એક ચહેરો, અનેક સત્ય: સ્મિતા પાટીલનું સિનેમેટિક બ્રહ્માંડ
સમાન્તર સિનેમાની અનન્ય અભિનેત્રી સ્મિતા પાટીલ: ટૂંકા ગાળામાં જીવ્યા પીડિત મહિલાઓના સંઘર્ષ: પરંપરાગત ગ્લેમર નહીં, પણ આંખોમાં અડગ ઇચ્છાશક્તિ; સમાજના અન્યાય અને લિંગ શોષણ સામેના પાત્રોના જીવંત પ્રતિનિધિ
- Advertisement -
સ્મિતા પાટીલનું નામ લેતાં જ ભારતીય સમાન્તર સિનેમાના એક મહત્વના અધ્યાયની યાદ આવે છે, ‘સમાન્તર સિનેમા’ એ એક વૈકલ્પિક ફિલ્મ ધારા છે જે 1960ના અંતથી 1980ના દાયકા સુધી મુખ્યધારાના ગ્લેમરસ બોલિવૂડની સમાંતરે ઊભી થઈ અને વાસ્તવિક જીવનના સામાજિક અન્યાય, જાતિવાદ, લિંગ શોષણ, ગરીબી તથા ગ્રામીણ-શહેરી વિસંગતતાઓને ઓછા બજેટ, વાસ્તવિક સ્થળો, થિયેટરી પ્રશિક્ષિત કલાકારો અને લાંબા શોટ્સ વડે ચિત્રિત કરવામાં આવી.
આજની પેઢીને કદાચ સમાન્તર ફિલ્મોના એ સુવર્ણયુગ વિશે કે સ્મિતા પાટીલ વિશે વધુ માહિતી નહીં હોય, પણ માત્ર 1974થી 1986 સુધીના ટૂંકા સમયગાળામાં સ્મિતાએ આ ધારાના પીડિત મહિલાના જીવનના સંઘર્ષોને એટલી ઊંડાણથી ઉતાર્યા કે તેમના પાત્રો આજે પણ ગ્રામીણ ભારતની પીડીત અને શોષિત મહિલાઓના પ્રતિનિધિ તરીકે જીવંત લાગે છે.- તેમના ચહેરા પર પરંપરાગત ગ્લેમરની ચમક નહોતી, પરંતુ એ આંખોમાં એક સ્થિર ચિંતન અને અડગ ઇચ્છાશક્તિ હતી જે સમાજના પુરુષ આધિપત્ય અને જાતિવાદી વ્યવસ્થાને સીધો પડકાર આપતી હતી. સ્મિતા પાટીલ ભારતીય ફિલ્મકલાના અનન્ય વ્યક્તિત્વ માનાં એક હતાં, જેણે સ્ત્રી-અસ્તિત્વના અસ્તવ્યસ્ત, દબાયેલા તેમજ બળવાખોર રૂપોને માત્ર અભિનય તરીકે નહીં, પરંતુ આંતરિક અનુભૂતિ તરીકે જીવ્યા. હિન્દી સિનેમામાં સ્ત્રી-મુક્તિના વિચારને કાચી- અપરિપક્વ ભાવુકતાની બદલે, સ્થિર બુદ્ધિ અને પ્રબળ નૈતિકતા સાથે પ્રતિષ્ઠિત કરવાની શક્તિ કદાચ સૌથી વધુ તેમના જ અભિનયમાં જોવા મળે છે. પીડિત સ્ત્રીના મનોદૌર્બલ્યને તેમણે કદી સીધાસાદા શોકમાં બાંધી ન રાખ્યું- તેં તેના દરેક હાવભાવમાં અધિકારહીનતાનો દુઝતો ઘાવ અને સ્વાભિમાનનો સૂક્ષ્મ પ્રતિરોધ એકસાથે સ્પંદતા રહેતા. પુરુષ સત્તાવાદ સામે ઊઠતા સ્ત્રી-વિવેકના ઉગ્ર અને સંકુલ સ્વરોને તેમણે એટલા સત્યતાથી આત્મસાત્ કર્યા કે તેમના પાત્રો કલા અને જીવન વચ્ચેની રેખા ભૂંસી નાખે. વૈવિધ્યતા તો એમની વિશેષતા-ક્યારે તે ઊર્મિના વાવાઝોડા જેવી તીવ્રતા ધારણ કરતી, તો ક્યારે કોમળ પ્રવાહની સરિતા જેવી નિશ્ચલ મીઠાશ; ક્યારે પ્રસ્ફુટિત કમળની શુદ્ધ સૌમ્યતામાં ઝળહળતી…ક્યારેક મધ્યાહનના સૂર્ય જેવી તીવ્ર… આ પરિવર્તનોમાં તેમનો ચહેરો માનવ મનદર્શનનો જીવંત નકશો જ લાગતો- જેમાં દરેક છાયા નવો અર્થ આપે. તેથી જ સ્મિતાનો અભિનય તેથી માત્ર પાત્રનું પ્રતિનિધિત્વ નહોતો; તે ભારતીય સ્ત્રીની આંતરિક યાત્રા, પ્રતિબંધિત અવાજોની મુક્તિ અને કળાની એ જાદુઈ ક્ષમતા હતી જેમાં કઠોર સત્યને કલાત્મક સૌંદર્યથી મહેકી ઉટવાની ઊઠવાનો અગાધ અવકાશ મળ્યો.
