1950ની સાલમાં રશિયા અને અમેરિકા વચ્ચેના શીતયુદ્ધ વખતે મોટાભાગના ખ્રિસ્તી નેતાઓ અને ધર્મગુરૂઓને જીસસનું અસ્તિત્વ ખતરામાં જણાયું.
– પરખ ભટ્ટ
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એ સમયે ‘ધ ફેમિલી’ની દખલગીરી શરૂ થઈ, જેના સાવ વિચિત્ર કહી શકાય એવા ધાર્મિક મૂલ્યોને લીધે રહસ્ય ઘૂંટાતું ગયું. અમેરિકાના એ સિક્રેટ ફાઉન્ડેશનમાં એવું તે શું ચાલી રહ્યું છે, જેના લીધે દુનિયાના 100થી પણ વધુ રાષ્ટ્રો તેનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે?
નેશનલ બેસ્ટ-સેલિંગ રાઇટર્સ અશ્ર્વિન સાંઘી, વિનીત બાજપેઇ અને ક્રિસ્ટોફર સી. ડોયલની નવલકથાઓમાં વેટિકન સિટી, પોપ અને ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા અમુક રહસ્યમય સંગઠનો કે ઓર્ગેનાઇઝેશનના વર્ણનો વાંચીને મનના ઘોડા વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે દોડ્યા રાખે! શું ખરેખર આ પ્રકારના સિક્રેટ ગ્રુપ્સ અથવા ફાઉન્ડેશન અસ્તિત્વમાં છે, જેનું ધ્યેય ધર્મના નામે અંગત સ્વાર્થ સાધીને દુનિયામાં પોતાનું પ્રભુત્વ પૂરવાર કરવાનું છે? લોકોની ધાર્મિક લાગણી સાથે ખેલ કરનારા ઘણા ધુતારાઓથી આપણો સમાજ ખદબદે છે. પશ્ચિમી દેશોની હાલત પણ કંઈ જુદી નથી. ફર્ક માત્ર એટલો છે કે આપણે ત્યાં એકલદોકલ વ્યક્તિ પોતાનું આખું સામ્રાજ્ય બનાવે છે, અને ત્યાં ધુતારાઓની આખી ટોળકી પોતાના ફાઉન્ડેશન બનાવીને આધુનિક વિચારધારા સાથે પ્રભુત્વ સ્થાપવાની કોશિશ કરે છે.
- Advertisement -
છેલ્લા 80 વર્ષોથી અમેરિકાના હાર્દ ગણાતાં વોશિંગ્ટન ડી.સી.માં ‘ધ ફેમિલી’ની બોલબાલા છે, જેને અમુક લોકો ‘ફેલોશીપ ફાઉન્ડેશન’ કે ‘ઇન્ટરનેશનલ ક્રિશ્ચન લીડરશીપ’ના નામે પણ ઓળખે છે. 2010ની સાલ સુધી તે છૂપા વેશે પોતાના ઇરાદાઓ પાર પાડતું રહ્યું. તેમના બદઇરાદાઓનો ભોગ બનેલા લોકો તેને ‘ક્રિશ્ચન માફિયા’ તરીકે સંબોધે છે! આ વાતની શરૂઆત સાથે જ તેના પર સારા કે ખરાબનું લેબલ ચોંટાડવાને બદલે પહેલા એમના કાર્યોનો ઘટનાક્રમ અને હેતુ જાણવામાં સમજદારી છે.
આખી ઓર્ગેનાઇઝેશન પુરૂષોને સર્વશ્રેષ્ઠ સમજવાની વિચારધારા પર ચાલી રહી હતી, સ્ત્રીઓને તેઓ ફક્ત પોતાની સેવા કરાવવા માટેનું માધ્યમ જ ગણતા હતાં
અમેરિકાના પ્રેસિડન્ટ બનનારા દરેક નેતાઓ પર ફેલોશીપના ચાર હાથ રહે છે! તદુપરાંત, જે દેશ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ ઈવેન્ટનું આયોજન કરતી હોય એમના નેતાઓ અડધી રાત્રે પણ આ સંગઠનની મદદ માંગી શકે છે! બીજી બાજુ, ફેલોશીપ તરફથી આવા નેતાઓને ઉચ્ચ દરજ્જાના સંપર્ક પૂરા પાડવામાં આવે છે અને મૂડી પણ! ફેલોશીપ તરફથી કરોડો ડોલરની સહાય એમને મળતી રહે છે.
ફેલોશીપ ફાઉન્ડેશનની કરતૂતો પરથી પડદો ઉઠાવનાર અમેરિકી લેખક જેફ શાર્લોટના બે પુસ્તકો માર્કેટમાં આવ્યા છે. જેમાંના એક પુસ્તક ‘ધ ફેમિલી : ધ સિક્રેટ ફન્ડામેન્ટલિઝમ એટ ધ હાર્ટ ઑફ અમેરિકન પાવર’
‘ફેમિલી’ના મૂળિયા આખી દુનિયામાં ફેલાયેલા છે. તેઓ અલગ અલગ પ્રેસિડન્ટ્સ તેમજ વિદેશમંત્રીઓ સાથે મળીને ઇસુ ખ્રિસ્ત વિશેના પોતાના ખ્યાલો ખૂણે-ખૂણામાં ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ ફેમિલીની શરૂઆત કેવી રીતે થઈ? કોણે કરી? અને દાયકાઓ સુધી તેની હાજરી આપણી વચ્ચે હોવા છતાં તેને ઓળખી કેમ ન શકાયું? સત્તા, ધર્મ અને પ્રભુત્વની એ ત્રિવેણીસંગમની શરૂઆત 1935ની સાલમાં થઈ.
- Advertisement -
નોર્વેથી અમેરિકા આવી પહોંચેલા અબ્રાહમ વેરેડીનો હેતુ કદાચ સાફ હતો. દરેક શ્રદ્ધાળુ ઇચ્છતો જ હોય કે પોતાનો ધર્મ વિશ્ર્વમાં સર્વોપરિતા હાંસિલ કરે! અબ્રાહમ પણ એમાંનો જ એક. અબ્રાહમ વેરેડી 19 વર્ષની ઉંમરમાં અમેરિકા આવી ગયા હતાં. નોર્વેમાં તેમણે એક પ્રયોગ કર્યો હતો, જેમાં વિવિધ દેશોના ઊંચા ગજાના નેતાઓ અને ધર્મગુરૂઓને એક મંચ પર આવી એકીસાથે પ્રાર્થના કરતા, જેને નામ અપાયું : બ્રેકફાસ્ટ પ્રેયર! નોર્વેમાં તે પ્રયોગ સફળ રહ્યો. વોશિંગ્ટન આવીને તેમણે અમેરિકી રાજનીતિ પર પ્રભાવ પાડવાનું શરૂ કર્યુ. સૌને ખ્યાલ જ હશે કે અમેરિકાના બે સૌથી મોટા રાજનૈતિક પક્ષ, ડેમોક્રેટિક અને રિપબ્લિકનના નેતાઓ વચ્ચે વાતચીતના ય વ્યવહાર નથી હોતાં! જાણે 36 નો આંકડો જ જોઈ લો! પરંતુ અબ્રાહમના પ્રયાસોથી આ બંને પાર્ટીના નેતાઓ બ્રેકફાસ્ટ મીટિંગ પર આવવા લાગ્યા. અલબત્ત, એ ટેબલ પર ક્યારે ય રાજકારણ અંગે ચર્ચાઓ થતી નહીં. તેઓ દર ગુરૂવારે સવારે એકબીજા સાથે હળીમળીને વાતો કરતા, પ્રાર્થના કરતા અને બ્રેકફાસ્ટ લેતાં!
1950નું વર્ષ. રશિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં ખ્રિસ્તી ધર્મનું પતન થશે એવી ભીતિ સાથે સૌકોઈ જીવી રહ્યા હતાં. વૈચારિક સ્તરે ધાર્મિક માન્યતાઓ અને લાગણીના ખંડનની ઘટના સર્વસામાન્ય બની ગઈ હતી. ધર્મગુરૂઓ માટે એ અત્યંત ચિંતાજનક બાબત હતી. છેવટે ક્રિશ્ચન કમ્યુનિટીને મજબૂત કરવા માટે ‘નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ’નો પ્રારંભ થયો. પરંતુ આ ઈવેન્ટને સફળ બનાવવા માટે વિશ્ર્વની મહાસત્તાના સર્વોચ્ચ પદ પર બિરાજનાર વ્યક્તિની હાજરી અનિવાર્ય હતી. અબ્રાહમને લાગ્યું કે અમેરિકન પ્રેસિડન્ટના સંબોધન સિવાય નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટનું આયોજન શક્ય જ નથી. તેઓ પહોંચ્યા, તત્કાલીન પ્રમુખ આઇઝનહાવર પાસે! શરૂ શરૂમાં તો આઇઝનહાવરે કાર્યક્રમમાં આવવાની ઘસીને ના પાડી દીધી, કારણકે અમેરિકાના બંધારણમાં સ્પષ્ટપણે એ વાતનો ઉલ્લેખ છે કે ચર્ચ અને સ્ટેટ બંનેને એકબીજાથી અલગ રાખવા જરૂરી છે. એ જ આઇઝનહાવરને ત્યારબાદ કોલ્ડ-વોર સામે લડવાનો આ નુસખો અસરકારક લાગ્યો, કારણકે અહીં માણસોને નહીં પરંતુ જીસસને કામે લગાડવાના હતાં.
ફેમિલીના ફોલોઅર્સ જીસસના નામે લોકોને એકઠા કરી એમની પાસે પોતાનું કામ કઢાવવા લાગ્યા, મૂડી જમા કરવા માંડ્યા. ધીરે ધીરે ફેલોશીપ ફાઉન્ડેશનનું નેટવર્ક અતિશય મજબૂત બની ગયું. અમેરિકન સેનેટર્સ, કોંગ્રેસમેન, પ્રેસિડન્ટ, વર્લ્ડ લીડર્સ પર તેમની પકડ મજબૂત બનવા લાગી.
ફેલોશીપ ફાઉન્ડેશનની કરતૂતો પરથી પડદો ઉઠાવનાર અમેરિકી લેખક જેફ શાર્લોટના બે પુસ્તકો માર્કેટમાં આવ્યા છે. જેમાંના એક પુસ્તક ‘ધ ફેમિલી : ધ સિક્રેટ ફન્ડામેન્ટલિઝમ એટ ધ હાર્ટ ઑફ અમેરિકન પાવર’માં તેઓ જણાવે છે કે, ‘21-22 વર્ષની ઉંમરમાં જ ધર્મ પરત્વે મને આકર્ષણ થવાનું શરૂ થઈ ચૂક્યું હતું. મારી અંદર બેઠેલો લેખક પણ મને એ દિશામાં લેખન આગળ ધપાવવા માટેની પુકાર લગાવી રહ્યો હતો. એ ગાળામાં એક અપર-ક્લાસ પરિવારમાં ઉછરેલો મારો મિત્ર લ્યુક ઘરમાંથી ગાયબ થઈ ગયો. તેના લગ્ન થવાના હતાં, કરિયર બરાબર ગોઠવાઈ ગઈ હતી, જીવનમાં કોઈ પરેશાની નહોતી, આમ છતાં તે ગાયબ કેવી રીતે થઈ ગયો એ મિસ્ટ્રી મને મૂંઝવતી હતી. થોડા સમય પછી ખબર પડી કે એ કોઈ ગ્રુપ સાથે જોડાઈ ગયો છે. હું તેને મળ્યો ત્યારે એ સાવ બદલાઈ ગયો હતો. તેણે કહ્યું કે અમે ક્રિશ્ચન નથી. બસ, જીસસ માત્રમાં વિશ્ર્વાસ ધરાવીએ છીએ! ઉપરવાળાએ જે નેતાઓને પોતાની સેવા માટે પસંદ કર્યા છે, અમે એ નેતાઓની સેવામાં અમારું જીવન સમર્પિત કરી ચૂક્યા છીએ. લ્યુકના આગ્રહ અને સ્વની જીજ્ઞાસાને પોષવા હું 2002ની સાલમાં એક મહિના માટે ફેલોશીપ ફાઉન્ડેશનના લોકો સાથે રહ્યો.’
