JCB દ્વારા બેફામ ખોદકામ
વિડીયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સ સહિતના સજ્જડ પુરાવા છતાં કોઈ જ પગલાં નહીં…
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં ફરી એકવખત જાહેર જગ્યામાં ખાણ-ખનીજ ચોરીએ માથું ઊંચક્યું છે. ખાણ-ખનીજ અધિકારી જગદીશસિંહ વાઢેરની બદલી રાજકોટ જિલ્લામાંથી થયા બાદ રાજકોટ શહેર આસપાસ હાઈવે પરની જાહેર જગ્યામાં બેફામ માટી ચોરી થઈ રહી છે.
હાલમાં જ રાજકોટ પાસે આવેલા અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર જમીનમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે ખોદકામ કરાતું હોવાનું બહાર આવ્યું છે. અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્થાનિક આગેવાન અને ગામવાસીઓના સહકારથી જાહેર જગ્યામાં જીસીબી અને અન્ય મશીનો મારફત ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવી રહી છે.
અમરગઢ – ભિચરી ગામે નવી ટી.પી. સ્કીમ કરવા અને રૂડાના ડી.પી. રસ્તાઓ ખોલવાના નામે કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે ખોદકામ કરીને માટી ચોરી કરવામાં આવી રહી છે. આ બાબતના વિડીયો અને ફોટોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ કરી માટી ચોરીનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
અમરગઢ-ભિચરી ગામે ચાલી રહેલા ગેરકાયદે ખોદકામ મામલે ખાણ-ખનીજ વિભાગના આંખ આડા કાન
રાજકોટ જિલ્લામાં ખાણ-ખનીજ અધિકારી જગદિશસિંહ વાઢેર હતા ત્યાં સુધી જાહેર જગ્યામાં મંજૂરી વિના કોઈપણ પ્રકારના ખોદકામ પર કડક રોક હતી. પરંતુ જગદિશસિંહ વાઢેરની અહીંથી બદલી થયા બાદ ખનીજ ચોરો બેફામ બન્યા છે. રાજકોટ જીલ્લાના અમરગઢ – ભિચરી ગ્રામ પંચાયત વિસ્તારમાં રાજકોટ શહેરને જોડતા મહિકા અને ભિચરી ગામે નવી ટીપી સ્કીમ કરવા અને રૂડાના ડીપી રસ્તાઓ ખોલવાના નામ પર કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે ખોદકામ કરી ખાણખનીજની ચોરી કરવામાં આવ્યા હોવાનું માલૂમ પડી રહ્યું છે. અલબત્ત સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ પણ આંખ આડા કાન કરી રહ્યું છે.



