શૈલવાણી
– શૈલેષ સગપરિયા
1962માં ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ગરવાલ રાઇફલ્સની ચોથી બટાલિયન અરૂણાચલ બોર્ડર પરથી દેશની સુરક્ષાનું કામ કરી રહી હતી. આ ચોકી પર પૂરતા સાધનોના અભાવે ચીનનો સામનો અશક્ય લાગતા બટાલિયનના તમામ સૌનિકોને પરત ફરવા માટેની સૂચના મળી. જસવંતસિંહ રાવત નામના રાઇફલમેન દેશની સીમાને ચીનના હવાલે કરવા માટે હરગીઝ તૈયાર નહોતા.
- Advertisement -
જશવંતસિંહ એકલા જ ચોકી પર રહી ગયા. એમણે નૂરા અને સેલા નામની બે સ્થાનિક આદિવાસી છોકરીઓની મદદ લીધી અને જેટલા હથિયારો હતો એ હથિયારોને જુદી જુદી દિશાઓમાં એવી રીતે ગોઠવ્યા કે જેથી ફાયરિંગ કરે ત્યારે ચીનના સૌનિકોને એમ લાગે કે ચોકી પર ઘણા સૈનિકો હાજર છે. જશવંતસિંહે એકલા હાથે જુદી જુદી જગ્યા પરથી સતત ત્રણ દિવસ ફાયરિંગ ચાલુ રાખ્યું. આ ફાયરિંગ દરમ્યાન ચીનના 300 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા.
જશવંતસિંહને ખોરાક પૂરો પાડનાર વ્યક્તિ ચીની સૈનિકોના હાથે પકડાઈ ગઇ અને જ્યારે ચીનને જાણવા મળ્યું કે એના 300 સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર માત્ર એક જ વ્યક્તિ છે ત્યારે તેઓ પ્રથમ તો આ વાત માની જ ન શક્યા. ત્યારબાદ ચારે તરફથી જશવંતસિંહને ઘેરી લીધા. તા. 17મી નવેમ્બર, 1962નો એ દિવસ હતો. જશવંતસિંહને એવું લાગ્યું કે હવે દુશ્મન એમને પકડી જ લેશે એટલે એમણે પોતાની જ પિસ્તોલથી માથાના ભાગે ફાયરિંગ કર્યું અને દુશ્મનના કબજામાં રહેવાને બદલે મોતને ગળે લગાડયું.
ચીનના સૈનિકો જશવંતસિંહનું માથુ કાપીને ચીન લઇ ગયા. જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે ચીને જશવંતસિંહનું કપાયેલુ માથું પરત કર્યું એટલું જ નહીં પણ જશવંતસિંહની બહાદુરીને વંદન કરવા માટે દુશ્મન દેશ ચીને જશવંતસિંહના માથાની સાથે તાંબામાંથી બનાવેલું જશવંતસિંહનું પૂતળું પણ સાથે મોકલ્યું. આ પૂતળું જ્યાં આ યુદ્ધ થયું હતું એ જગ્યા પર જ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ચોકીને જશવંતગઢ નામ આપવામાં આવ્યું છે.
- Advertisement -
જશવંતસિંહ રાવતની શહીદી બાદ ભારતે એના આ વીર સપૂતને અનોખી અંજલિ આપી છે. જશવંતસિંહ જીવિત છે એ જ રીતે એનો પગાર આપવામાં આવે, સમયાંતરે પ્રમોશન પણ આપવામાં આવ્યા અને છેલ્લે મેજર જનરલના હોદ્દા સુધી પહોંચાડીને નિવૃત્ત કરવામાં આવ્યા. કોઈ મૃત માણસને પ્રમોશન મળે એવું ક્યાંય સાંભળ્યું છે ? પણ ભારતે એ કર્યું. શ્રી જશવંતસિંહની બહાદુરીને મહાવીર ચક્ર આપીને પણ સન્માનીત કરવામાં આવી છે.
સૈનિકો દેશ માટે પોતાના પ્રાણ આપીને પણ આપણા સૌનું રક્ષણ કરવાની ફરજ નિષ્ઠાપૂર્વક નીભાવે છે ત્યારે આવા નરબંકાઓની ગાથાઓ નવી પેઢી સુધી પહોંચાડીને એમને આપણા હૈયામાં સદાય જીવતા રાખીએ.