80ના દાયકાની હિન્દી સિનેમામાં સ્મિતા પાટીલ એવી અભિનેત્રી તરીકે ઊભરી જે ભારતીય સ્ત્રીના આંતરિક જીવનને અદ્વીતિય સત્યતા આપતી હતી તો, ભારતીય સિનેમાના એવાં થોડા પાત્રો કે જે પરદા છોડીને સીધા પ્રેક્ષકોના મનમાં વસે, ‘મિર્ચ મસાલા’ (1987)ની સોનબાઈ એમાંનું એક છે. સોનબાઈનું પાત્ર સ્ત્રી પ્રતિરોધનો જ્વલંત અને જીવંત ઘોષણાપત્ર છે.
અને તેને અમર બનાવનારી-સ્મિતા પાટીલ, નીચી જાતિની કારખાનામાં કામ કરતી સ્ત્રી, જે સુબેદાર(નસીરુદ્દીન શાહ)ની વિકારી નજરથી રોજ પીડાય છે, અને તેના દમનનો સામનો કરે છે. સોનબાઈની અંદર ઊભરતો ક્રોધ અને તીવ્ર અવમાનના વર્ણવવી સરળ નથી પણ સોનબાઈ બોલે તેના પહેલાં-તેનું શરીર, આંખો, પગલાં અને હાવભાવો બોલી ઉઠે છે. નિર્દોષતા અને જ્વાળામુખી જેવી ઉગ્રતા-બંનેને એકસાથે સમાવી લેવાનું કૌશલ્ય બહુ ઓછા કલાકારોને પ્રાપ્ત હોય છે-બંનેનો સંગમ સ્મિતા એટલો સૂક્ષ્મ બનાવે છે કે તેમનું દરેક દૃશ્ય પ્રેક્ષકના હદયમાં અંકિત થઈ જાય. સુબેદારની યૌન લાલસા સામે સોનબાઈની ના-માત્ર એક જવાબ નથી; એ શોષણ અને જાતિગત અવમાનના; બંને સામે તીખો શંખનાદ છે. મરચાંના કારખાનામાં રોજ મૃત્યુ જેવી નિષ્ઠુર પરિસ્થિતિમાં જીવતી આ મહિલા, પોતાના અસ્તિત્વથી જ પુરુષ સત્તાને પડકારતી રહે છે.
સોનબાઈના આસપાસ -સરપંચની પત્ની સરસ્વતી (દીપ્તિ નવલ), ચોકીદાર અબુ મિયાં (ઓમ પુરી) અને ગામનો શિક્ષક (બેન્જામિન ગીલાની, તેની સાથેના સંબંધોમાં સ્મિતા મૌન હાવભાવ સાથે સંવાદિતા રચે છે અને આ સંવાદિતા ફિલ્મની અદૃશ્ય નર્વસ સિસ્ટમ તરીકે કાર્ય કરે છે.
પરંતુ અમુક સ્ત્રીઓ આખરે સુબેદારની બળજબરીને લાચારીથી સ્વીકારવા તૈયાર થઈ જાય છે-ત્યારે સ્મિતાના ચહેરા પરનું ઉગ્ર સ્વાભિમાન શબ્દોથી પાર થઈ જાય છે. અને સોનબાઈ દ્વારા સુબેદારની આંખમાં મરચાં પાવડર ફેંકવાનો એ ક્લાઈમેક્સ, હિન્દી સિનેમાના ઇતિહાસમાં સ્ત્રીના પ્રતિકારનું સૌથી શક્તિશાળી દૃશ્ય ગણાય છે. એ ક્ષણ સ્મિતાને ફક્ત નાયિકા નહીં, પણ મુક્તિનું પ્રતીક બનાવે છે.
