ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે સરસ્વતી કોલેજના કેમ્પસમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઓક્સીજનરથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે સૌ પ્રથમ તમામ મહાનુભાવોનું તુલસીના રોપાથી ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું.જ્યારે પોતાના ઉદ્બોધનમાં દંડકશ્રીએ જણાવ્યું હતું કે, મનુષ્યને જન્મથી લઈ મૃત્યુ સુધી વૃક્ષની જરૂર પડતી હોય છે.
કોરોનાકાળમાં વૃક્ષ દ્વારા તમામને ઓક્સિજનની મહત્તા સમજાઈ છે. વન મહોત્સવ દ્વારા વૃક્ષ વાવેતર તેમજ વૃક્ષનું જતન સમજવું ખૂબ જરૂરી છે. સામાજીક, આર્થિક અને પર્યાવરણ એમ તમામ પાસાઓમાં બેલેન્સ રાખવું જરૂરી છે. કુદરત અને એના તત્વોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષો ઔષધિની પણ ગરજ સારે જે જેનું ઉત્તમ ઉદાહરણ ઘરઆંગણે રહેલી તુલસી છે. રાજ્યમાં 85 સ્થળોએ ’મિયાવાકી વન પદ્ધતિ’થી વૃક્ષ ઉછેરવામાં આવશે. જેથી માત્ર ઉજવણી પૂરતો નહી પરંતુ સક્રિય રીતે ભાગ લઈ ભાગીદારી નોંધાવવા પણ આહ્વાન કર્યુ હતું.