પૂર્વજોનું સન્માન અને માનવતાની સાર્વત્રિક ભાવના માનવ સંસ્કૃતિના ઊંડાણમાં રહેલી એક સનાતન ભાવના છે પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા અને આદર. આ ભાવના ધાર્મિક કર્મકાંડોનો માત્ર એક ભાગ નથી, પરંતુ તે માનવીય અસ્તિત્વની નિરંતરતા, પરિવારની એકતા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધ પર્વ આ ભાવનાનું એક શ્રદ્ધાપૂર્ણ, આધ્યાત્મિક અને નૈતિક સ્વરૂપ ધરાવે છે, જે મૃત પૂર્વજોની આત્માઓની શાંતિ અને મોક્ષની કામના સાથે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આવી જ ભાવના વિશ્વના વિવિધ ખૂણાઓમાં અલગ-અલગ સ્વરૂપોમાં જોવા મળે છે-
હિન્દૂ શ્રાદ્ધ પર્વ:
હિન્દૂ ધર્મમાં શ્રાદ્ધપર્વ ભાદરવા માસના કૃષ્ણપક્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. જેને પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ શબ્દ સંસ્કૃતના શ્રદ્ધા શબ્દમાંથી ઉદ્ભવે છે, જેનો અર્થ નિષ્ઠા, આદર અને ભક્તિ થાય છે. પિતૃતર્પણની ભાવના વૈદિક કાળથી હતી, જે ઋગ્વેદ અને યજુર્વેદમાં પિતૃઓને અર્પણો (જેમ કે હવનમાં અન્ન-ઘી) કરવાના ઉલ્લેખમાં જોવા મળે છે. આ પ્રથાઓ “પિતૃયજ્ઞ” તરીકે ઓળખાતી હતી, જે શ્રાદ્ધનું પ્રારંભિક સ્વરૂપ હતું. ગરુડ પુરાણ અને અન્ય પુરાણોમાં શ્રાદ્ધની વિધિની શરૂઆત અત્રિ ઋષિ સાથે જોડાયેલી માનવામાં આવે છે. કથા મુજબ દેવતાઓ અને પિતૃઓએ અત્રિ ઋષિને પૂર્વજોની આત્માની શાંતિ માટે આ વિધિનું મહત્વ સમજાવ્યું. અત્રિ ઋષિએ વૈદિક યજ્ઞોથી અલગ સ્પષ્ટ અને સુલભ સ્વરૂપ આપીને તેને લોકપ્રિય બનાવ્યું. ગરુડ પુરાણમાં અત્રિ ઋષિ દ્વારા શ્રાદ્ધનું આધ્યાત્મિક મહત્વ વિગતે વર્ણવાયું છે, જેના આધારે તેમને શ્રાદ્ધ પરંપરાના પ્રથમ આચાર્ય ગણવામાં આવે છે. મહાભારત અનુસાર, કર્ણ જ્યારે મૃત્યુ પામ્યો અને સ્વર્ગલોકમાં પહોંચ્યો, તેને ખોરાક કે પાણી ન મળ્યું તેણે યમરાજને આનું કારણ પૂછ્યું, ત્યારે યમરાજે કહ્યું કે શ્રાદ્ધ ન કરવાને કારણે આ થયું છે. કર્ણએ પિતૃ તર્પણ કરવા પૃથ્વી પર આવવાની અનુમતિ માંગી અને તેણે 16 દિવસ સુધી પિતૃઓના નામે ખોરાક, પાણી અને દાન આપ્યું, જેને “પિતૃપક્ષ” તરીકે ઓળખવામાં આવે છે. આ કથા ગરુડ પુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં છે. કર્ણની કથા દર્શાવે છે કે પિતૃ તર્પણની પરંપરા તેના સમયમાં પહેલેથી હાજર હતી. યમરાજના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કર્ણ શ્રાદ્ધના પ્રારંભકર્તા નહિ પણ સુવ્યવસ્થિત પ્રથા તરીકે પ્રારંભ કરનાર ગણી શકાય. ગરુડ પુરાણમાં શ્રાદ્ધનું મહત્વ વર્ણવતાં જણાવાયું છે કે, પૂર્વજોની આત્માઓને શાંતિ આપવાથી તેમના વંશજોને આશીર્વાદ મળે છે. મહાભારતમાં, ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શ્રાદ્ધની વિધિઓ અને તેના નૈતિક તેમજ આધ્યાત્મિક મહત્વની સમજૂતી આપે છે.
- Advertisement -
હિન્દૂ અંતિમસંસ્કાર અને શ્રાદ્ધના અભ્યાસક શિર્લી ફર્થ,, શ્રાદ્ધને “પૂર્વજો પ્રત્યેની ફરજ અને આદરનું પ્રતીક” તરીકે વર્ણવે છે. શ્રાદ્ધનો મૂળ આધાર પિતૃઋણના સિદ્ધાંત પર રચાયેલો છે, જે હિન્દૂ ધર્મના ઋણત્રય (દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ)નો એક ભાગ છે. આ ઋણ પૂર્વજો દ્વારા આપેલા જીવન, સંસ્કૃતિ અને મૂલ્યોનું પ્રતીક છે. શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ આ ઋણ ચૂકવે છે. શ્રાદ્ધપર્વ માનવહૃદયને યાદ અપાવે છે કે પૂર્વજ માત્ર ભૂતકાળ નથી, પરંતુ આપણા અંતરમાં ધબકતાં મૂલ્યોની શાશ્વત ધૂન છે. પ્રખ્યાત નૃવંશશાસ્ત્રી ક્લિફોર્ડ ગીર્ટ્ઝ ધાર્મિક વિધિઓને “સાંસ્કૃતિક પ્રણાલી” તરીકે જુએ છે, જે સમાજની ઓળખ, મૂલ્યો અને સામાજિક માળખાને જાળવી રાખે છે. શ્રાદ્ધ આ દૃષ્ટિકોણને સમર્થન આપે છે, કારણ કે તે પરિવારની એકતા અને આધ્યાત્મિક જવાબદારીને પ્રોત્સાહન આપે છે. ઉદાહરણ તરીકે, જ્યારે એક વૃદ્ધ દાદા પોતાના પૌત્રને પૂર્વજોની વાર્તાઓ કહે છે, ત્યારે તે માત્ર યાદોનું સ્મરણ નથી કરતા, પરંતુ આગામી પેઢીને સાંસ્કૃતિક મૂલ્યો અને ઓળખનો વારસો પણ આપે છે.
શ્રાદ્ધનું સામાજિક અને માનસિક મહત્વ
આ પરંપરા પરિવારના સભ્યોને એકઠા કરે છે, જે આધુનિક યુગના વ્યસ્ત અને શહેરી જીવનમાં ભાગ્યે જ શક્ય બને છે. આ પ્રસંગે સગા-સંબંધીઓ એકઠા થઈને જૂની યાદો તાજી કરે છે, પૂર્વજોના જીવનસંઘર્ષો અને મૂલ્યોની ચર્ચા કરે છે, સંબંધો તાજા કરે છે. આ રીતે શ્રાદ્ધ એક સાંસ્કૃતિક ઉત્સવ બની જાય છે, જે પરિવારની એકતા અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. આ પરંપરા અંધશ્રદ્ધાયુક્ત હિંસક રિવાજો કે અનૈતિક પ્રથાઓથી મુક્ત છે, અને તે સંપૂર્ણપણે શાંતિ, સાત્વિકતા અને માનવીય સંવાદિતા પર આધારિત છે.
