સુરતમાં 50 વર્ષના આધેડ વ્યક્તિને હાર્ટએટેક આવતાં મોત નિપજ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે વર્તમાનમાં હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
સુરત જિલ્લામાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. દરજી કામ કરતા 50 વર્ષીય વસંત ભાઈ ચૌધરીને છાતીમાં દુખાવો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જેમનુ હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક મૂળ ઉમરપાડાના વાડી ગામના વતની હતા. અત્રે જણાવીએ કે, વસંત ચૌધરી ઉમરપાડાના આંબાવાડી ગામે રહેતા હતા.
અમરેલીમાં ધોરણ-9ના અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે. શાંતાબા ગજેરા સંકુલની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યો હતો. પરીક્ષા દરમિયાન સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવ્યા હતો તે દરમિયાન વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યા હાજર તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી.
કેબિનેટ બેઠકમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઇને ગઈકાલે મહત્વની ચર્ચા થઈ છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે સરકાર સચેત છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 4 નવેમ્બરે એક પત્રકાર પરિષદ યોજીશું, જે ઞગ મહેતા હોસ્પિટલ ખાતે યોજાશે. ડોકટર્સ વિવિધ મુદ્દાઓ પર માહિતી આપશે તેમજ પાંચ વર્ષના આંકડા પણ રજૂ કરવામાં આવશે.