દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો, ભાવિકોની ભારે ભીડ
પૂનમના આગળના દિવસે બે લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શને ઉમટ્યા, 44 આડબંધમાં વ્યવસ્થિત દર્શન
- Advertisement -
દ્વારકામાં કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવા ભાવિકોનો ઉત્સાહ ચરમસીમાએ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ’જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.
વહીવટી તંત્ર અને પોલીસે ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. 44 આડબંધ બનાવીને વારાફરતી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
13 માર્ચ ગુરુવારે ફાગણ સુદ ચૌદસના રોજ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 5 વાગે મંગળા આરતી, સવારે 8 વાગે શણગાર આરતી, બપોરે 2 વાગે રાજભોગ આરતી, સાંજે 6 વાગે ઉત્થાપન આરતી અને રાત્રે 8:15 વાગે શયનભોગ આરતી થશે. ત્યારબાદ નિત્યક્રમ અનુસાર સેવા અને સખડીભોગ બાદ ઠાકોરજી પોઢી જશે.
યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી, સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવામાં આવી રહયો છે. જયારે ફુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે.
દ્વારકાધીશ જગત મંદિરમાં સામાન્યરીતે ફાગણવદ એકમના ફૂલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર પૂર્ણિમાના દિવસે હોય, તા. 14ના જગતમંદિરમાં ધાર્મિક પરંપરા મુજબ ભાવિકો સંગ દોલત્સવની ઉજવણી કરવામાં આવશે. પૂજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર 14મી માર્ચના રોજ બપોરે 1:15 કલાકે ઠાકોરજીને ભીતરમાં (બંધ પડદે) ધાણી, દાળિયા, ખજૂર, સૂકો મેવો, પતાસા વગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નિજ મંદિર સભાગૃહમાં બાલ સ્વરૂપને ઝુલામાં સ્થાપન કરાવી દોલત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝુલામાં બિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ, ઢોલ નગારાની ગગન ભેગી નાદ સાથે ઠાકોરજીની મહા આરતીનો પ્રારંભ થશે. આરતી પ્રારંભે કેસુડા કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજી સંગ ધુળેટી રમાશે.
દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલ અબીલ ગુલાલની છોડો ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે ઉડાડવામાં આવશે.