8 વર્ષ બાદ પીડીતા બહેનને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા, સુખદ સમાધાન પણ થયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના સમયમાં પણ ઘણી મહિલાઓ કાયદાકીય અને સામાજિક સહાયતા વિના પોતાના હક માટે સંઘર્ષ કરતી રહે છે. આવી જ એક ઘટનામાં, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરે માનવિયતા અને કાયદાનું ઉત્તમ સમન્વય બતાવીને 8 વર્ષથી વંચિત મહિલા અરજદાર બહેનને તેનો હક અપાવ્યો છે.
- Advertisement -
અરજદાર બહેનના લગ્નને 18 વર્ષ થયા હતાં, પરંતુ દુર્ભાગ્યવશ તેમના પતિ અને પાંચ વર્ષના દીકરાનું પાણીમાં ડૂબવાથી અવસાન થયું હતું. ત્યારબાદ સાસરીમાં માનસિક પરિસ્થિતિ ન જામતા, બહેન છથી સાત વર્ષથી પિયરમાં દીકરી સાથે નિવાસ કરી રહી હતી. તેમણે અનેક વખત પોતાના મૂળ દસ્તાવેજો મેળવવા સાસરી પક્ષનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આ સમસ્યા લઈને અરજદાર બહેન પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરે પહોંચી હતી. ત્યારબાદ સેન્ટરે બંને પક્ષોને બોલાવી, મળનારો રસ્તો શોધવા માટે સંયુક્ત મીટીંગ યોજી. સતત સમજાવટ અને કાયદાકીય સલાહથી સાસરી પક્ષે આખરે સહકાર આપ્યો. સેન્ટરે અરજદાર બહેનને પતિ અને દીકરાના મૃત્યુના દાખલાઓ, દીકરીના અને તેમના પોતાના મૂળ દસ્તાવેજો પ્રાપ્ત કરવામાં સહાય કરી. ઉપરાંત ગંગાસ્વરૂપ યોજના માટે ફોર્મ ભરવામાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.



