ગઈ કાલે જ એક સમાચાર વાંચ્યા અને જોયા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એમના ગુરુદેવના દર્શન કરવા માટે ગયાં હતાં. કોઈક અંગત સમસ્યાથી પરેશાન હોવા જોઈએ. ગુરુદેવે મંત્ર-જાપ કરવાની સલાહ આપી. અનુષ્કાએ આંસુભરી આંખો સાથે પૂછ્યું, “ગુરુદેવ, મંત્ર-જાપ કરવાથી બધું સારું થઈ જશે?” ગુરુદેવે હા પાડી. એ પછી એરપોર્ટ પર વિરાટ કોહલી એના કી-ચેઇન જેવા ખાસ નાનકડાં યંત્રમાં મંત્ર-જાપ કરતો અને ગણતો જોવા મળ્યો. નામ સ્મરણનો મહિમા અને મંત્ર-જાપનું ફળ હજારો લાખો વર્ષથી સિદ્ધ પુરુષો વર્ણવી ગયા છે. ગણેશપૂરી વાળા પૂજ્ય શ્રી મુક્તાનંદ બાબા હોય કે ગંગાસતી હોય, બધાએ એક જ સલાહ આપી છે “દિવસ-રાત સભાનપણે અને અભાનપણે મંત્ર-જાપ કરતા રહો. જેટલા શ્વાસો મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે”. મીરાંએ શ્રીકૃષ્ણનું નામ લેવા માટે જ મેવાડ છોડ્યું, ગોરા કુંભારે ગારો ખુંદતા-ખુંદતા પણ ભગવાનનું નામ લીધા કર્યું, નરસૈયો ભગવાનના ભજન ગાવા માટે જેલમાં પુરાયો.
જે લોકો એવું કહે છે કે ભગવાનનું નામ લઈશું તો સંસાર કેવી રીતે ચલાવીશું, એમના માટે હજારો દૃષ્ટાંતો મોજૂદ છે. જેમણે ભગવાનનું નામ લીધું છે એમનો સંસાર ભગવાને ચલાવ્યો છે અને એમના નામ જગતમાં આજ સુધી લોકો યાદ કરે છે. રા’માંડલિકને કોઈ યાદ કરતું નથી, નરસૈયાના પ્રભાતિયાં ઘરે ઘરે ગુંજે છે. મીરાબાઈને દેશવટો આપનાર રાણાનું નામ ભાગ્યે જ કોઈને યાદ હશે, મીરાના ભજનો આખા ભારતમાં ગવાય છે. અકબર ધ ગ્રેટ ઇતિહાસમાંથી લુપ્ત થઈ રહ્યો છે, તુલસીદાસની ચોપાઈઓ 100 કરોડ હિન્દુઓ આજે પણ ગાય છે. દસ લાખ કરોડ અને વીસ લાખ કરોડના માલિકો દિવસ-રાત વિમાનોમાં ઉડાઉડ કરતા રહે છે, ચિંતાઓના પોટલાં વધારતા રહે છે અને પરસેવો પાડતા રહે છે. પૂજ્ય શ્રીરમણ મહર્ષિ એક નાનકડુ કૌપિન ધારણ કરીને આખી જિંદગી અરુણાચલ પર્વતની ટોચ પર આસન જમાવીને બેસી રહ્યા. એમણે ક્યારેય કોઈ પત્રકારોની, વિડિયોગ્રાફીની, ઇન્ટરવ્યૂઝની કે સમચારોમાં ચમકવાની પરવા ન કરી. આખું જગત એમને મળવા માટે પહાડ ચડીને આવતું હતું અને લંગોટીધારીના ચરણોમાં શીશ ઝુકાવી જાતું હતું. આ પરમાત્માના નામનો ચમત્કાર છે.