વૈશ્વિક પરંપરાઓ: પૂર્વજ સન્માનની વૈવિધ્યસભર અભિવ્યક્તિઓ
મેક્સિકો: દિયા દે લોસ મુએર્તોસ – જીવન અને મૃત્યુની રંગીન ઉજવણી. દિયા દે લોસ મુએર્તોસ (ડે ઓફ ધ ડેડ), 1લી અને 2જી નવેમ્બરે ઉજવાતો મેક્સિકોનો રંગબેરંગી તહેવાર છે, જે એઝટેક પરંપરા અને કેથોલિક ખ્રિસ્તી ધર્મનું સંગમ દર્શાવે છે. તેનો હેતુ મૃત પ્રિયજનોની આત્માઓનું સ્વાગત કરવો અને તેમની યાદોને આનંદદાયક રીતે ઉજવવો છે. મેક્સિકન સંસ્કૃતિ મૃત્યુને જીવનના ચક્રનો ભાગ ગણે છે, અને સજાવટ, સંગીત, નૃત્ય તથા ખોરાક દ્વારા તેને હળવાશ અને હાસ્ય સાથે સ્વીકારે છે. નિષ્ણાત સ્ટેન્લી બ્રાન્ડેસ નોંધે છે કે દિયા દે લોસ મુએર્તોસ મૃત્યુને જીવનના ચક્રનો ભાગ રજૂ કરે છે, જે શ્રાદ્ધની શાંત પવિત્રતા કરતાં અલગ હોવા છતાં આધ્યાત્મિક જોડાણમાં સમાન છે. આ તહેવારનું હૃદય છે ઓફ્રેન્ડા (વેદી) – જેમાં મૃતકોના ફોટા, મેરીગોલ્ડ ફૂલો, મીણબત્તીઓ, ધૂપ, ખાંડની ખોપરીઓ (કેલેવેરા) અને પેન દે મુએર્તો, તામાલેસ, મોલે જેવા ખોરાક અર્પણ થાય છે. પરિવારો કબરોને ફૂલો, પેપેલ પિકાડોથી શણગારે છે અને પ્રાર્થના, ગીતો અને ભોજન સાથે સમય વિતાવે છે. દિયા દે લોસ મુએર્તોસ, યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે નોંધાયેલ છે.
યોરૂબા સંસ્કૃતિ: ઇગુંગુન ઉત્સવ : આફ્રિકાની યોરૂબા સંસ્કૃતિ, જે મુખ્યત્વે નાઇજીરીયા, બેનિન અને ટોગોમાં વસે છે, ઇગુંગુન ઉત્સવ દ્વારા પૂર્વજોનું સન્માન કરે છે.
- Advertisement -
પૂર્વજોને આધ્યાત્મિક શક્તિઓ તરીકે માનવામાં આવે છે, જે તેમના વંશજોનું રક્ષણ કરે છે
યોરૂબા માન્યતા અનુસાર, પૂર્વજો-જેને એગન (ઊલીક્ષ) અથવા આરા ઓરન (આકાશના રહેવાસી) કહેવાય છે-જીવંત લોકોના જીવનમાં સક્રિય ભૂમિકા ભજવે છે. પૂર્વજોને આધ્યાત્મિક શક્તિઓ તરીકે માનવામાં આવે છે, જે તેમના વંશજોનું રક્ષણ કરે છે, માર્ગદર્શન આપે છે, શિક્ષણ પણ આપે છે. ઇગુંગુન ઉત્સવ એક રંગબેરંગી, નૃત્ય-સંગીતથી ભરપૂર અને આનંદદાયક પ્રસંગ છે, જેમાં પૂર્વજોની આત્માઓનું સ્વાગત કરે છે. યોરૂબા ધર્મના અભ્યાસુ જોન પેમ્બર્ટન ઇગુંગુનને “પૂર્વજોની સતત હાજરી અને સમુદાયના જીવનમાં તેમની સક્રિય ભૂમિકાનું પ્રતીક” તરીકે જુએ છે.
મુખ્ય વિધિઓ
ઇગુંગુન નૃત્ય: આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે માસ્ક પહેરેલા નર્તકો, જે રંગબેરંગી ઝભ્ભાઓ અને લાંબા પોશાકોમાં સજ્જ હોય છે જે નૃત્ય વડે સમુદાયની વચ્ચે પૂર્વજોની હાજરીનું પ્રતીક બનાવે છે. પૂર્વજોને યામ, મકાઈ, પામ વાઇન અને કોલા નટ અર્પણ કરવામાં આવે છે. બકરી કે મરઘી જેવા પ્રાણીઓનું બલિદાન પણ આપવામાં આવે છે.
