જૂનાગઢમાં 10 અને 11 એપ્રિલે ચેટીંચંદ પર્વ નિમિતે ધર્મોત્સવની ઉજવણી થશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ સિંધી સમાજનું નૂતન વર્ષ ચૈત્ર સુદ-2 ચેટીચંડ તા.4 એપ્રિલને બુધવારથી શરૂ થઇ રહ્યુ છે. આ ચેટીચંદ ઉજવણીને સિંધી નેશનલ-ડે તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગને ઉજવવા શ્રી જુલેલાલ સેવા મંડળ તથા સમસ્ત સિંધી પંચાયત જૂનાગઢ દ્વારા ધામધૂમ પૂર્વક તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢમાં આગામી તા.10-4 બુધવારના રોજ આયોલાલ ઝુલેલાલના નાદ સાથે ચેટીચંડ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જેમાં બહીરાણા સાહેબનો જૂનાગઢમાં ભંડારો બપોરે 1ર કલાકે ચાલુ થશે.
સાંજના 8 કલાકે જય ઝુલેલાલ મ્યુઝીકલ પાર્ટીનું હિન્દી સંગીતનું મ્યુઝીકલ પ્રોગ્રામનું ઝુલેલાલ વાડી ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ તા.11-4 ગુરૂવારના રોજ બપોરે 3 કલાકે રેલવે સ્ટેશનથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. આ શોભાયાત્રા પ્રસ્થાન સમયે જ્યોત પ્રજ્જવલીત કરીને શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ શહેરના રાજમાર્ગો પર ઝુલેલાલજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે અને રાત્રીના 9 વાગ્યે સિંધી મ્યુઝીકલ પાર્ટી સાથે પૂર્ણ થશે અને શોભાયાત્રામાં ઝાંખી કરાવનાર ફ્લોટસના આયોજકોને મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આમ બે દિવસ સિંધી સમાજના ચેટીચંદ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. તેમજ આયોજકો દ્વારા એક યાદીમાં જણાવાયું છે.