મનપાની ફૂડ શાખાએ વાસી કેક, બ્રેડ, બ્રાઉની, ઈંડા અને કોલ્ડ રૂમમાંથી વાસી સોસ પાવડર મળી આવ્યો, 140 કિલો જથ્થાનો નાશ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેઓએ ભીલવાસ ચોકમાં દરોડા પાડ્યા છે. અહીની ભારત બેકરીમાંથી આરોગ્ય વિભાગને મસમોટો અખાદ્ય જથ્થો મળ્યો છે. અધિકારીઓએ વાસી અને અખાદ્ય બ્રેડનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. અહીંથી બ્રેડ ઉપરાંત પણ અન્ય અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
આર્ટિફિશ્યલ એસેન્સ સહિતનો જથ્થો ઝડપાયો છે. આ સિવાય પણ કેક બનાવવાના રૂમમાંથી કેટલીક નોનવેજ વસ્તુઓ મળી આવી છે. એક તરફ શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ બેકરીની વસ્તુઓ લોકોની આસ્થા સાથે ચેડા કરતી હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય પ્રતિબંધિત ગણાતા કેમિકલ અને સેકરીનનો જથ્થો પણ મળી આવ્યો છે.
- Advertisement -
મનપાની ફૂડ શાખાએ વાસી કેક, બ્રેડ, બ્રાઉની, ઈંડા અને કોલ્ડ રૂમમાંથી વાસી સોસ પાવડર સહિત કુલ 140 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. ભારત બેકરીમાં જ્યાં જુઓ ત્યાં માખીઓ ગણગણતી હતી ઉપરાંત જીવાત અને પુષ્કળ પ્રમાણમાં ગંદવાડ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં અનેકવાર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો છે. જો તમે પણ રાજકોટના નિવાસી છો અને બહારનું ખાવાનું ખાઓ છો તો તમારે ચેતી જવાની જરૂર છે.