ચીન: ક્વિન્ગમિંગ ફેસ્ટિવલ
ચીનનો ક્વિન્ગમિંગ ફેસ્ટિવલ, જેને ટોમ્બ-સ્વીપિંગ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, એપ્રિલ માસમાં ઉજવાય છે. આ તહેવાર પૂર્વજોની શાંતિ માટે સમર્પિત છે. લોકો કબરોની સફાઈ કરે છે, ફૂલો, ધૂપ અને ખોરાક (જેમ કે ચોખા, ફળો અને મીઠાઈઓ) અર્પણ કરે છે. એક વિશિષ્ટ પ્રથા છે જોસ પેપર (નકલી નાણાં અથવા અન્ય વસ્તુઓના કાગળના મોડેલ) બાળવાની, જેનો હેતુ પૂર્વજોની આત્માઓને આધ્યાત્મિક વિશ્વમાં સંપત્તિ અને સુખ આપવાનો છે. આ પરંપરા ક્ધફ્યુશિયનિઝમ અને તાઓવાદની ફિલસૂફીઓ પર આધારિત છે, જે પૂર્વજોના આદર અને પરિવારની નૈતિક જવાબદારી પર ભાર મૂકે છે.
આ દિવસે લોકો પૂર્વજોનું સન્માન ઉપરાંત પ્રકૃતિ સાથે પણ જોડાય છે, કારણ કે આ તહેવાર વસંતઋતુના આગમન સાથે સંકળાયેલ છે.
જાપાન: ઓબોન ફેસ્ટિવલ
જાપાનનો ઓબોન ફેસ્ટિવલ બૌદ્ધ પરંપરા અનુસાર ઓગસ્ટ માસમાં ઉજવાય છે. આ તહેવાર દરમિયાન, લોકો માને છે કે પૂર્વજોની આત્માઓ તેમના ઘરે પાછી ફરે છે. આ ઉજવણીમાં ઘરોમાં દીવા (ચોચિન) પ્રગટાવવામાં આવે છે, જે આત્માઓને માર્ગદર્શન આપે છે. લોકો કબરોની સફાઈ કરે છે અને ફૂલો, ધૂપ અને ખોરાક અર્પણ કરે છે. અહીં એક વિશિષ્ટ વિધિ છે ટોરો નાગાશી, જેમાં નદીમાં તરતા દીવા મૂકવામાં આવે છે, જે આત્માઓને તેમના આધ્યાત્મિક વિશ્વમાં પાછા ફરવાનો માર્ગ બતાવે છે. ઓબોન નૃત્ય (બોન ઓડોરી) પણ આ તહેવારનો મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં સમુદાય એકઠો થઈને પરંપરાગત નૃત્યો કરે છે. ઓબોનમાં શ્રાદ્ધની જેમ પવિત્ર વિધિઓ હોય છે, પરંતુ તેમાં સામુદાયિક ઉજવણી અને નૃત્ય-સંગીતનો સમાવેશ તેને વધુ ઉત્સવમય બનાવે છે.
દક્ષિણ કોરિયા: ચુસેઓક
ચુસેઓક દક્ષિણ કોરિયાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ચંદ્ર કેલેન્ડરના આઠમા મહિનાની પૂર્ણિમાએ ઉજવાય છે. આ તહેવાર મૂળરૂપે લણણીની ઉજવણી સાથે સંકળાયેલો હોવા છતાં, તે પૂર્વજોના સન્માનનો પણ એક મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે. ચાર્યે નામની વિધિમાં પરિવારો ઘરે વેદી બનાવે છે અને પૂર્વજોને ખોરાક (જેમ કે સોંગપ્યોન-ચોખાની મીઠાઈ) અને ફળો અર્પણ કરે છે. લોકો કબરોની સફાઈ કરે છે અને પૂર્વજોની આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરે છે.
ચુસેઓક પરિવારની એકતા અને સામાજિક બંધનોને મજબૂત કરે છે. આ તહેવાર શ્રાદ્ધની જેમ પૂર્વજોના આદર પર ભાર મૂકે છે, પરંતુ તેનું લણણી સાથેનું જોડાણ તેને વધુ વ્યાપક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ આપે છે
યુરોપ: ઓલ સોલ્સ ડે
યુરોપના કેથોલિક દેશોમાં, 2જી નવેમ્બરે ઓલ સોલ્સ ડે ઉજવવામાં આવે છે, જે મૃતકોની આત્માઓની શાંતિ માટે સમર્પિત છે. આ દિવસે લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે, માસ (પ્રાર્થના સભા)માં ભાગ લે છે અને કબરો પર ફૂલો, મીણબત્તીઓ અને પ્રાર્થનાઓ અર્પણ કરે છે. કેથોલિક ધર્મ અનુસાર, આ દિવસે કરવામાં આવતી પ્રાર્થનાઓ આત્માઓને પર્ગેટરી (શુદ્ધિકરણનું સ્થાન)માંથી મોક્ષ તરફ લઈ જાય છે.
