શહેરના માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યાં છે
જામનગરના ચાંદીબજારમાં વૃદ્ધ ઘરની બહાર નીકળ્યા એવો જ ગાયે હુમલો કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા નિદ્રામાં છે. શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે, પરંતુ મહાપાલિકાને લોકોના જીવની પડી નથી એમ વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે. શહેરના ચાંદીબજાર પાસે આવેલા વાણિયાવડ વિસ્તારમાં ઘરેથી નીકળતા વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચડાવ્યા હતા. જ્યાં સુધી વૃદ્ધ બેભાન ન થયા ત્યાં સુધી શિંગડાં અને પગથી રગદોળ્યા હતા. આ ઘટનામાં સારવાર મળે એ પહેલાં જ વૃદ્ધનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાના હૈયું હચમચાવી દે એવા સીસીટીવી સામે આવ્યા છે. જામનગર શહેરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે.
મહાપાલિકાને જાણે તેઓ ગણકારતા જ ન હોય તેમ તમામ માર્ગો પર તેઓ પોતાની હાજરી નોંધાવે છે અને બેફામ બનીને લોકોને હડફેટે લઈ તેમનાં હાડકાં ભાંગે છે અને ઘણીવાર તો જીવ પણ લે છે છતાં પણ મહાપાલિકાને આની કોઈ ગંભીરતા નથી. આવો જ એક કિસ્સો ચાંદીહજારથી સામે આવ્યો છે, જેમાં હળાયા ઢોરે વૃદ્ધનો જીવ લીધો છે.
જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ જેઠાલાલ બોસમિયાને ઘર નજીક જ રખડતા ઢોરે ઢીંકે ચડાવ્યા હતા. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાય એ પૂર્વે જ મોત થયું હતું.
આ બનાવની જાણ થતાં હોસ્પિટલ ચોકી, પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. શહેરના ચાંદીબજાર નજીકના વિસ્તારમાં રસ્તે રખડતાં ચાર-પાંચ ઢોરના ટોળાએ રવિવારે સાંજે આતંક મચાવતાં ભોગગ્રસ્ત વૃદ્ધ ઉપરાંત અન્ય 1-2 વ્યક્તિને પણ ઝપટમાં લઈ ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
રાજકોટ મનપાએ આ ઘટનાથી શીખ લેવી જરૂરી
જામનગરમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજકોટ મનપાએ જોવું રહ્યું. કારણ કે, રાજકોટ શહેરમાં પણ રખડતા ઢોરનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લઈને ઢોર પકડ ઝુંબેશ હાથ ધરાઈ છે અગાઉ પણ રખડતા ઢોરના લીધે એક નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે જામનગરમાં બનેલી ઘટના અહીં ન બને તે માટે મહાનગરપાલિકાએ એલર્ટ રહેવું જરૂરી બને છે. આમ છતાં ઢોરની સંખ્યા ઘટી નથી પણ હવે રાત્રે રખડતા ઢોરનો ત્રાસ શરૂ થયો છે. રાજકોટમાં હાલ ઢોર પકડ ઝુંબેશ સાંજ સુધી ચાલે છે જેનો લાભ કેટલાક શખ્સો લઈ રહ્યા છે.