કોણ કહે છે કે, હિન્દુ મંદિરો, સંપ્રદાયો અને સંતો કોરોના કાળમાં નિષ્ક્રિય છે?
કોરોના કાળમાં હિન્દુ સંપ્રદાયોએ ગુજરાતમાં બેશુમાર સેવાકાર્યો કર્યા છે, આ અહેવાલમાં તેની ઝલક માત્ર આપવામાં આવી છે…
સોમનાથ મંદિર ટ્રસ્ટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 50 લાખનું અનુદાન કર્યું
વિશ્ર્વ પ્રસિદ્ધિ સોમનાથ મંદીર ટ્રસ્ટે કોરોના દર્દીઓની સહાય માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 50 લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે તો લીલાવતી ગેસ્ટહાઉસનાં 72 રૂમ કોવિડ કેર સેન્ટર બનાવવા પ્રશાસનને આપ્યા છે. પ્રભાસપાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે 50 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી નિવડશે. વેરાવળ શહેર તથા આસપાસનાં ગામડાઓનાં લોકોને કોરોના સારવાર માટે ઓક્સિજનની જરૂરીયાત સમયે આ પ્લાન્ટના માધ્યમથી સરળતાથી ઓક્સિજન મળી શકશે. આ ઉપરાંત દરરોજ કોરોના પોઝિટિવ હોય અને હોમ આઈસોલેશનમાં હોય તેવા વ્યક્તિઓને ટીફીન મારફતે ભોજન પહોચાડવામાં આવે છે.
- Advertisement -
કોરોના મહામારીની બીજી લહેરમાં ધાર્મિક સંસ્થાઓ અને તેના વડાઓએ આગળ વધી દાનની સરવાણી વહેડાવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે વિવિધ ધર્મ સંપ્રદાયો અને સંતો-મહંતો લાખો-કરોડો રૂપિયાનું દાન કરી રહ્યાં છે. કોરોનાની કટોકટીભરી સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ઉત્તમ સારવાર અને શ્રેષ્ઠત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક સંસ્થાઓ અને તેમના વડાઓ ખંભેખભા મીલાવીને અપ્રિતમ કામગીરી કરી રહ્યાં છે. કોરોનાકાળની બીજી લહેરમાં બેડ, ઓક્સિજન, ઈન્જેકશન, મેડિસીન, માસ્ક, ફૂડ, ફ્રૂટ, ઉકાળા વગેરેની વ્યવસ્થાઓ કરવામાં વિવિધ ધર્મ સંપ્રદાયો અને સંતો-મહંતોનો ફાળો બહુમૂલ્ય છે.
દેશભરમાંથી વારંવાર સેક્યુલરો દ્વારા એવો સૂર ઉઠતો આવ્યો છે કે મંદિરો, ધર્મસ્થાનો, ધાર્મિક સંસ્થાઓ પાસે એકઠું થયેલું ભંડોળ સરકારે પોતાના હસ્તગત કરી લેવું જોઈએ. ઘણા નાસ્તિકો એવું કહેતા હોય છે કે મંદિરોમાં દાન કરવું ન જોઈએ. ધાર્મિક સંપ્રદાયો અને તેમના સંતો-મહંતોને એક ચોક્કસ વર્ગ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરી હેરાન-પરેશાન પણ કરવામાં આવે છે પરંતુ આજે સમગ્ર વિશ્ર્વ જ્યારે મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે નાત-જાત, જ્ઞાતિ-જાતિ, વાડા-સીમાડાનાં ભેદભાવ વિના વિવિધ ધાર્મિક સંપ્રદાયો અને સંતો-મહંતોએ આગળ આવી કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદ કરી રહ્યાં છે. મોટા શહેરો હોય કે નાના ગામડાઓ હોય કે વિદેશનું કોઈ સિટી.. અત્ર, તત્ર, સર્વત્ર સ્થપાયેલી ધાર્મિક સંસ્થાઓ અને તેમના વડાઓએ સેવા-સહાયતા માટે હાથ લંબાવ્યો છે, છૂટા હાથે દાન કર્યું છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં ધર્મસ્થાનકો અને સંતો-મહંતો દ્વારા કોરોનાની બીજી લહેરમાં દાનની સરવાણી વહેવડામાં આવી છે. આજે દરેક ધાર્મિક સંસ્થાનાં સભ્યો, અનુયાયીઓ કોરોના મહામારી વિરુદ્ધની જંગમાં તન-મન-ધનથી જોડાઈ ગયા છે. કોરોનાકાળમાં ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હરેક વ્યક્તિની કામગીરીની બહોળા પ્રમાણમાં નોંધ લેવાઈ રહી છે અને દર્દી નારાયણનાં આશીર્વાદ મળી રહ્યાં છે. આપણી ઘરતી ધન્યવાન અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે અહીં સ્વાર્થવૃત્તિ વિના સેવા કરનારા ઈશ્ર્વરનાં અંશ હાજરાહાજૂર છે. આવી જ કેટલીક સેવાર્થી ધાર્મિક સંસ્થાઓ અને તેમના સંતો-મહંતોની કામગીરી જાણી મંદિરોમાં લખાવેલું દાન ફોગટ થયાનો અફસોસ નહીં થાય. ધાર્મિક સંસ્થાઓમાં લખાવેલો ચાંલ્લો ચવાઈ ગયો એમ નહીં લાગે અને તમને પણ હિંદુ હોવાનો ગર્વ થશે.
