ઇઝરાયલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઇઝરાયલે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી લીધા છે. તેમજ આ કામગીરીનો મુખ્ય ધ્યેય ઈરાનથી જે પરમાણુ ખતરો દૂર કરવાનો હતો, જેમાં સફળતા મળી છે.’ તેમણે આ સફળતા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આભાર માન્યો છે. આ સાથે જ ઇઝરાયલે સીઝફાયર પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. આ સાથે ઈરાનને ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, ‘જો તે આ સીઝફાયરનું ઉલ્લંઘન કરશે તો ઇઝરાયલ તેનો કડક જવાબ આપશે.’
- Advertisement -
ઓપરેશન ‘રાઇઝિંગ લાયન’ના તમામ લક્ષ્યો પ્રાપ્ત થયા: ઇઝરાયલ
નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે, ‘આ સમગ્ર લશ્કરી કાર્યવાહીનો હેતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનો અને ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો હતો. હવે દેશને ઇરાનથી તાત્કાલિક કોઈ પરમાણુ ખતરોનો સામનો કરવો નહિ પડે.’
તેહરાનમાં મોટા પાયે હુમલા
- Advertisement -
ઈરાન સામે કાર્યવાહીના ભાગરૂપે ઇઝરાયલી સંરક્ષણ દળોએ તેહરાનના હવાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. તેમજ ઈરાની લશ્કરી નેતૃત્વ અને સરકારી ઠેકાણાઓને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લી 24 કલાકમાં મધ્ય તેહરાનમાં અનેક સરકારી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાની અર્ધલશ્કરી સંગઠન ‘બાસીજ’ના સેંકડો સભ્યો માર્યા ગયા હતા અને એક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક પણ માર્યા ગયા હતા.’
ઇઝરાયલે આ કામગીરીમાં સહયોગ બદલ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે સંપૂર્ણ સંકલન પછી જ આ સીઝફાયરનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ જો કોઈપણ પક્ષ દ્વારા સીઝફાયરનો ભંગ કરવામાં આવશે તો ઇઝરાયલ નિર્ણાયક રીતે જવાબ આપશે.’ ઉપરાંત, નાગરિકોને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલી તમામ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.