ગરવા ગિરનારની ટોચ સુધી પહોંચાડતા દાદરાના નિર્માણ પાછળની રસપ્રદ અને ગૌરવનો અનુભવ આપતી દાસ્તાં
શું તમે એ ભયંકર કાળખંડમાં હિન્દુઓની અતિ વિકટ સ્થિતિ અંગેની દિલધડક સચ્ચાઈ જાણો છો?
- Advertisement -
આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું: આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો
વર્ષ 1889, સ્થળ જૂનાગઢ. 1857ની ક્રાંતિને 32 વર્ષ વીતી ગયા હતા. તે સમયે અંગ્રેજોએ લગભગ આખું ભારત કબજે કરી લીધું હતું અને ઘણા રજવાડા અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા હતા. તેમાં આપણાં ગુજરાતનું એક જૂનાગઢનું રજવાડું પણ હતું, જેના બાદશાહ નવાબ બહાદુર ખાન હતા.
આપણે સહુ જાણીએ છીએ તેમ સદીઓ જૂનો ગિરનાર પર્વત જૂનાગઢને બિલકુલ અડીને છે. આમ ગિરનાર તે સમયે સીધો જ નવાબી જૂનાગઢ રાજ્યના શાસન નીચે આવતો હતો. એ યુગો યુગો જૂનો ગિરનાર જ્યાં આપણાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેયજીનું મંદિર છે. અહીં માત્ર હિન્દુ ધર્મના જ નહીં બલ્કે જૈન ધર્મના પણ ઘણા મંદિરો આવેલા છે.
આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું હતું. અલબત્ત 1166માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્માર થઈ જતાં 1627માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે ઘટનાના બસ્સો બાસઠ વર્ષ 1889માં આજે આપણે જે સીડી વાપરી છીએ તે
અંબાજી મંદિર સુધી પથ્થરના પગથિયા ફરી બનાવવામાં આવ્યા હતા. કારણ કે જૂનો માર્ગ બીલકુલ ખલાસ થઈ ગયો હતો. લોકોને મહિનાઓ નીકળી જતા હતા આ યાત્રામાં પૂર્ણ કરવામાં. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો અહીંના જંગલના હિંસક પશુઓના હુમલાનો ભોગ બની ઘાયલ થયા હતા કે મૃત્યુ પામ્યા હતા.
- Advertisement -
આ દરમિયાન વારંવાર આવી દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી કે હિંદુઓ અને જૈનોને ગિરનાર જવામાં પારાવાર મુશ્કેલી પડે છે, અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન મૃત્યુ પામે છે તો શા માટે આપણે ઉપર જવા માટે સીડી ન બનાવીએ. નવાબે અમદાવાદથી એક અંગ્રેજ એન્જિનિયરને બોલાવ્યો. અંગ્રેજ ઈજનેરે તપાસ કરી અને કહ્યું કે ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થશે.
1889માં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ઘણી મોટી રકમ હતી. આ રકમ સાંભળીને નવાબ સ્થબ્ધ થઈ ગયા અને તેમણે તે માટે ઇન્કાર કરી દીધો. તે વખતે હરિદાસ દેસાઈ અને પુરૂષોત્તમરાજ ઝાલાએ કહ્યું કે નવાબસાહેબ, સરકારી તિજોરીમાંથી પૈસા ન આપો, અમે લોટરીની ટિકિટ લાવીશું, જેમાં આકર્ષક ઈનામો હશે. અમે તે લોટરીની કિંમત ₹ 1 રાખીશું અને મને આશા છે કે ઘણા લોકો લોટરી ખરીદશે. તે પૈસાથી અમે આ સીડી બનાવીશું. તેઓએ નવાબ સમક્ષ સ્પષ્ટ કર્યું કે ગેઝેટમાં અમે જણાવીશું કે અમે આ લોટરી કયા હેતુથી બહાર પાડી રહ્યા છીએ જેથી કરીને વધુમાં વધુ હિન્દુઓ અને જૈનો આ લોટરી ખરીદે. તેમની દૃઢતા અને ધાર્મિક ભાવના જોઈ નવાબે આ માટે સંમતિ આપી.