- Advertisement -
મોરારિબાપુએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરી
જાણીતા રામ કથાકાર મોરારીબાપુએ અમરેલી-ભાવનગરનાં રાજૂલા, સાવરકૂંડલા, મહૂવા અને તળાજા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 1 કરોડની સહાય કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મોરારીબાપુએ તલગાજરડા ચિત્રકૂટધામ હનુમાનજીનાં પ્રસાદીરૂપે – તુલસીપત્ર રૂપે રૂ. 5 લાખનો ચેક સેવામાં મૂકવાની જાહેરાત કરી છે. વધુમાં સાવરકુંડલા, મહૂવા, તળાજા, રાજૂલા અને ભાવનગરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે રૂ. 25-25 લાખ એમ કરીને કુલ રૂ. 1 કરોડની સહાય રાશિ જાહેર કરવામાં આવી છે.
કોરોનાકાળની બીજી લહેરમાં બૅડ, ઑક્સિજન, ઈન્જેકશન, મેડિસિન, માસ્ક, ફૂડ, ફ્રૂટ, ઉકાળા વગેરેની વ્યવસ્થાઓ કરવામાં વિવિધ ધર્મ સંપ્રદાયો અને સંતો-મહંતોનો ફાળો બહુમૂલ્ય છે.
VYO રાજ્યમાં 12 સ્થળે 10 ઓક્સિજનના પ્લાન્ટ નિર્મિત કરશે
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજકોટ શહેરની કેન્સર કોવિડ હોસ્પિટલ અને યુનિવર્સિટી કોવિડ સેન્ટર ખાતે 36 લાખનાં ખર્ચે 2 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. વડોદરામાં 4 ઓક્સિજન પ્લાન્ટ બનાવશે. 1.26 કરોડના ખર્ચે 10 ટન ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ નિર્મિત કરશે. માત્ર 10 દિવસમાં પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ એસએસજી હોસ્પિટલમાં ઊભો કરવામાં આવશે. વીવાયઓ દ્વારા 4 ઓક્સિજન પ્લાન્ટના પ્રોજેક્ટ નક્કી કરાયા છે. એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં આશરે 90 લાખના ખર્ચે 4-4 ટનના ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે. આ પ્લાન્ટ 1 કલાકમાં 25 હજાર લિટર ઓક્સિજનનું નિર્માણ કરશે. આ સાથે નરહરી હોસ્પિટલમાં 1 ટનનો અને વ્રજધામ આધ્યાત્મિક કોવિડ સેન્ટરમાં 1 ટનનો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાશે. બંને પ્લાન્ટ રૂા.36 લાખના ખર્ચે ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, નવસારી, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, જામનગર અને સાસણગીરમાં પણ વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનું કાર્ય ચાલુ છે. વીવાયઓ દ્વારા કોવિડ કેર ડ્રાઈવ સેવા અંતર્ગત 500 કોન્સનટ્રેટર મશીન તથા 25 વેન્ટીલેટર પ્રદાન કરવામાં આવ્યા છે જેમાંથી 250 ઓક્સિજન મશીન અને 15 વેન્ટીલેટર મશીન કોરોના દર્દીઓની સેવામાં કાર્યરત થઈ ચૂક્યા છે.
દ્વારકા જગત મંદિરે કોવિડ કેર સેન્ટર માટે 21 લાખનું દાન કર્યું
દ્વારકા જગત મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કોવિડ કેર સેન્ટર બનાવવા 21 લાખનું દાન અપાયું છે. આ સમયે લોકોને જરૂરી તબીબી અને અનુસંગિક સારવાર મળી રહે તે માટે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટમાંથી રૂપિયા એકવીસ લાખ તથા સુદામાસેતુ સોસાયટીના ભંડોળમાંથી રૂપિયા અગિયાર લાખ કલેકટર દેવભૂમિ દ્વારકાનાં ખાતામાં લોકોની સેવા માટે ફાળવવામાં આવ્યા છે. દ્વારકા જગત મંદિરનાં આ દાનથી સમગ્ર દ્વારકા જિલ્લાનાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાહત સાથે ફાયદો થશે.
વડતાલ સ્વામિનારાયણ મંદિર હોસ્પિટલમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું
સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર્દીઓને સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર સાથે મળી 100 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રાધામ વડતાલ ખાતે આવેલા મંદિર સંચાલિત સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં હાલ ઓક્સિજન સહિતની જરૂરી સુવિધા સાથે કોરોના દર્દીઓ માટે 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જો જરૂરિયાત ઉપસ્થિત થાય તો બેડની સંખ્યા વધારવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સ્વામિનારાયણ સંસ્થા વડતાલનાં બીજા રેસ્ટ હાઉસ અને હોલમાં પણ બેડ તૈયાર કરાશે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ 50 લાખનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે
પાવાગઢ સ્થિત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખ રૂપિયાનાં ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરીને આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે. આ પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે.
રાજકોટ નજીક સરધાર જેવા નાના ગામમાં પણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે
સ્વામિનારાયણ મંદિર-સરધાર દ્વારા નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી કોરાનાથી સંક્રમિત દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના આશયથી કોરાના રાહત સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. દર્દીઓના સગા સંબંધીઓને નિ:શુલ્ક ભોજનની સુવિધા પણ મંદિર તરફથી આપવામાં આવશે. અહીં ઓક્સિજન અને વેન્ટીલેટર સાથે કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. સરધાર આસપાસનાં ગામડાઓને આ કોરોના રાહત કેન્દ્ર શરૂ થતા ખૂબ જ ફાયદો થયો છે.
સ્વામી સચિદાનંદજીએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખનું દાન કર્યું
પેટલાદનાં દંતાલી ખાતે આવેલા ભક્તિનિકેતન આશ્રમનાં સંત સ્વામી સચ્ચિદાનંદએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે 35 લાખનાં દાનનો ચેક કલેકટરને સુપ્રત કર્યો છે. આ દાનથી સિવિલ હોસ્પિટલમાં યુદ્ધનાં ધોરણે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.
મોટા શહેરો હોય કે નાના ગામડાઓ હોય કે વિદેશનું કોઈ સિટી.. અત્ર, તત્ર, સર્વત્ર સ્થપાયેલી ધાર્મિક સંસ્થાઓ અને તેમના વડાઓએ સેવા-સહાયતા માટે હાથ લંબાવ્યો છે, છૂટા હાથે દાન કર્યું છે
રાજકોટ ગુરુકુળમાં 200 બેડ સાથે કોવિડ કેર તથા આઈસોલેશન સેન્ટર છે
સ્વામિનારાયણ ગુરુકળ-રાજકોટ દ્વારા કોવિડ કેર તથા આઈસોલેશન સેન્ટરનો પ્રથમ 200 બેડથી પ્રારંભ કરાયો છે. 500 વ્યકિતઓ માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. નજીકનાં સમયમાં ઓક્સિજન તથા વેન્ટીલેટર સાથે કોરોનાની સારવાર શરુ કરવાની ગોઠવણ કરાશે. જરુરીયાત જણાતા 600 બેડ સુધીની વ્યવસ્થા થઈ શકશે. ગુરુકુળ દ્વારા સવારે ચા-નાસ્તો, બપોરે-સાંજે ભોજન પ્રસાદ, ફ્રૂટ, જયુસ, ઉકાળો, નાસ લેવા માટે મશીન, ગરમ પાણી, સવાર-સાંજ ડોકટરોની વિઝીટ વગેરે ઉપલબ્ધ રહે છે.
