ક્ષત્રિય સમાજને પરંપરાગત પોશાકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ચંદ્રસિંહજી સ્ટડી સર્કલની અપીલ
શસ્ત્રપૂજન અને શોભાયાત્રાના કાર્યક્રમની માહિતી આપવા રાજદિપસિંહ(રાજાભાઇ)-વાવડી, ભરતસિંહ જાડેજા-વાગુદડ, સત્યજીતસિંહ જાડેજા-કાળીપાટ, આદિત્યસિંહ ગોહિલ-ખીજડીયા અને જયદેવસિંહ જાડેજા-રીબ ખાસ-ખબરની મુલાકાતે આવ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે ક્ષાત્રપર્વ વિજયાદશમીના રોજ રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજની શસ્ત્રપૂજન-શોભાયાત્રા ભવ્ય રીતે નીકળશે. ચંદ્રસિંહજી(ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા સતત 49 વર્ષથી રાજકોટ શહેરમાં યોજાતા વિજયાદશમી પર્વ શસ્ત્રપૂજન, શોભાયાત્રા સમગ્ર શહેરીજનો માટે પણ એક ઝાંખી બની રહે છે. પરંપરાગત રાજપુતી પોશાકો સાથે શોભાયાત્રા હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયથી પેલેસ રોડ ખાતે આશાપુર મંદિર ખાતે પહોંચશે. ત્યાં માતાજીની આરાધના સાથે પૂજનવિધી કરાશે.
કાલે મંગળવારના રોજ વિજયાદશમી પર્વ નિમિત્તે રાજકોટ શહેર તથા આસપાસના ગામોમાં વસતા ક્ષત્રિય પરિવારના વડીલો, યુવાનો તથા અગ્રણીઓ રાજપુતપરા સ્થિત હરભમજીરાજ ગરાસીયા બોર્ડીંગ ખાતે એકત્રિત થશે. છાત્રાલય ખાતે સામુહિક શસ્ત્રપૂજન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, પૂજનવિધિ સાથેક કરાવશે. બપોરે ત્રણ કલાકે શસ્ત્રપૂજન બાદ શોભાયાત્રા નીકળશે.
રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજા, યુવરાજ જયદિપસિંહ જાડેજાની આગેવાનીમાં સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો સાથે વિશાળ સંખ્યામાં શોભાયાત્રાનો ઢોલ નગારા, શરણાઇ તેમજ અશ્વો, કેશરી ધ્વજ સાથે બપોરે 3 કલાક બાદ હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયથી આરંભ થશે. રજપૂતપરા મેઇન રોડ પરથી મ્યુનિસિપલ કોર્પોરેશન ચોક-ઢેબર રોડ-લાખાજીરાજ રોડ-ભુપેન્દ્ર રોડ સહિતના રાજમાર્ગો પરથી પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિર ખાતે પહોંચશે. આશાપુરા મંદિર ખાતે, માંના સાનિધ્યમાં રાજ પરિવાર દ્વારા પૂજનવિધિ કરાશે. પૂજનવિધિ પૂર્ણ થયા બાદ રણજીત વિલાસ પેલેસ પર સર્વે પહોંચશે. પેલેસ પર રાજ પરિવાર દ્વારા શસ્ત્રપૂજન, અશ્વપૂજન, ગાડીપૂજન, રથપૂજનના કાર્યક્રમો સાથે ક્ષત્રિય યુવકોના તલવારબાજીના કૌશલ્ય તેમજ બહેનો દ્વારા તલવાર રાસ સાથેની ક્ષાત્રશોર્યની કૃતિઓ રજૂ કરવામાં આવશે.
24/10/2023 મંગળવારના રોજ બપોરના 3 કલાકે ક્ષત્રિય સમાજના શસ્ત્રપૂજન, શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનોએ પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહેવા ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલની કાર્યવાહક સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ સાથે અપીલ કરવામાં આવે છે.