સતત વરસાદને પગલે દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાના ગસુઆપારા વિસ્તારમાં ભૂસ્ખલન થયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે આવેલા પૂરમાં એક પરિવારના સાત સહિત 10 લોકોના મોત થયા હતા. સતત વરસાદને પગલે જિલ્લાના ગસુઆપારા વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
- Advertisement -
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે હટિયાસિયા સોંગમાના દૂરવર્તી ગામમાં ભૂસ્ખલન વખતે સાત લોકોનો પરિવાર તેમના ઘરની અંદર હતો. મૃતકોમાં ત્રણ સગીર સામેલ છે. મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાએ ગારો હિલ્સના પાંચ જિલ્લાઓની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે મુખ્ય પ્રધાને જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. દાલુના ત્રણ અને હટિયાસિયા સોંગમાના સાત લોકોના મોતની પુષ્ટિ થઇ છે. સંગમાંએ મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે બેઠક દરમિયાન સંગમાએ પુન:નિર્માણના પ્રયાસો માટે બેઇલી બ્રિજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. જેના કારણે ઝડપથી એસેમ્બલી અને પરિવહન શક્ય બની શકે.