કચરા ઉપડાતી ‘કચરા’ વાનનો કોઇ ભાગ એવો નથી જયાં ‘કચરો’ ભરાયેલો નહીં હોય ! શહેરમાં કેટલીએય કચરા જેવી થઇ ગયેલી વાનને છોડવાનો મોહ હજૂ કોન્ટ્રાકટર કે મનપાથી છૂટતો નથી!
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ટીપરવાન જે અવાર-નવાર ચર્ચામાં રહેતી હોઈ છે ત્યારે ફરી એક વખત આવી જ એક કફોડી હાલત ટીપરવાન જોવા મળી છે. કચરો લેવા નીકળતી ટીપરવાન કચરા જેવી દેખાઈ રહી છે. ટીપરવાનનો દરવાજો પણ દોરીના સહારે છે, ત્યારે જો એક રોદો આવે અને દોરી તૂટતાં જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? જોવાની વાતતો એ છે કે ટીપરવાનના બન્ને બાજુના દરવાજાઓ દોરીના સહારે છે. ટીપરવાનમાં દરવાજા તો દોરીના સહારે છે પણ ટીપરવાનમાં હેડ લાઈટ કે બ્રેક લાઈટ પણ નથી. ટીપરવાનમાં કચરો છે તે કોથળા મોઢે બહારની બાજુએ લટકી રહ્યો છે તો પણ ડ્રાઇવર ટીપરવાન બેફામ ચલાવતા હોય છે તે પણ એની ‘મોજ’માં. ત્યારે બહારની બાજુએ લટકી રહેલા કચરાના કોથળાની જો કોઈ રાહદારીને ઠોકર લાગશે તો જવાબદાર કોણ ? ટીપરવાનના દરવાજા અને લાઈટની હાલત તો કફોડી બની છે પણ નંબર પ્લેટ પણ ફક્ત અડધી દેખાઈ રહી છે અને નંબર શું છે એ પણ જણાતો નથી. ઘણી ટીપરવાનમાં તો ડ્રાઇવરે પોતાનું ઘર જ વસાવી લીધું હોય છે. નાના બાળકોના ઘોડીયાથી માડીને રાઘણગેસના બાટલા, ચુલા પણ દેખાતા હોય છે. જો આવી કચરા વાન શહેરમાં બેફામ ફરે છે ત્યારે કોઇ દૂર્ઘટના થશે તો જવાબદાર કોને ગણવા ? મહાપાલિકા, કોન્ટ્રાકટર કે સરકાર ? હવે પ્રશ્ર્ન એ છે કે, લોકોને દેખાતી કચરા વાન મહાપાલિકાના સત્તાધિશોને કયારે દેખાશે ? અને કયારે પ્રજાને કયારે આવી ચાલતા ફરતા કચરાઘરમાંથી મુક્તિ મળશે તે તો ભગવાન જ જાણે.