જાણવા જેવી વાત એ છે સાહેબ કે, વોશિંગ્ટનની કેપિટલ હિલ પરના એ ઘર ‘આઇવન-વોલ્ડ’માં ટૂંકો વસવાટ કરીને ફેલોશીપને બહુ જ નજીકથી નિહાળી આવેલા જેફ શાર્લેટે પોતાના પુસ્તકમાં જે ખુલાસાઓ કર્યા છે, એ ચોંકાવનારા છે. આઇવનવોલ્ડમાં રહેવાની રીત તદ્દન જુદી છે. અપશબ્દો, દારૂ કે સેક્સનું તો ત્યાં નામ પણ ન લઈ શકાય. વળી, અખબાર, ટીવી અને ફિલ્મો પર પણ પ્રતિબંધ! ટોઇલેટની સફાઈ, બાસ્કેટબોલની રમત અને બાઇબલનું વાંચન કરવામાં જ આખો દિવસ પસાર થવો જોઈએ. એ ઘરમાં રહેતા નવયુવાનો પોતાને ‘બ્રધર્સ’ કહેતાં. જીસસ બાબતે એમનો અભિગમ સાવ અલગ છે. તેઓ માને છે કે ઇસુ ખ્રિસ્ત ક્યારે ય નબળા-નમાલા-પીડિત-શોષિત-ગરીબ લોકો માટે જન્મ્યા જ નહોતાં. તેઓ તો શક્તિશાળી લોકોને સત્તા પર જોવા માંગતા હતાં! આજે અગર જીસસ હોત તો તેઓ વિશ્ર્વના સૌથી શક્તિશાળી ઇન્સાન હોત! 1969માં અબ્રાહમના મૃત્યુ પછી ડગ કો (ઉજ્ઞીલ ઈજ્ઞય) ફેલોશીપના કર્તાહર્તા પદ પર બિરાજી ચૂક્યા હતાં. બ્રધર્સ સાથેની એમની વાતચીતમાં તેઓ ઇસુ ખ્રિસ્તને હિટલર, સ્ટેલિન અને માઓ-ત્સે-તુંગ જેવા લોકો સાથે સરખાવતાં. જેફને સતત એવું લાગતું જાણે જીસસના નામનો દુરૂપયોગ થઈ રહ્યો છે. વાસ્તવમાં ઇસુ આવા કેવી રીતે હોઈ શકે? આખી ઓર્ગેનાઇઝેશન પુરૂષોને સર્વશ્રેષ્ઠ સમજવાની વિચારધારા પર ચાલી રહી હતી. સ્ત્રીઓને તેઓ ફક્ત પોતાની સેવા કરાવવા માટેનું માધ્યમ જ ગણતા હતાં. ફેલોશીપના છોકરાઓને પોલિટિશિયન બનવા માટેની ટ્રેનિંગ અપાતી, જ્યારે છોકરીઓને તેમની સાથે મિત્રતા કરવા અને સંબંધ બાંધવા માટેનો દુરાગ્રહ કરવામાં આવતો. જોકે, જીસસને સમર્પિત થઈ ચૂકેલી અમુક અબૂધ છોકરીઓ રાજીખુશીથી આમ કરવા તૈયાર થઈ જતી! જેફ પોતાના પુસ્તકમાં લખે છે કે, સ્ત્રી અને પુરૂષને આ પ્રકારે વિભાજીત કરનારી દુનિયા મેં પહેલા ક્યારે ય જોઈ નહોતી.
