22 હજારથી વધુ લોકો થશે સીધો લાભ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રીના માર્ગદર્શન અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમા આંતરમાળખાકીય સુવિધાઓનુ માળખું અત્યંત સુદ્રઢ બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક વગેરે જેવી સુવિધાઓ દેશના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય પ્રણાલી વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી જનતા જનાર્દનને વધુ સુવિધાસભર માળખું અર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રકલ્પો પૈકીના એક એવા રાજકોટ જિલ્લાના સુપેડી-જામદાદર રોડ અને ભાવનગર જિલ્લાના તળાજાના મણારથી તરસરા રોડના લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના સુપેડીથી જામદાદર વચ્ચે નિર્માણ થયેલ સુપેડી – ચિત્રાવડ – માત્રાવડ અને જામદાદર રોડ અંદાજે રૂ. 41.66 કરોડના ખર્ચે 7 મીટરની ડબલ લેન, ન્યુ સી.ડી. વર્ક અને સાઈડ સોલ્ડર્સ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
આ માર્ગ ખુલ્લો મુકાતા 22 હજાર 34 લોકોને સીધો લાભ થશે.આસપાસના ગામો કે જેઓ સંપૂર્ણ ખેતીવાડી સાથે સંકળાયેલ છે, તેઓને નજીકના માર્કેટિંગ યાર્ડ જેવા કે ધોરાજી, કાલાવડ,જામકંડોરણા માર્કેટિંગ યાર્ડ વગેરે ખાતે આવાગમન કરવામાં ખૂબ સરળતા રહેશે અને કૃષિ પેદાશોનું વહન ઝડપી અને સમયસર થઈ શકશે. તો આસપાસના ગ્રામ વિસ્તારોના નાગરિકોને તબીબી સારવાર સમયસર મળી શકશે અને અન્ય કામગીરી માટે નજીકના તાલુકા મથકે જવા માટે પણ આ માર્ગથી સરળતા રહેશે લોકોના સમય અને ઇંધણનો બચાવ થશે. જયારે તળાજા-ભાવનગર ખાતેના મણારથી ભારપરા અને ભારપરાથી પાદરી અને પાદરીથી તરસરા એમ કુલ ત્રણ તબક્કામાં બનાવવામાં આવેલો મણાર-તરસરા રોડ અંદાજે રૂ. 27.03 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. 5.50 મીટર પહોળાઈ સાથે 33 પાઈપ ડ્રેઈન, 7 સ્લેબ ડ્રેઈન, સી. સી રોડ અને રોડ ફર્નિસિંગ સાથે તૈયાર કરવામાં આવેલ આ માર્ગ ગ્રામીણ વિસ્તારોને શહેરી વિસ્તારો સાથે જોડવા માટે ખૂબ ઉપયોગી બનશે.
PM મોદીના કાર્યક્રમ માટે રૂ. 1 કરોડનું બજેટ ફાળવાયું, જનમેદની માટે 1400 એસટી બસની વ્યવસ્થા કરાઈ
રાજકોટ શહેરની ભાગોળે પરાપીપળીયા નજીક 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આધુનિક એઈમ્સ હોસ્પિટલનું આગામી 25 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના એક દિવસના કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર દ્વારા 1 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એઈમ્સની કામગીરીની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે સાંજે કેન્દ્રીય આરોગ્ય સચિવ અર્પૂવા ચંદ્રા, જોઈન્ટ સચિવ અંકિતા બુંદેલા રાજકોટ આવી પહોંચશે અને સવારે કલેકટર પ્રભવ જોષીને સાથે રાખી એઈમ્સની કામગીરીનું નિરીક્ષણ કરશે. બીજી બાજુ વડાપ્રધાનના કાર્યક્રમના સંકલનની જવાબદારી કચ્છના સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. તેઓ પણ આજે સાંજે રાજકોટ આવી પહોંચશે અને સરકીટ હાઉસ ખાતે વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો સાથે સંકલનની બેઠક કરી માહિતી મેળવશે. વડાપ્રધાનની જાહેરસભા માટે જનમેદની એકઠી કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ રાજકોટ શહેર અને જિલ્લાના મામલતદારો, ટીડીઓ, ચીફ ઓફિસરોને જવાબદારી સોંપી છે. આ સાથે જ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી કચેરીઓને જનમેદની એકઠી કરવા માટેની જવાબદાર સોંપવામાં આવી છે, ત્યારે 1400 જેટલી બસો એસ.ટી.દ્વારા ફાળવવામાં આવી છે. જેનું સંચાલન મામલતદારો અને ટીડીઓ કરશે. આ ઉપરાંત ફૂડ પેકેડની જવાબદારી પણ મામલતદારો અને ટીડીઓને સોંપવામાં આવી છે.