સ્ત્રીબોધ ભારતનું મહિલા વિષયક પ્રથમ માસિક
સ્ત્રીબોધથી પ્રેરાઈને સ્ત્રી મિત્ર, પ્રિયંવદા, સુંદરી સુબોધ, ગુણ સુંદરી વગેરે અનેક સ્ત્રી માસિક શરૂ થયા હતા
- Advertisement -
1, જાન્યુઆરી 1857ના રોજ સ્ત્રીબોધનો પ્રથમ અંક બહાર પડેલો જેના 20 પાનાં હતા, સ્ત્રીબોધના પ્રથમ અંકમાં મહિલા વિષયક લેખનસામગ્રી ઉપરાંત જાહેરખબર અને ચિત્રો પણ હતા
ગુજરાતી પત્રકારત્વનું પ્રથમ પત્ર મુંબઈ સમાચાર શરૂ કરનારા પારસીઓ હતા, એ જ રીતે ગુજરાતી પત્રકારત્વનું પ્રથમ સ્ત્રી માસિક શરૂ કરનારા પણ પારસીઓ હતા. પારસીઓએ સ્ત્રી કેળવણીના ભાગરૂપે સ્ત્રીબોધ નામનું માસિક શરૂ કરવાનો વિચાર કર્યો હતો. કેટલાક શિક્ષિત પારસી ગૃહસ્થોએ પોતાના પરિવારની મહિલાઓ માટે ચોપાનિયું શરૂ કરવા માટે સ્ત્રીબોધ સભા નામની એક મંડળીની સ્થાપના કરી હતી. સ્ત્રીબોધ સભા મંડળીના પ્રથમ સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા હતા અને સભ્યો ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામજી, સોરાબજી શાપુરજી, બેહરામજી ગાંધી વગેરે હતા. સ્ત્રીબોધ સભાની પ્રથમ બેઠકમાં ચોપાનિયા નમુના આકારનું સ્ત્રીબોધ માસિક દર મહીને પ્રગટ કરવાનું અને તેના પ્રથમ અંકની 1000થી 1100 નકલ મફતમાં વહેંચવાનું નક્કી થયું હતું. આ સિવાય સ્ત્રીબોધ માસિક પ્રગટ કરવાનો વાર્ષિક ખર્ચ અંદાજીત 2000 રૂપિયા થશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સ્ત્રીબોધ સભા મંડળી પાસે માસિક શરૂ કરવા શરૂઆતમાં કોઈ ફંડ ન હતું, તેથી આ મંડળીના ઉદાર સખાવતી સભ્ય શેઠ ડોસાભાઈ ફરામજી કામાજીએ સ્ત્રીબોધ માસિક ચલાવવા માટે દર વર્ષે 1200 એમ પ્રથમ બે વર્ષ સુધી કુલ મળી 2400 રૂપિયાનું દાન આપ્યું હતું. પ્રથમ બે વર્ષે 2400 રૂપિયા બાદ વધુના ખર્ચને પહોચી વળવા માટે આ માસિકનું વાર્ષિક લવાજમ કુલ 12 અંકનું 1 રૂપિયો રાખવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષે જ સ્ત્રીબોધ માસિકની સભ્ય સંખ્યા 1197 જેટલી થઈ ગઈ હતી.
જાન્યુઆરી 1857માં મુંબઈથી શરૂ થયેલું સ્ત્રીબોધ ગુજરાતી ભાષાના પ્રથમ સ્ત્રી માસિક સાથે ભારતનું પ્રથમ મહિલા વિષયક સામાયિક પણ બન્યું હતું. 1, જાન્યુઆરી 1857ના રોજ સ્ત્રીબોધનો પ્રથમ અંક બહાર પડેલો જેના 20 પાનાં હતા. સ્ત્રીબોધના પ્રથમ અંકમાં મહિલા વિષયક લેખનસામગ્રી ઉપરાંત જાહેરખબર અને ચિત્રો પણ હતા. વધુને વધુ સ્ત્રીઓ સ્ત્રીબોધ માસિકનું વાંચન કરી શકે તે માટે તેના પ્રથમ અંકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સ્ત્રીબોધ માસિકના તંત્રીપદે શરૂઆતથી જ સ્ત્રી કેળવણીના હિમાયતી અને સમાજ સુધારક બેહરામજી ખરશેદજી ગાંધી, ત્યારબાદ સોરાબજી શાપુરજી બંગાલી, જાંગીરજી બરજોરજી વાચ્છા, 1859થી જજ નાનાભાઈ હરિદાસ, 1859ના અંતમાં સોરાબજી જાંગીરજી, 1860થી કરસનદાસ મુળજી અને 1862માં નાનાભાઈ રૂસ્તમજી રાણીના રહ્યા હતા. 1863થી 1904 સતત 41 વર્ષ સુધી સ્ત્રીબોધના તંત્રી રહેનારા કેખુશરૂ કાબરાજીએ આ માસિકને ઉત્તમ બનાવ્યું હતું, કાબરાજીના અવસાન પછી તેમના દીકરી શિરીન, પછી તેમના પુત્રવધૂ પૂતળીબાઈ અને પૂતળીબાઈના અવસાન પછી તેમના દીકરી જરબાનુ વડિયા તંત્રી બન્યાં હતાં. કાબરાજીની જેમ તેમનાં દીકરી અને પછી તેમના પુત્રવધૂ પૂતળીબાઈએ પણ તંત્રી તરીકે લાંબો વખત સ્ત્રીબોધને સંભાળ્યું હતું. 1912થી 1942 સુધી પૂતળીબાઈ સ્ત્રીબોધનાં તંત્રી રહ્યાં હતા. કાબરાજીના પરિવારની ત્રણ-ત્રણ પેઢીઓનો સ્ત્રીબોધના સફળ સંચાલનમાં સવિશેષ ફાળો જોઈ શકાય છે.