સોનબાઈ એક પાત્ર કરતાંય વધુ, સ્ત્રી આત્મસન્માનની જ્વાળાનું રૂપ છે. અને સ્મિતા એ જ્વાળાને વિશ્વાસ, વાસ્તવિકતા અને વીરતાનો એવો રંગ આપ્યો છે કે ‘મિર્ચ મસાલા’ આજે પણ સ્ત્રી પ્રતિકારનો એક શાશ્વત સંદેશ બનીને જીવે છે. સ્મિતા આખી ફિલ્મને પોતાના ખભા પર વહન કરે છે અને પુરુષ સત્તાને અસ્વીકાર કરવાનો નવો પાઠ લખે છે.
‘મિર્ચ મસાલા’: માત્ર સ્ત્રી પ્રતિકાર નહીં, જાતિ આધારિત દમનનું પણ નિર્ભય ચિત્રણ
‘મિર્ચ મસાલા’માં જાતિ આધારિત દમનનું સત્ય પણ નિર્ભયતાથી દેખાડવામાં આવ્યું છે. સોનબાઈ પરનો ત્રાસ તેની સ્ત્રીપણાથી પણ ઊંડો છે-તેની જાતિ તેની પીડાને બેવડી બનાવે છે. આ બંને સ્તરોને સ્મિતાએ એવી પ્રામાણિકતાથી નિભાવ્યા છે કે ફિલ્મ તેની હાજરી વિના કલ્પી શકાય તેમ નથી.
‘મંથન’ની બિંદુ ડો. રાવને પહેલી વાર જુએ ત્યારે ચહેરા પર આવતી શંકા અને પછી દૂધની સહકારી ચળવળમાં મહિલાઓને એકત્ર કરવાની અટલ નિશ્ચયી ભાવના દલિત સ્ત્રીના આત્મસન્માનની વાસ્તવિક યાત્રા બની જાય છે; ઉપરાંત આ ફિલ્મ ઉપરોકત બે પાત્ર વચ્ચેના નિ:શબ્દ, વ્યક્ત થયા વગરના સૂક્ષ્મ સંબંધોને ખૂબ જ સંવેદનશીલતાથી દર્શાવે છે.
‘મંડી’ (1983)માં ઝીનત તરીકે તે વેશ્યાલયની બંધ દિવાલોમાં રહેલી સ્ત્રીઓની મૌન પીડા અને મુક્તિની ઝંખનાને મનુષ્યતાના નરમ રંગોમાં રજૂ કરે છે-સિતાર વગાડતા દૃશ્યો હોય કે રોજિંદી રમૂજ; ઝીનતનું પાત્ર ગણિકાની પીડાને હળવાશથી વ્યક્ત કરે છે અને શબાના આઝમી સાથેનો તેનો સંબંધ અદ્ભૂત રીતે રજૂ થયો છે. ‘બજાર’ (1982)માં નજમા તરીકે તે ગરીબી અને સામાજિક દબાણ વચ્ચે ઘેરાતી અને “વેચાઈ જવાની” ભયછાયા સાથે ઝઝૂમતી સ્ત્રીનું પ્રતીક બને છે; અખ્તર સાથેનો તણાવ અને સલીમ સાથેનો નિષ્કપટ પ્રેમ-બંને વચ્ચે તે જે સંવેદનાત્મક સંતુલન જાળવે છે તે કાબીલેદાદ છે જ્યારે ‘ભૂમિકા’ (1977)ની ઉષા તરીકે તે પુરુષપ્રધાન સંબંધોની જાળમાં સતત ઘસાતી છતાં પોતાની ઓળખ પુન:પ્રાપ્ત કરવાની અપાર ઇચ્છા ધરાવતી સ્ત્રીના મનસ્વી સફરને અદભૂત સત્યતા આપે છે-પતિ, પ્રેમીઓ અને દિગ્દર્શકો દ્વારા નિયંત્રણ છતાં, તેના પાત્રની આંતરિક મજબૂતી કદી તૂટી નથી. સ્મિતા પાટીલની આ ત્રણેય ભૂમિકાઓ-ઝીનત, નજમા અને ઉષા-ગહન રીતે જુદી હોવા છતાં એક જ સૂત્રથી જોડાય છે: ભારતીય સ્ત્રીના ઘવાયેલા હૃદયનો સત્ય, અને તેના અદમ્ય મનોબળનો ઉજાસ, જે આગળ વિસ્તૃત સમજીએ
સ્મિતાએ અમિતાભ બચ્ચન સાથે ‘નમક હલાલ’ (1982) જેવી કેટલીક વ્યાપારી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. તેમની નૈતિકતાનું સ્તર એટલું હતું કે તેણે વ્યાપારી ફિલ્મોમાં ભાગ લેવા બદલ ખેદ વ્યક્ત કર્યો.
સ્મિતા પાટીલ : ભારતીય સ્ત્રી-અંત:સ્વરની સૌથી તીવ્ર પ્રતિધ્વનિ
સ્મિતા પાટીલ હિન્દી સિનેમાના તે દુર્લભ પ્રકાશસ્તંભોમાંની એક હતી, જેણે પડદા પર માત્ર કોઈ પાત્ર ભજવ્યું નહોતું પરંતુ ભારતીય મહિલાના આંતરિક સંઘર્ષ, મૌન, બળવો અને સ્વ-મુક્તિની સંપૂર્ણ કહાની જીવંત કરી હતી.
તેનો અભિનય, દેખાવ કે ગ્લેમરથી મુક્ત, નક્કર હકીકતના ખડક પર રચાયેલો હતો.
સામાન્ય સ્ત્રીની અસામાન્ય વ્યથા : સ્મિતાનું સિનેમેટિક મિશન, ઉપર કહ્યું તેમ ‘ભૂમિકા’, ‘મંથન’, ‘બજાર’, ‘મંડી’ અને ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મોમાં સ્મિતાએ સામાન્ય સ્ત્રીનો ચહેરો ધારણ કર્યો હતો, પરંતુ તે સ્ત્રી સામાન્ય ન રહી-તે સમાજના અન્યાય સામે ઊભેલી ચેતના બની. તેના અભિનયની વિશેષતા એ હતી કે તે સ્ત્રીને કથા દ્વારા નહીં, પરંતુ તેના અંતર દ્વારા સમજતી. ડાયલોગ ઓછા હોવા છતાં, તેની આંખોની ભીતર રહેલી અશાંતિ આખી સમસ્યાનું ભારણ કહી જતી. પરંતુ સ્મિતાની ભૂમિકાઓ માત્ર પીડાનું પ્રતિબિંબ નહોતી-તેમાં પ્રતિરોધનો સ્વર હતો.
‘મિર્ચ મસાલા’માં સુબેદાર સામે લાલ મરચાંની ધગધગતી ધધક સાથે ઊભી રહેતી, ‘બજાર’માં શોષણની સાંકળ તોડતી, ‘ભૂમિકા’માં ઓળખ માટેનું ઝઝૂમતી, ‘મંથન’માં સહકારી ચેતના-દરેક ફિલ્મ સ્ત્રીની સામાજિક સ્થિતિનો વૈવિધ્યપૂર્ણ અધ્યાય હતી. ભારતીય સિનેમા માટે સ્મિતા પાટીલ માત્ર અભિનેત્રી નહોતી પરંતુ સ્ત્રીના મૌનને ભાષા આપનાર પ્રથમ શિલ્પકાર હતી.
સ્મિતા પાટીલની સુંદરતાની પરખ સેટની લાઇટોમાં નહીં, પરંતુ તેમના અભિનયનાં આંતરિક તેજમાં થતી. તેમની સમકાલીન અભિનેત્રીઓ-એક તરફ હેમા-રેખાની રાજસી લાવણ્યમય સુંદરતા, અને બીજી તરફ ઝિંન્નત-પરવીન બાબીની આધુનિકતા સાથે ઝળહળતી આકર્ષક સુંદરતા-બંનેની પર્સનાલિટી પ્રેક્ષકોને મોહિત કરતી. તેમ છતાં સ્મિતાનું સૌંદર્ય આ સ્થૂળ માપદંડોથી પર,
તેનાં ચહેરા પર નહીં, તેની ચુપચાપ અભિવ્યક્ત થતી આંખોમાં, અવિરત ઊર્જામાં અને પાત્રો પ્રત્યેની તેની સત્યનિષ્ઠામાં વસેલું હતું.
