કૉંગ્રેસના મહેશ રાજપુતની કમિશનરને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ફોર ડેવલોપમેન્ટ (સીડીસી) મારફત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 13, 14 અને 17માં ટીપ્પર વાહનોમાં ડ્રાઈવર તથા હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ જે ડ્રાઈવરનો પગાર રૂા. 10,000 હોય છે તેમાંથી તેઓને માત્ર રૂા. 7000 ચૂકવવામાં આવે છે તેમજ હેલ્પરનો પગાર રૂા. 9500 પગાર હોય છે તેમાંથી માત્ર રૂા. 6500 ચૂકવવામાં આવે છે. તેઓની નોકરી સવારના 6-00 વાગ્યાથી બપોરના 2-00 વાગ્યા સુધી તથા બપોરે 3-00થી 6-00 વાગ્યા સુધી હોય છે. તેઓ તનતોડ મહેનત કરી રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં ટીપ્પર વાન દ્વારા કચરો ઉપાડે છે અને રાજકોટને સ્વચ્છ રાખે છે. તેમને કોઈ પણ જાતની રજા પણ મળતી હોતી નથી છતાં પણ છેલ્લા ઘણાં મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતાં આજરોજ કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા મ્યુ. કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
- Advertisement -
વધુમાં હાલમાં છેલ્લા 6થી 7 માસ દરમિયાન તેઓને પગાર ચૂકાવવામાં આવ્યો નથી તે લોકો આ નોકરી કરી પોતાનું ઘર ચલાવે છે. તેઓ નાના માણસ, ગરીબ માણસો છે. તેઓને પગાર તેમના ખાતામાં ચૂકવવામાં આવતો હોય છે. છેલ્લા 6-7 મહિનાથી નોકરી કરતાં હોય તેનું રજીસ્ટ્રેશન પણ થયું છે. આજદિન સુધી તેમને પગાર મળ્યો નથી. તો આ લોકો પોતાનું ઘર કેમ ચલાવવું તે એક પ્રશ્ર્ન છે. તાત્કાલિક ધોરણે તેમનો પગાર આપી તેમને ફરજ પર ચાલુ રાખવા માંગ કરાઈ છે. આ બાબતની રજૂઆત તે લોકો દ્વારા કરવામાં આવે છે ત્યારે તેઓને છુટા કરી દેવામાં આવે છે તો આ લોકોનો પગાર ચૂકવી તેઓની નોકરી ચાલુ રાખવા રાજકોટ શહેર કોંગ્રેસના નરેશ સાગઠીયા, મહેશ રાજપૂત, જગદીશ સાગઠીયા દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરાઈ છે.