વ્હાલી જિંદગી…
આજે આખી દુનિયા મારી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે. ખુલ્લું આકાશ મને ઊડવા માટે ઈજન આપી રહ્યું છે મારા આ આખા આકાશમાં તારી અને તારા નામની સુગંધ વ્યાપેલી છે. હું વગર પાંખે ઊડી રહ્યો છું અને બંધ આંખે તારી સુગંધને માણી રહ્યો છું. એક જીવન માણસને કયા મુકામ પર પહોંચાડી શકે એનો આનંદ માણતા માણતા તારામાં ખોવાઈ જાઉં છું. તું ના હોત તો મારું અસ્તિત્વમૂળથી ઊખડી કોઈ અંધારી-અવાવરું વાવમાં પડી રહ્યું હોત. આજે હું જ્યાં પણ નજર કરું છું ત્યાં ત્યાં બધી જ બાજુએ મારા હોવાપણાનું ભાન નજરે પડે છે. જાણે મારો અંતરાત્મા મને કહી રહ્યો છે- “આ જ તારું મૂળ છે, કૂળ છે. તું એને ભરપૂર માણ.”
- Advertisement -
તારી મારા અસ્તિત્વમાં રહેલી હાજરી જ મારી જીવંતતાનો એકમાત્ર પુરાવો છે. હું સતત એવું જ ઈચ્છતો રહીશ કે તું ક્યારેય, કોઈ જ ક્ષણે મારામાં ગેરહાજર ના રહે. તને તો ખબર જ છે ને! સવારે સૂર્ય ઊગે એટલે અજવાળું ફેલાય. જે આંધળો હોય એ અજવાળાને પામી ના શકે અને કોઈ ગાફેલ કે છટકેલ માણસ અજવાળાને ના જોયાનો ડોળ કરે તો એમાં સૂર્યની કોઈ ખામી નથી જ નથી. બિલકુલ આવી જ રીતે તું મારો પોતાનો સ્વતંત્ર સૂર્ય બનીને મારી અંદર પધારી છે, પ્રગટી છે. તારા વ્યક્તિત્વના દરેક કિરણો મારા પૂર્ણ અંધારાને દૂર કરી મને અજવાળાનો સ્વામી બનાવે છે. તારા આ પ્રેમકિરણો જ મારો નાભિશ્ર્વાસ છે. ક્યારેય દિવસ આથમે જ નહીં એમ ઈચ્છનાર
હું સતત પ્રાર્થના કરું છું કે આવતીકાલે સવારે તારા એ જ કિરણોમાં અનેકગણું પ્રેમતેજ અવતરી મને અને મારા અસ્તિત્વને ટકાવી રાખે.
તને ભરપૂર ચાહતો…જીવ…
(પંક્તિ:- નિમેષ પરમાર)