પરખ ભટ્ટ
(૧)મારું મન મોર બની થનગાટ કરે!
- Advertisement -
પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર મોરને દાણા નાંખતો વીડિયો અપલોડ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખું સપ્તાહ ઇન્ટરનેટ પર છવાયેલા રહ્યા. કૉવિડનો સમય શરૂ થયા પછી કદાચ પહેલી જ વખત તેઓ આટલા હળવા મૂડમાં જણાયા એવું સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવાનું થયું. બીજી બાજુ,કેટલીક રમૂજી કમેન્ટ્સનો પણ મારો વરસાવવામાં આવ્યો.. જેમકે,‘હવે એવી અફવા કોણે ફેલાવી કે મોર આપણા મોદી સાહેબ પાસેથી કળા કેમ કરવી એ શીખવા માટે આવ્યો હતો!’હવે શું કહેવું આમને?
(૨)રસોડે મેં કૌન થા,ગોપી બહુ?
અરે બાપ્પા,આ અઠવાડિયે કોકિલા,ગોપી બહુ અને રાશિ સખ્ખત વાયરલ થયા. વાત જાણે એમ છે ને કે,સ્ટાર પ્લસ પર ભૂતકાળમાં આવતી પોપ્યુલર સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’નો એક ઑવર-એક્ટિંગથી ભરપૂર સીન કોઈકે સોશિયલ મીડિયા પર વહેતો કર્યો,જેને અમુક ખેપાની મ્યુઝિયનોએ લયબદ્ધ કરીને વાયરલ કર્યો. એમાં ગોપી બહુને ખીજાઈ રહેલી એની કોકિલા સાસુ કહે છે,‘ગોપી બહુ,કલ મેરી સાડી પર જ્યુસ ગિરા થા,ઔર મૈં દોબારા નહાને ગઈ થી. તુમ ચને કૂકર પે ચઢાકર મેરે પાસ આઈ થી,તબ રસોડે મેં કૌન થા?’આ એક સંવાદે ઇન્ટરનેટ પર તો ઉપાડો લીધો જ,પરંતુ ટીવી ચેનલો પણ એમાંથી બાકાત ન રહી. આજ તક ન્યૂઝ ચેનલ દ્વારા ગોઠવાયેલી ડિબેટમાં એન્કર રોહિત સરદાના સાથે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા આખો ડાયલોગ રાહુલ ગાંધીના સંદર્ભમાં બોલ્યા,જેને જોઈને પ્રેક્ષકો ભરપેટ હસ્યા અને એ ક્લિપ પણ વાયરલ થઈ.
- Advertisement -
(૩)કાલિન ભૈયા આ રહે હૈ!
ઑટીટીના ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળ્યું કે કોઈ વેબસીરિઝની બીજી સિઝન રીલિઝ કરવા માટે પ્રેક્ષકોએ ભૌકાલ મચાવ્યું હોય!‘મિર્ઝાપુર’ની પહેલી સિઝન આવીને ગઈ એ ઘટનાને વર્ષો વીતી ગયા. તે એટલી હદ્દે લોકપ્રિય બની હતી કે પ્રેક્ષકો ચાતક નજરે તેની રાહ જોતાં હતા. એક સમય પર તો ખુદ ‘એમેઝોન’દ્વારા મિર્ઝાપુરના મેકર્સને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. છેવટે,વાજતે-ગાજતે તેની બીજી સિઝનની અનાઉન્સમેન્ટ કરવામાં આવી. તો તૈયાર થઈ જાઓ,દોઢ-પોણા બે મહિનાના ઇંતેઝાર બાદ એટલે કે ૨૩ ઑક્ટોબરના રોજ સ્ટ્રીમ થશે,મિર્ઝાપુર-૨!
(૪)દાઉદ… મારા રોયા!આખરે તું ઝડપાયો ખરો!
