તમારું લક્ષ્ય તેવું તમારું ભવિષ્ય. જે લોકો મબલખ ધન મેળવવાનું લક્ષ્ય સેવે છે એ લોકો સૌથી નીચું નિશાન તાકે છે, જે લોકોનું લક્ષ્ય ધ્યાન-સાધના તરફ છે તેઓ સૌથી ઊંચું લક્ષ્ય ધરાવે છે, પસંદગી તમારે કરવાની છે. જે વસ્તુઓ મૃત્યુ પછી અહીં જ છોડીને ચાલ્યા જવાનું છે એ વસ્તુઓ માટે જીવનભર પરસેવો પાડવો છે કે આત્માનું કલ્યાણ સાધવું છે?