ત્યારબાદ 12 સભ્યોની કમિટી બનાવવામાં આવી. આ સમિતિના વડા બેચરદાસ બિહારીદાસ હતા. 1લી ઓક્ટોબર 1889 ના રોજ, ₹ 1 ની લોટરી યોજાઈ હતી, લોટરીમાં પ્રથમ ઇનામ ₹ 40000 હતું, જે પછીથી ઘટાડીને ₹ 10000 કરવામાં આવ્યું હતું, અને સૌથી ઓછું ઇનામ ₹ 5 હતું. ત્યાર બાદ આ લોટરીની વિગતો જૂનાગઢના અધિકૃત રાજ્ય ગેઝેટ “દસ્તુરલ અમલ સરકાર”માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેમાં આખી સ્કીમ વીશે સમજ આપવામાં આવી હતી. તે સાથે જ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ લોટરીની ટિકિટની કમાણીથી હિંદુ અને જૈન ભક્તો માટે ગિરનાર પર્વત જવા માટે એક સીડી બનાવવામાં આવશે.
ટિકિટમાં ખૂબ જ આકર્ષક સ્કીમ રાખવામાં આવી હતી, જેમ કે જો કોઈ એકસાથે 12 ટિકિટ ખરીદે તો તેને એક ટિકિટ ફ્રી, 100 ટિકિટ વેચનારને 15% કમિશન અને જો નિશ્ચિત સમયમાં ટિકિટ ન વેચાય તો તેઓ ટિકિટ પરત પણ કરી શકે
તે પછી ઘણા લોકો લોટરી ખરીદવા લાગ્યા. તે ખરીદવામાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ઘણા અંગ્રેજો પણ હતા.
ત્યાર બાદ 15મી મે 1892 રવિવારના રોજ લોટરી ઇનામ એટલે કે વિજેતાઓની યાદી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતભરમાંથી હજારો લોકો જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં ફરાઝ ખાનના ઘરે લોટરીની ટિકિટ રાખવામાં આવી હતી. લોટરી કમિટીએ લોટરીના નિયમોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં ઉત્તમ ભૂમિકા ભજવી હતી. કુલ 128663 ટિકિટો વેચાઈ હતી. ₹ 10,000નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્યું હતું. તેમણે પોતાને મળેલા પ્રથમ ઇનામની રૂપિયા દસ હજારની આ રકમ ગિરનારની સીડીઓ બનાવવા માટે દાનમાં આપી હતી. આજથી સવાસો વર્ષ પહેલાં 1892માં ₹10000નું વાસ્તવિક મૂલ્ય અધધ જ હોય ને! કદાચ તે આજના રૂ. 100 કરોડથી ઓછું નહી હોય. 2500 રૂપિયાનું બીજું ઇનામ બે લોકોને આપવામાં આવ્યું હતું, જે પંજાબના ખુદાબક્ષ અને લાલચંદને આપવામાં આવ્યું હતું. 1000 રૂપિયાનું ત્રીજું ઇનામ નવસારીના બળવંત રાયને મળ્યું. આ રીતે લોટરી વેચીને લગભગ એક લાખ ત્રીસ રૂપિયા ભેગા થયા અને પછી એક અંગ્રેજ એન્જિનિયરની દેખરેખ હેઠળ ગિરનાર પર્વત પર સીડી બાંધવાનું કામ શરૂ થયું અને સીડીઓ બનાવવામાં કુલ 19 વર્ષનો સમય લાગ્યો. અને આજે આપણે જ ગીરનાર પર જે સીડીઓ ચડીએ છીએ તે આ જ સીડી છે પરંતુ ભાગ્યે જ કોઈને તેના નિર્માણ પાછળની આ કહાનીનો ખ્યાલ હશે! આપણા પૂર્વજોએ આ સીડીના નિર્માણ માટે કેવું સુંદર આયોજન કર્યું હતું એ તો જુઓ!
ફોટામાં એ જ ગિરનાર લોટરીની તસ્વીર છે, જેમાં લખ્યું છે કે જૂનાગઢના નવાબે આ લોટરી માટે ખાસ લાયસન્સ આપ્યું છે. ડાબી બાજુ લોટરી સમિતિના સચિવ પુરુષોત્તમ કે ગાંધીનું નામ દર્શિત છે.
દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી હતી…