આટલું જ નહીં, નેતાઓ ઉપરાંત ફેલોશીપના તાંતણા દુનિયાભરના ખૂંખાર માફિયા, ચોર, આતંકવાદી સુધી ફેલાયેલા હતાં. વાસ્તવમાં ફેલોશીપ ફાઉન્ડેશન એ કોઈ ક્રિશ્ચન રીલિજિયસ મુવમેન્ટ નહીં, પરંતુ એન્ટી-ડેમોક્રેટિક ચળવળ હતી, જે વીસમી સદીના ઉત્તરાર્ધમાં સમગ્ર દુનિયામાં છવાઈ ચૂકી હતી. જગતના સૌથી પાવરફુલ લોકોનું એ એવું મજબૂત નેટવર્ક હતું, જેમના હાથોમાં અસીમ સત્તા સોંપી દેવામાં આવી હતી. ફેલોશીપના લીડર ડગ કોએ આઇઝનહાવરથી શરૂ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના પ્રત્યેક અમેરિકન પ્રેસિડન્ટને પોતાના ‘નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ’માં સામેલ કર્યા હતાં, જે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવે છે. અબ્રાહમનું માનવું હતું કે, ખિસ્તીઓને નેતા બનાવો અને એ જ નેતા બાદમાં પોતાના દેશવાસીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે મજબૂર કરી શકશે. ડગ કો એમની આ વિચારસરણીને આગળ લઈ ગયા. ફેલોશીપ ફાઉન્ડેશનને 70 વર્ષો સુધી દુનિયાની નજરથી બચાવી રાખવા માટે તેમણે લખલૂટ પ્રયત્નો કર્યા. અમેરિકાના કોઈ પણ પત્રકારે ડગ કોનું નામ સુદ્ધાં નહોતું સાંભળ્યું! તેઓ માનતા કે તમારી સંસ્થા જેટલી વધારે અદ્રશ્ય રહેશે એટલું જ અસરકારક કામ આ ક્ષેત્રે થઈ શકશે. લોકોની નજરમાંથી ઓઝલ રહેતા હોવા છતાં અમેરિકી રાજકારણમાં તેમના એક વિધાન પર સત્તા પલ્ટો થઈ શકે એટલો પાવર એમણે મેળવી લીધો હતો.
અમેરિકાના પ્રેસિડન્ટ બનનારા દરેક નેતાઓ પર ફેલોશીપના ચાર હાથ રહે છે! તદુપરાંત, જે દેશ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ ઈવેન્ટનું આયોજન કરતી હોય એમના નેતાઓ અડધી રાત્રે પણ આ સંગઠનની મદદ માંગી શકે છે! બીજી બાજુ, ફેલોશીપ તરફથી આવા નેતાઓને ઉચ્ચ દરજ્જાના સંપર્ક પૂરા પાડવામાં આવે છે અને મૂડી પણ! ફેલોશીપ તરફથી કરોડો ડોલરની સહાય એમને મળતી રહે છે. આ તમામ હકીકતો પરથી વિધિવત પડદો ઉઠ્યાને ઝાઝો સમય નથી થયો. છતાં આ બાબતે હજુ ઘણા મતમતાંતર પ્રવર્તે છે. જેફ શાર્લોટના પુસ્તકો પ્રકાશિત ન થાય એ માટેના પણ પુષ્કળ પ્રયત્નો ફેલોશીપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યા હતાં, પરંતુ સત્ય ઉજાગર થયા વિના રહેતું નથી.
ડગ કો 2017ની સાલમાં અવસાન પામ્યા. ફેલોશીપ ફાઉન્ડેશનનું આગામી ધ્યેય વિશ્ર્વના નવયુવાનોને પોતાના શિકંજામાં લેવાનું છે. બહુ જ ધ્યાનથી બાઇબલ વાંચીએ તો સમજાય કે, ઇસુ ખ્રિસ્તને ખરેખર તકલીફ આવા જ ધર્મગુરૂઓ તરફથી મળી હતી. 21મી સદીમાં ફરી એ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 100 થી વધારે દેશો ફેલોશીપના શિકાર બન્યા છે, અને આ ગણતરી હજુ અટકવાનું નામ નથી લઈ રહી.