- Advertisement -
કેખુશરૂ કાબરાજીએ સ્ત્રી પત્રકારત્વનો પ્રારંભ કર્યો અને તેમની દીકરી તથા તેમની પુત્રવધૂએ સ્ત્રી પત્રકારત્વના પ્રારંભને આગળ ધપાવ્યો હતો
મહિલા માટેના સૌ પ્રથમ માસિક સ્ત્રીબોધમાં સ્ત્રી કેળવણી, સ્ત્રી સાક્ષરતા, સ્ત્રીની સમસ્યાઓ, સ્ત્રીઓના દરજ્જા, સ્ત્રીના વિવિધ કર્તવ્યો, સ્ત્રીઓના મન સાથે તનની કેળવણી, સ્ત્રીની ઘરસંસારમાં ભૂમિકા, સ્ત્રી સ્વાવલંબીતા, સ્ત્રી અધિકારો માટે જાગૃતિ, સ્ત્રીની સમાજમાં ફરજો, સ્ત્રી આરોગ્ય, સ્ત્રી ધર્મ, ગૃહ વ્યવસ્થા, બાળકોનો ઉછેર, પ્રખ્યાત સ્ત્રીઓના પ્રેરણારૂપ પાઠ વગેરે તત્કાલીન સ્ત્રી વિષયક લેખનસામગ્રી મનોરંજન અને જ્ઞાનની સાથે પ્રસિદ્ધ થતી હતી. વહેમ, કુરિવાજ, માન્યતા અને અંધશ્રદ્ધા દૂર કરવા બોધરૂપ વાર્તાઓ, નવલકથાઓ, નાટકો પણ પ્રગટ કરવામાં આવતા હતા. સ્ત્રીબોધ માસિકમાં ગરબી, ગીત, કાવ્યો, ઉખાણા, કહેવતો આપવામાં આવતા હતા. એ સમયમાં મુંબઈમાં ફોટોગ્રાફીની શરૂઆત થઈ ચૂકી હોવાથી તેમાં લેખને અનુરૂપ ફોટો કે ચિત્ર પણ છપાતા હતા. ઓછું ભણેલી સ્ત્રીઓ પણ આ માસિકની લેખનસામગ્રીને સરળતાથી વાંચીને સમજી શકે તે માટે લેખનની ભાષા બોલચાલની ગુજરાતી – પારસી રાખવા પર વધુ ભાર મૂકવામાં આવતો હતો.
સ્ત્રીબોધ માસિકમાં શરૂઆતના લેખકો માત્ર પુરુષો જ હતા. નામાંકિત ગુજરાતી લેખક-પત્રકાર નર્મદશંકર અને દલપતરામએ અનેક કાવ્યો સ્ત્રીબોધ માટે લખ્યા હતા. આ ઉપરાંત નાન્હાલાલ, લલિત, રણછોડભાઈ ઉદયરામ, છોટાલાલ સેવકરામ, અરદેશર ફરામજી ખબરદાર, દાદી એદલજી તારાપોરવાળા, જાંગીરજી મહેરવાનજી પ્લીડર, બેજનજી દાદાભાઈ મહેતા, ખરશેદજી ફરામજી ખોરી, ડોસાભાઈ ફરામજી રાદેલિયા, જીવનજી જમશેદજી મોદી, શિવપ્રસાદ પંડિત વગેરે પુરુષ લેખકો સ્ત્રીબોધમાં લખતા હતા. જો મહિલા વિષયક સામાયિકમાં મહિલા લેખિકાઓની વાત કરવામાં આવે તો સ્ત્રીબોધમાં હરકુંવરબાઈએ કવિતા અને પૂતળીબાઈએ વાર્તાથી લખવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ડો. રતનબાઈ રૂસ્તમજી મલબારવાળા, ધનબાઈ બેરામજી નાણાવટી, સુનાબાઈ દિનશાહ પારેખ, રૂપાબાઈ દોરાબજી, પીરોજબાઈ કેખુશરો જીવણજી, રતનબાઈ અદેલજી, શિરીન કાબરાજી વગેરે સ્ત્રી લેખિકાઓ સ્ત્રીબોધમાં લખતી હતી. સ્ત્રીબોધના સૌપ્રથમ લેખિકા જરબાનુ વડિયા ગણાય છે. ત્યારપછી તેમના દીકરી પૂતળીબાઈ. એવું કહી શકાય કે, કેખુશરૂ કાબરાજીએ સ્ત્રી પત્રકારત્વનો પ્રારંભ કર્યો અને તેમની દીકરી તથા તેમની પુત્રવધૂએ સ્ત્રી પત્રકારત્વના પ્રારંભને આગળ ધપાવ્યો હતો.