ઓલ સોલ્સ ડે શ્રાદ્ધની જેમ શાંતિપૂર્ણ ઉજવણી છે, પરંતુ તેનું ખ્રિસ્તી ધર્મના સંદર્ભમાં અલગ મહત્વ છે. આ દિવસે યુરોપના ઘણા દેશોમાં શાંત અને ધ્યાનાત્મક વાતાવરણ હોય છે, જે પૂર્વજોની યાદોને આદર આપે છે. કેટલાક દેશોમાં, જેમ કે ઇટાલી અને સ્પેન, લોકો વિશેષ ખોરાક (જેમ કે પેન દે લોસ મુએર્તોસની જેમ મીઠાઈઓ) બનાવે છે અને પરિવાર સાથે વહેંચે છે. પોલેન્ડ અને હંગેરીમાં કબ્રસ્તાનો દીવા અને મીણબત્તીઓથી ઝગમગી ઉઠે છે, જેને પ્રકાશ સમર્પણ માનવામાં આવે છે. ઇટાલી અને સ્પેનમાં લોકો ખાસ મીઠાઈઓ અને ખોરાક તૈયાર કરીને પરિવાર સાથે વહેંચે છે, જે સામૂહિક સ્મૃતિ અને એકતાનું પ્રતિક છે. ફ્રાન્સમાં લોકો પોતાના પ્રિયજનોની કબર પર ક્રિસેન્થેમમના ફૂલ મૂકે છે, જે સ્મૃતિ અને માનનું ચિહ્ન છે.
આફ્રિકન સંસ્કૃતિઓ
મેડાગાસ્કર – ફામાડિહાના: મેડાગાસ્કરની માલાગાસી સંસ્કૃતિમાં ફામાડિહાના (અસ્થિ-વળાંકનો ઉત્સવ) એ એક અનન્ય પરંપરા છે, જેમાં મૃતકોના અવશેષોને કબરમાંથી બહાર કાઢીને નવા કપડામાં લપેટવામાં આવે છે. આ પ્રક્રિયા નૃત્ય, સંગીત અને ભોજન સાથે ઉજવણીના ભાગ રૂપે થાય છે. ફામાડિહાના પૂર્વજોને પરિવારનો અભિન્ન ભાગ માને છે અને તેમની હાજરીને જીવંત રાખે છે. આ પરંપરા મૃત્યુને ભયાનક ઘટના તરીકે નહીં, પરંતુ જીવનના ચક્રના ભાગ તરીકે જુએ છે.
આશાંતિ (ઘાના): આશાંતિ સમુદાયમાં અંતિમ સંસ્કાર ભવ્ય અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હોય છે. મૃતકના શરીરને શણગારવામાં આવે છે, અને નૃત્ય, સંગીત, અને અર્પણ દ્વારા તેમનું સન્માન થાય છે. આ પ્રક્રિયા સમુદાયની એકતા અને પૂર્વજોના આદરને પ્રોત્સાહન આપે છે.
ઝુલુ (દક્ષિણ આફ્રિકા): ઝુલુ સંસ્કૃતિમાં અંતિમ સંસ્કાર રંગબેરંગી અને ઉત્સવમય હોય છે, જેમાં નૃત્ય, ગીતો અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે વિધિઓનો સમાવેશ થાય છે. ઝુલુ લોકો માને છે કે પૂર્વજો (અમાદ્લોઝી) જીવંત લોકોના જીવનમાં માર્ગદર્શન અને રક્ષણ આપે છે.
પૂર્વજોની સ્મૃતિઓમાં ઉજવાતી ઉપરોકત પરંપરાઓ દર્શાવે છે કે પૂર્વજોનું સન્માન માનવ સંસ્કૃતિની સાર્વત્રિક ભાવના છે. નૃવંશશાસ્ત્રી રોબર્ટ હર્ટ્ઝના મતે, પૂર્વજોનું સન્માન “સમાજની સામૂહિક યાદશક્તિ અને ઓળખનું પ્રતિબિંબ” છે.



