ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભહેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામે કારડિયા રાજપૂત સમાજની વાડીમાં તાલુકા કક્ષાના મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મિલેટ્સ મહોત્સવમાં ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાકોમાં નેનો યુરિયાના ઉપયોગ વિષે તેમજ દૈનિક ખોરાકમાં મિલેટ્સના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કૃષિ પ્રદર્શની યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ બિયારણથી લઈ છોડ ઉછેર અને બાગાયત પાકો, પ્રાકૃતિક ખેતી વિશે વિવિધ સ્ટોલ પરથી ઉપયોગી ખેતીલક્ષી માહિતી મેળવી હતી.મિલેટ્સમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ જેવી કે, બાજરીના ઢોકળા, જુવારના ખમણ, બાજરીના લાડુ, જુવારના વડા, બાજરીના પુડલા, કાંગની ખિચડી, બાજરીના ગોટા વગેરેનું પ્રદર્શન યોજાયું હતું અને મિલેટ્સની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનારને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતાં.