ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના મહેશનગર વિસ્તારના નિવાસીઓ હાલ રોડ રસ્તાને લઈને તંત્રના બેદરકાર વલણથી ત્રાસી ગયા છે. ઝાંઝરડા રોડ પર આવેલ આ વિસ્તારમાં સ્થાનિકોએ પોતાની જ ખિસ્સામાંથી ખર્ચ કરીને રસ્તો બનાવ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર, ટોરેન્ટો ગેસ લાઈન અને પાણીની લાઈન માટે રસ્તો તોડી નાંખવામાં આવ્યો અને ત્યારથી આજદિન સુધી આ માર્ગનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું નથી.
વરસાદી મોસમ નજીક છે ત્યારે આવી પરિસ્થિતિ હોય અને ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે રસ્ત ગારા-કીચડ થવાને લઈને સ્થાનિક લોકો અને ખાસ કરીને વયવૃદ્ધ વડીલો અને નાના બાળકોને આવા-જાવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે અને અકસ્માતની શક્યતા પણ વધી શકે છે. સામાન્ય રીતે જો કોઈ અજાણતા ઘટના બને તો અકસ્માત કહી શકાય પરંતુ જાણી જોઈને માનવજીવનની નુકશાન પહોંચે અથવા મૃત્યુ કોઈનું થાય તો તંત્રના જવાબદાર અધિકારીની બેદરકારી માનવી અથવા તો માનવજીવનને નુકશાન માટેનું કાવતરું..?
સ્થાનિકોએ તંત્ર અને મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. બીજી તરફ ચૂંટાયેલા નગરસેવક ઉડાઉ જવાબ આપ્યો છે. આ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલ નગરસેવિકા ભાવનાબેન વ્યાસે ’ચોમાસા પછી જ રસ્તો બનશે’ એવો જવાબ આપ્યો, જેના કારણે સ્થાનિકો પણ ખૂબ જ નારાજ થયા છે. અને શિસ્તબદ્ધ પાર્ટીના શિસ્તભંગ કરતા આવા નગરસેવકોને સજાગ બનાવવા અને શિસ્ત ક્યારે શીખવવામાં આવશે? જોકે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી ના થાયતો આ વિસ્તારના લોકો મજબૂર બનશે અને આગામી દિવસોમાં મિલકતવેરા જેવા મહાનગરપાલિકાના ટેક્સનો બહિષ્કાર કરવાની ફરજ તંત્ર દ્વારા જ પાડવામાં આવે તો નવાઈ નહીં.