સભાસદોને 15% ડીવીડન્ડની જાહેરાત, નવી યોજનાઓનો આરંભ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે વીરપુર જૂથ સેવા ખેડૂત સહકારી મંડળીની 70મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું અધ્યક્ષસ્થાન રાજકોટ દુધ સંઘના ચેરમેન તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર ગોરધનભાઈ ધામેલીયાએ સંભાળ્યું હતું. તેઓ છેલ્લા 31 વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
- Advertisement -
સભા દરમિયાન વાર્ષિક હિસાબ રજૂ કરતાં પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે મંડળી એ કરકસરયુક્ત વહીવટ કરીને ચાલુ વર્ષે રૂ. 44 લાખનો નફો નોંધાવ્યો છે. સાથે જ સભાસદોને 15% ડીવીડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભાસદોની આર્થિક સુરક્ષા માટે અકસ્માત વીમા પોલીસી રૂ. 10 લાખમાંથી વધારીને રૂ. 12 લાખ કરવામાં આવી છે. તેમજ અવસાન પામેલા સભાસદોના વારસદારોને અંતિમવિધિ માટે રૂ. 10,000 અને ગંભીર બીમારી માટે રૂ. 10,000 સહાયની નવી યોજનાઓ જાહેર કરાઈ હતી.
સભામાં ઉપપ્રમુખ જનકભાઈ ડોબરીયાએ બહોળી સંખ્યામાં હાજર રહેલા વીરપુર, કાગવડ અને થોરાળાના ખેડૂત સભાસદોને આવકાર્યો હતો. આ તકે જેતપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન જમનભાઈ ભુવા, તાલુકા સંઘ પ્રમુખ પ્રવીણભાઈ ગજેરા, ઈંઋઋઈઘના સ્ટેટ માર્કેટીંગ મેનેજર ગજેરા સાહેબ, સહકારી પ્રેસના ચેરમેન રવજીભાઈ હીરપરા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભા સફળ બનાવવા માટે સંચાલક મંડળના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.



