જાણીતા લોકસાહિત્યકાર શ્રી મંગલ રાઠોડ પાસેથી સવાર સુધરી જાય એવી ઘટના સાંભળવા મળી. બરડા પંથકનો જ્ઞાતિએ સાધુ એવો એક માથાભારે આદમી નાણાની ધીર-ધારનો ધંધો કરતો હતો.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
દાયકાઓ પહેલા તેના કરોડો રૂપિયા વ્યાજે ફરતા હતા. ઉઘરાણીની બાબતમાં તે પઠાણ કરતા પણ વધારે કડક હતો. અત્યારના બાઉન્સર્સને ઝાંખા પાડી દે તેવા માણસોને તેણે વસૂલી માટે નોકરીમાં રાખ્યા હતા. એ પોતે પણ સાથે જતો હતો. ઉઘરાણી માટે એ કોઈના બારણે જઈને ઉભો રહે અને ત્રાડ પાડે : “પૈસા લેવા આવ્યો છું.” આવું એ ત્રણવાર બોલે એ પછી એની લાઠી બોલે.
એક દિવસ એ માણસ એના ગુંડાઓને લઈને એક ઘરે જઈ ચડ્યો. બારણાંમાંથી જ એણે ત્રાડ પાડી. એનો ગગનભેદી અવાજ ઘરની અંદર આંટો મારીને પાછો આવ્યો. કંઈ બન્યું નહિં, એણે સાથેના માણસને કહ્યું, “ઘરનો પુરુષ ડરીને સંતાઈ ગયો લાગે છે. અંદર જઈને તપાસ કરી આવ.” પેલો માણસ અંદર ગયો અને થોડી જ વારમાં પાછો આવ્યો. એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. માલિકે પૂછ્યું, “કેમ શું થયું?” પેલાએ જવાબ આપ્યો, “આપણો દેવાદાર ઘરમાં હાજર નથી. એની ગર્ભવતી સ્ત્રી તમારી ત્રાડ સાંભળીને ડરી ગઈ, એ ગર્ભવતી હતી. ડરના કારણે તેને કસુવાવડ થઈ ગઈ. લોહીના ખાબોચિયામાં તે સ્ત્રી અને કાચો ગર્ભ તરફડી રહ્યા છે.”
- Advertisement -
આ સાંભળીને માલિકના ગળામાંથી હાયકારો નીકળી ગયો. એક પણ શબ્દ બોલ્યા વગર એ પાછો ફર્યો. ઘરે આવીને હિસાબના બધા જ ચોપડા એણે ફળિયામાં ખડકયા, એ ડુંગર પર પાંચ કિલો ઘી રેડયું અને દીવાસળી ચાંપી દીધી. કરોડો રૂપિયાની ઉઘરાણીમાં આગ લગાવી દઈને એ સાધુ ખરેખર સાધુ બની ગયો. એનું નામ ભભૂતગર મહારાજ. એ પછી એણે સુંદર ભજનો લખ્યા, આખી જિંદગી પ્રભુભક્તિમાં ગુજારી દીધી. એમની કેટલીક પંક્તિઓ અહીં રજૂ કરું છું :
‘ખાટી પણ ખાધી નહીં દાટી માટી માંહ્ય,
હવે ફરવું ફળિયા માંહ્ય ભોરિંગ થઈ ને ભભૂતિયા,
ખોળા કૈંક ખપી ગયા વિધવિધ પેરી વેશ,
નાવે પાર નરેશ ભજવ્યા વીણ ભભૂતિયા’