મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10.30 કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે થશે ચર્ચા
ગાંધીનગર ન્યૂઝઃ આજે ગાંધીનગરમાં સવારે 10.30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે, પરંતુ ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું.
- Advertisement -
ભારત-પાકિસ્તાન મેચને લઈને કરાશે સમીક્ષા
આજે સીએમની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટની બેઠકમાં 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની મેચની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જેથી સ્ટેડિયમમાં અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસને પેટ્રોલિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી મામલે કરાશે ચર્ચા
આ ઉપરાંત આજની બેઠકમાં 15મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રીના પર્વને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા જ અનેક વિસ્તારોમાંથી ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આજની કેબિનેટની બેઠકમાં 108ની ટીમોને ક્યાં ડિપ્લોય કરવી તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે.
અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં થશે સમીક્ષા
આજની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તો અતિવૃષ્ટિ સહાય સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે.