કોઠારીયા સોલવન્ટનો બનાવ, પત્ની કારખાનામાં મજૂરી કામે ગઈ અને સગીરાની એકલતાનો લાભ લઈ રૂમમાં પુરી નિર્વસ્ત્ર કરી ન કરવાનું કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં 11 વર્ષની આંગળીયાત પુત્રી ઉપર તેના જ નરાધમ પિતાએ દૂષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આજી ડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મૂળ ઉત્તર પ્રદેશની વતની છે. હાલ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહે છે અને અત્રે કારખાનામાં મજુરી કરે છે. 12 વર્ષ પહેલાં તેના પ્રથમ લગ્ન થયેલા. જેનાથી એક 11 વર્ષની દીકરી છે. પ્રથમ પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોય ત્યાં છૂટું કરી નાખ્યું હતું.
બે વર્ષ પહેલાં 27 વર્ષીય આરોપી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. હાલમાં તે પુત્રી સાથે બીજા પતિ સાથે રહે છે. શનિવારે સવારે તેની પુત્રી સંબંધીના ઘરે રમવા ગઈ હતી તે વખતે તેનો બીજો પતિ ઘરે હતો, જે છેલ્લા આઠેક દિવસથી મજુરી કામે જતો નહોતો અને ઘરે જ રહેતો હતો. બપોરે તે કારખાને હતી ત્યારે તેની પુત્રી રડતા રડતા ત્યાં આવી અને કહ્યું કે, હું કાકાના ઘરેથી આપણા ઘરે કપડા લેવા ગઈ ત્યારે પપ્પા સુતા હતા. કપડા લઈ પરત જતી હતી ત્યારે અચાનક પપ્પાએ મને બળજબરીથી રોકી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. પછી મારા કપડાં કઢાવ્યા. મને નિર્વસ્ત્ર કરી દૂષ્કર્મ ગુજારી, અઘટીત કૃત્ય કર્યું હતું. પુત્રીની આ વાત સાંભળી ફરિયાદી મહિલા ગભરાઈ ગઈ હતી. સંબંધીને વાત કરતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ આજી ડેમ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી પણ મૂળ યુપીનો હોય તત્કાલ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા. પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ એ.જે.પરમાર, એ.એસ.આઇ. એસ.એસ.ગોસાઇ, યશવંતભાઇ ભગત, હારૂનભાઇ ચાનીયા, હેડ કોન્સ્ટેબલ કૌશેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, કુણાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મેરૂભા ઝાલા, પ્રદિપસિંહ ગોહીલ, વીરેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઇ જારીયા, ભીખુભાઇ મૈયડ, જગદીશસિંહ પરમાર, જયદીપસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ કુંચાલાએ આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
11 વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ ગુજારનાર સાવકા પિતાની ધરપકડ