1904માં કેખુશરૂ કાબરજીના અવસાન બાદ શિરીન કાબરજીએ આશરે 10 વર્ષ સુધી સુધી સ્ત્રીબોધ માસિક ચલાવ્યું હતું. તેઓ કદાચ ગુજરાતી પત્રકારત્વના પ્રથમ મહિલા તંત્રી હતા. શિરીન કાબરાજી બાદ પૂતળીબાઈએ 1912થી 1942 સુધી એટલે કે 30 વર્ષ સુધી સ્ત્રોબોધ માસિકનું તંત્રીપદ સંભાળ્યું હતું. 1920થી તેમની સાથે સહાયક તંત્રી તરીકે કેશવપ્રસાદ દેસાઈ પણ જોડાયા હતા. 1920થી જ આ માસિકની સાથે બાળકોના મનોરંજન માટે બાળવિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો. 1921થી સ્ત્રીબોધ પ્રગટ કરવાની જવાદારી જીવનલાલ અમરશી મહેતાએ સ્વીકારી હતી, તેમના પ્રકાશન હેઠળ તેમણે રવિશંકર રાવલ પાસેથી ચિત્રો દોરાવી બાળવિભાગમાં વાર્તા સાથે પ્રગટ કરવાના શરૂ કર્યા હતા. મહિલા તંત્રીના નેજા હેઠળ સ્ત્રીબોધ ઉચ્ચ અને મધ્યમ વર્ગની મહિલાઓને લક્ષ્યમાં રાખીને પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. પ્રથમ બે વર્ષ બાદ તેનું લવાજમ 3 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, 1914માં તેને અડધું કરવામાં આવ્યું હતું અને પ્રારંભિક વર્ષોમાં તેના વાર્ષિક ગ્રાહકોને એક પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
જ્યારે દેશમાં કુરિવારો અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સ્થપાયેલું હતું, મહિલાઓ પર અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો હતો ત્યારે સામાજિક દૂષણો દૂર કરી મહિલા ઉત્કર્ષ માટે પારસીઓએ શરૂ કરેલા માસિક સ્ત્રીબોધથી પ્રેરાઈને સ્ત્રી મિત્ર, પ્રિયંવદા, સુંદરી સુબોધ, ગુણ સુંદરી વગેરે અનેક સ્ત્રી માસિક ગુજરતી ભાષામાં શરૂ થયા હતા. આ રીતે જોવા જઈએ તો ગુજરાતી પત્રકારત્વના વિકાસની સાથે સ્ત્રી પત્રકારત્વના અને સ્ત્રીઓના વિકાસમાં સ્ત્રીબોધ માસિકનો ફાળો અનન્ય રહ્યો છે. સ્ત્રીબોધ માસિકના 1000 જેટલા અંકો ફક્ત તત્કાલીન સમાજમાં સ્ત્રી સ્થિતિના જ નહીં, ગુજરાતી પત્રકારત્વમાં સ્ત્રી સાહિત્યનો પણ જીવતાજાગતા દસ્તાવેજ સમાન છે. આશરે 95-96 વર્ષની લાંબી સફર કાપી, 1000થી પણ વધુ સળંગ અંકો પ્રકાશિત કરી ગુજરાતી પત્રકારત્વ તેમજ ભારતના સૌથી સફળ સ્ત્રી સામાયિકની સિદ્ધિ હાંસલ કરનાર સ્ત્રીબોધ 1952માં બંધ પડ્યું હતું. શું કામ? તેનું કારણ ખબર નથી.
વધારો : આજથી એક-દોઢ સદી અગાઉ આવતા મહિલા વિષયક માસિક અને આજની મંગળવારની મહિલા વિષયક પૂર્તિઓમાં જમીન અને આકાશ જેટલું અંતર છે. આજકાલ અખબારો સાથે આવતી મહિલા વિષયક પૂર્તિ કે સ્ત્રી સામયિકો ફક્ત જોવા ગમે તેવા હોય છે, વાંચવાલાયક હોતા નથી! એકવીસમી સદીમાં સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે ગુજરાતી પત્રકારત્વમાં મહિલા સશક્તિકરણ વિષયક એકાદ સામાયિક તો બહાર પડવું જ જોઈએ.