સ્મિતા પાટીલના અભિનયને માણવો એ માનવીય ભાવનાઓના ઊંડા સરોવરમાં બેસી લહેરોની ધીમે ધીમે ઊઠતી સ્વરલહેરો સાંભળવા જેવું હતું. તેમના પ્રત્યેક સંવાદમાં એક અદૃશ્ય કવિતાનું સંગીત વહેતું, અને તે જે ભાવને સ્પર્શે તે સીધો પ્રેક્ષકના હૃદય સુધી ઊતરી જતો ઉપર પણ કહ્યું તેમ, તેમનો અભિનય ક્યારેક ચોખ્ખા શાંત તળાવ જેવી સમતુલિતતા ધરાવતો; ક્યારેક માટીમાં ઉગેલ ફૂલની સહજ સુગંધ જેવી મીઠાશ; અને ક્યારેક પીડાને ઉછાળ્યા વગર, માત્ર સ્પર્શવા જેવી મૌન વ્યથા… સ્મિતા પાટીલનું આખું સર્જન જાણે પ્રકૃતિના શુદ્ધ સ્વભાવને માનવીય રૂપમાં પ્રતિબિંબિત કરતું. તેમનો અભિનય પ્રેક્ષકને જીવનના મૂળ તત્ત્વો, તેની નિર્વિકાર સત્યતા અને તેની ચિરંતન પીડાની નજીક લઈ જતો, જે ખૂબ ઓછા કલાકારો કરી શક્યા છે. આ સંયમ, આ મૌલિકતા, આ ઊંડાણે સ્મિતાના અભિનયને અનોખો આયામ આપ્યો
શબાના અને સ્મિતા : બે સમકાલીન, બે વિરોધી સંવેદનાઓ; ભારતીય પેરાલેલ સિનેમામાં શબાના આઝમી અને સ્મિતા પાટીલની જોડીને શ્રેષ્ઠ કલાત્મક સંગમ માનવામાં આવે છે. સ્મિતાની અભિનય યાત્રામાં શબાના આઝમી તેમની બાજુએ સતત રહ્યાં. બન્નેએ મળીને ભારતીય ‘આર્ટ’ સિનેમાને માત્ર દિશા જ નહીં, પણ તેનો સ્વર, તેની ભાષા અને તેનો આત્મા નક્કી કર્યા. એક-એક પાત્રમાં સમાજના સત્યને પારદર્શક રીતે આકાર આપવાની કળા બન્ને પાસે હતી. બંનેએ ‘અર્થ’, ‘મંડી’, ‘આલ્બર્ટ પિન્ટો’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું પણ તેમની કલાત્મક ઊર્જાઓ સંપૂર્ણપણે જુદી હતી: શબાના શિસ્તબદ્ધ, સંસ્કારપૂર્ણ, નિયંત્રિત અને વિચારશીલ અભિનયશૈલીની વાહક જ્યારે સ્મિતા તીવ્રતા, આક્રોશની વાહક, વિદ્રોહીણી.નિષ્ણાતોના શબ્દોમાં, શબાના સ્ત્રીને વિચારે છે; સ્મિતા સ્ત્રીને જીવે છે.
અને, નસીરુદ્દીન શાહ સાથે સ્મિતાની કેમેસ્ટ્રી તો
સક્ષમ અભિનય તેમજ સંવાદિતાનું અજોડ સંમિશ્રણ હતું.
અહીં શબ્દો પર ભાવના ભારે પડતી; અને સંવાદ કરતાં મૌન વધુ બોલતું.તેમણે બારથી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું. ‘ભૂમિકા’, ‘મંડી’ (1983) વગેરેમાં તેમની જોડી રંગ લાવી
સ્મિતાએ 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (શ્રેષ્ઠ અભિનેત્રી: ‘ભૂમિકા’ અને ‘ચક્ર’) અને એક ફિલ્મફેર પુરસ્કાર જીત્યો, અને સમાંતર સિનેમાને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવી. 17 ઑક્ટોબર 1955ના રોજ જન્મ અને 13 ડિસેમ્બર 1986માં માત્ર 31 વર્ષની ઉંમરે પ્રસૂતિ પછીની જટિલતાઓથી અવસાન; સ્મિતા પાટીલની સિનેમેટિક યાત્રા માત્ર 31 વર્ષની વયે પૂર્ણ થઈ ગઈ, પરંતુ તેણે છોડેલા પાત્રો આજે પણ સમાજશાસ્ત્રના અને ફિલ્મ-અધ્યયનના પાઠમાં જીવે છે. આ પાત્રો ભારતીય મહિલાની ઓળખ, તેના વિરોધ અને તેની મુક્તિની યાત્રાને ચિરંજીવ પ્રકાશ આપે છે. સ્મિતા પાટીલને હવે આમ પાત્રોની પીડાને તેમના અંતરના અસ્થિ-મજ્જા સુધી ઉતારી જીવતાં જોવાની તક મળવી નથી પરંતુ ભારતીય સિનેમાના આકાશમાં તેમનો પ્રકાશ આજે પણ અખંડિત રીતે ઝળહળે છે.