બ્લેક-લિસ્ટ થઈ જવાના ડરથી હવે પાકિસ્તાન મિયાંની મિંદડી બની ગયું છે. ૧૯૯૩ની સાળાના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ માટે જવાબદાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છુપાઈને બેઠો છે,એ વાત પાકિસ્તાન સરકારે જાહેર કરી છે. ભારત વર્ષોથી કહેતું આવ્યું છે કે,દાઉદનો અડ્ડો પાકિસ્તાનમાં જ છે. પરંતુ પાકિસ્તાની સરકાર એ સ્વીકારવા તૈયાર જ નહોતી. આખરે દુનિયાભરમાંથી એકલા પડી જવાને કારણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દાઉદ ઇબ્રાહિમના લૉકેશન્સ જાહેર કરીને તેને આતંકવાદીની યાદીમાં મૂક્યો.
(૫)ઇલ્યુમિનાટીનો ઉપાડો
ભાવેશ સુવાગિયાની ૨૦ મિનિટની ઑડિયો ક્લિપ સાંભળી કે નહીં? ભાવેશ સુવાગિયાએ ઇલ્યુમિનાટીની જે કહાની માંડી,એ સાંભળવામાં ગુજરાતી પ્રજાને ભારે જલસો પડી ગયો. એમણે પોતાની ઑડિયો ક્લિપમાં દાવો કર્યો હતો કે,કોરોના ‘ઇલ્યુમિનાટી’સહિતના રહસ્યમય સંગઠનોનું ષડયંત્ર છે,જે રોથચાઈલ્ડ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વૉટ્સએપ યુઝર્સે તેની આ ક્લિપ એટલી હદ્દે વાયરલ કરી કે ભાવેશભાઈ રાતોરાત વાયરલ સેન્સેશન બની ગયા. રોથચાઈલ્ડ પરિવાર આપણું રાતનું ભોજન શું બનાવવું એ નક્કી કરે છે,એવી રમૂજ અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર ધડાકાભેર વહેતી થઈ.
(૬)સોનિયા મેટ સોનિયા!
લોકોને બહુ આશા હતી કે આજ વખતે સોનિયા ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડીને બીજા કોઈ સશક્ત વ્યક્તિના હાથમાં પક્ષનું સુકાન સોંપશે. ઢોલ-નગારા વગાડીને કોંગેસ અધ્યક્ષ નક્કી કરવાની મીટિંગને હાઇપ આપવામાં આવી. અંતે,સોનિયા ગાંધીએ રાજીનામું આપ્યું. સોનિયા ગાંધી જ નિર્ણાયક બન્યા,જેમણે ફરી સોનિયા ગાંધીને જ હવે પછીના ૬ મહિના માટે અધ્યક્ષ સ્થાન સોંપ્યું. ઘીના ઠામમાં ઘી,અર્થાત સોનિયા મેટ સોનિયા!ખેર,સોનિયા દેવી રાઝી,તો ક્યાં કરેગા કાઝી!ભગવાન ‘કોંગ્રેસ’ને મોક્ષ અર્પે એવી પ્રાર્થના!બેસણું ૨૦૨૪માં રાખેલ છે,જેની સર્વે નોંધ લેશો જી.
(૭)ગુજરાતી ફિલ્મનું ભવ્ય ભાવિ…
ઘણા સમય પછી એક ફ્રેશ ગુજરાતી ફીચર ફિલ્મની જાહેરાત થઈ છે,જેનું નામ છે : તારી સાથે!‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ફેમ ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી અને ‘બસ,ચ્હા સુધી’ફેમ જિનલ બેલાણી આ ફિલ્મમાં જોડી જમાવશે. રોમેન્ટિક-મ્યૂઝિકલ ડ્રામા જોનરની આ ફિલ્મને ડિરેક્ટ કરશે,રાકેશ શાહ. તેના અનાઉન્સમેન્ટ પોસ્ટરે દર્શકોમાં તરખાટ મચાવ્યો છે. ગયા વર્ષે રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’બાદ ભવ્ય ગાંધી ત્રીજી ગુજરાતી ફિલ્મ સાથે થિયેટરમાં ધૂમ મચાવવા તૈયાર છે.