સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં અમલાની મુવાડી નામનું એક નાનું ગામ છે. આ ગામની પ્રાથમિક શાળામાં કુતુબુદિન તિર્મીજી નામના એક શિક્ષક ફરજ બજાવતા હતા. હિન્દુ વસતી વાળા ગામમાં મુસ્લિમ શિક્ષક નિષ્ઠાપૂર્વક એમની સેવાઓ આપી રહ્યા હતા. કુતુબુદિનને એના કોઈ પારિવારિક અંગત પ્રશ્નને લઇને હેરાન કરવાના ઇરાદાથી એના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
આ સંદર્ભમાં જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એમને સસ્પેન્ડ કરીને બીજી જગ્યાએ એમની બદલી કરી. કુતુબુદિન સાહેબની બદલી થતા આખુ ગામ દુ:ખી થઈ ગયું કારણ કે આ શિક્ષક માત્ર શાળા સમય દરમ્યાન નોકરી કરનાર નહીં, ખરા અર્થમાં કર્મયોગી શિક્ષક હતા. ગામના વિદ્યાર્થીઓને શાળા ઉપરાંતના સમયે પણ શિક્ષણ આપવા કે મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. એક માતાની જેમ આ શિક્ષકે બાળકોને પ્રેમ આપ્યો હોવાથી દરેકના હૈયામાં એમનું અદકેરુ સ્થાન હતું. સાહેબની બીજા ગામમાં બદલી થતા ગામે એક સારા શિક્ષક ગુમાવ્યાની બધાને અનુભૂતિ થઈ. ગામના તમામ હિંદુઓ ભેગા થયા અને એક મુસ્લિમ શિક્ષકને ફરીથી એમના ગામમાં પરત લાવવા માટે આંદોલન શરૂ કર્યું.
- Advertisement -
વહીવટીતંત્રએ પણ તપાસ કરી અને શિક્ષકની કર્મનિષ્ઠાની ખબર પડતા ફરીથી શિક્ષકને તે જ ગામમાં બદલી કરીને મૂકવામાં આવ્યા. પોતાના પ્રિય શિક્ષક જ્યારે ગામમાં હાજર થવા માટે આવ્યા ત્યારે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, ગામના બધા લોકો એમનું સ્વાગત કરવા માટે ગામના પાદરમાં ગયા. ઢોલ-નગરા વગાડીને વાજતે ગાજતે સાહેબનું સામૈયું કર્યું. શણગારેલા ટ્રેકટરમાં બેસાડીને નાચતા-કૂદતા સાહેબને શાળાએ લાવ્યા.
સાહેબની ગેરહાજરીથી ઝાંખી પડી ગયેલી શાળા જાણે જે ફરીથી ઝગમગી ઊઠી હોય એવું બધાને લાગ્યું.
કોઈ શિક્ષક માટે ગામ લોકો આંદોલન ચલાવે, હિંદુઓ સાથે મળીને કોઈ મુસ્લિમ શિક્ષકને ગામમાં લાવે આ કોઈ નાનીસુની ઘટના નથી. ગામના લોકોએ માત્ર શિક્ષકનું ફુલેકુ કાઢયું એટલું જ નહીં આખા ગામને જમાડયું પણ ખરું. કુતુબુદિને શિક્ષક તરીકે કેવી ઉત્તમ કક્ષાની કામગીરી કરી હશે કે જેથી વિદ્યાર્થીઓની સાથે ગામ લોકોએ એને આવો અદ્ભુત પ્રેમ આપ્યો. કુતુબુદિનનું સામૈયું એ રાષ્ટ્રપતિ એવોર્ડ જેટલું જ મૂલ્યવાન છે.
આજે પણ રાજ્યની અસંખ્ય સરકારી શાળાઓમાં કેટલાય શિક્ષકો સાચા અર્થમાં કેળવણીનું કામ કરી રહ્યા છે. આપણી આંખો માત્ર કામચોરને જ જોવા ટેવાયેલી હોવાથી આવા કર્મયોગીઓ પર આપણું ધ્યાન જતું નથી.