જૈન સંત નમ્રમુનિની પ્રેરણાથી કોરોનાગ્રસ્તો માટે દેશભરમાં અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યાં છે
પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અનેક સ્થળોએ કોવિડ કેર સેન્ટર અને કોરન્ટાઈન સેન્ટરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. અમદાવાદ, કલકત્તા, મુંબઈ, કાંદિવલી, ઘાટકોપર વગેરે જગ્યાએ ઓક્સિજન બેડયુક્ત કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા દર્દીની સારવાર કરવામાં આવે છે. રાજકોટમાં પણ જૈન સંત નમ્રમુનિજીની પ્રેરણાથી તમામ જ્ઞાતિ-જાતિનાં લોકો માટે હોમ આઈસોલેશન થયેલ પેશન્ટ માટે નિ:શુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. આ વ્યવસ્થામાં રાજકોટ સરદાનગર સંઘ તથા જૈનમ ગ્રુપ દ્વારા શ્રમદાન પરમદાન આપી રહેલ છે. આ ઉપરાંત અર્હમ ગ્રુપ દ્વારા જરૂરિયાત લોકોને ઓક્સિજન બોટલ નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સિવાય જામનગર, રાજકોટ અને મુંબઈમાં પૂજ્ય ગુરુદેવનાં ભક્તો દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના પરિવારને ફ્રૂટ, નારિયેળ પાણી અને મિનરલ વોટર વગેરેની નિ:શુલક સેવા આપી માનવતાના કાર્ય કરવામાં આવે છે. રાજકોટમાં જ કાનુડા મિત્ર મંડળના આર્થિક સહયોગથી કરણપરા વિસ્તારમાં આવેલ મેટ્રો હોટલ ખાતે જૈન વિઝન અને કાનુડા મિત્ર મંડળ દ્વારા નિ:શુલ્ક ક્વોરન્ટાઈન સેન્ટરની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જૈન વિઝનનાં સહયોગથી બે એમ્બ્યુલન્સ સેવા રાજકોટની જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. 5000 જેટલા જરૂરિયાતમંદ પરિવારનાં બેન્ક એકાઉન્ટમાં 5 હજાર રૂપિયાની પણ સહાય કરી છે.
સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગામડાઓમાં કોરોના અટકાવવા કોરોના સેવારથ શરૂ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની શાખા ગુરુકુલ તરવડા, અમરેલી ખાતે કોરોના સારવાર સેવારથ શરૂ કરાયો. રાજકોટ ગુરુકુળનાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ ખાતે વિનામૂલ્યે સારવાર તથા ભોજન પ્રસાદ સાથે કોરોના સારવાર કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં ફ્રી ઓફ ચાર્જમાં સારી એલોપથી દવાઓ, આયુર્વેદિક ઔષધી તથા મિથીલીન બ્લુ વગેરે સામગ્રીઓ આપી ઘરબેઠા દર્દીઓને આરોગ્ય સારવાર મળી રહી છે.
પોરબંદર સાંદીપનિ ગુરૂકુળ દ્વારા કોરોનાની સારવાર માટે 1 કરોડનું અનુદાન
પોરબંદરની સાંદિપની સંસ્થાનાં સ્થાપક અને જાણીતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ કરેલ 1 કરોડની સહાયથી શહેરની સરકારી કોવિડ હોસ્પિટલમાં કાયમી ધોરણે અંદાજીત 50 લાખનાં ખર્ચે 20 હજાર લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે વિદેશથી 20 જેટલી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, એક હજાર હ્યુમીડી ફાયર વીથ ફલો-મીટર મંગાવ્યા છે. ભાવસિંહજી હોસ્પિટલ ખાતે 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક બનાવ્યા બાદ હોસ્પિટલનાં ઉપરના ભાગે આવેલી ત્રણેય વિંગમાં 225 બેડ પર સીધો ઓક્સિજન પહોંચી શકશે. રમેશભાઈ ઓઝા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 20 કિલો રાશનકીટનું વિતરણ કરાશે.
અબુધાબીનું BAPS મંદિર ભારતને 440 Mt ઓક્સિજન સહિતની સામગ્રીમાં સહાયરૂપ બનશે
અબુધાબીમાં આવેલા સૌપ્રથમ હિન્દુ મંદિર બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા ભારતને ચાલુ સપ્તાહથી દર મહિને 440 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન ઉપલબ્ધ બનાવવા કામગીરી શરૂ કરાઈ છે. રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો ચાલુ સપ્તાહે ભારતમાં રવાના કરાશે. જેમાં 44 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન, 30000 લિટર મેડિકલ ઓક્સિજન, તથા 130 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનો સમાવેશ થાય છે.
રાજકોટનાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, રાશન કીટ અને ફળ વિતરણ
રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોનાનાં દર્દીઓ, પરિવારજનો તથા વોરિયર્સ માટેના રાહત કાર્યોનો પુન: પ્રારંભ કરવામાં આવ્યો છે. અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં માર્ગદર્શનમાં આશ્રમ દ્વારા દર્દીઓ માટે ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર અને શરીરમાં ઓક્સિજનું પ્રમાણ માપવા માટે ઓક્સિમીટર વગેરેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.