સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાતાની 3 સીટ સામે 12 ઉમેદવારો રેસમાં : કોંગ્રેસના 2, ભાજપના 10 ઉમેદવારો વચ્ચે સીધો જંગ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં નો રિપીટ થીયરી અમલ થવાની ભીતિએ સિન્ડિકેટ સભ્યોએ પોતાનું સેનેટ પદ બચાવવા માટે છેલ્લા એક મહિનાથી દોડધામ શરૂ કરી છે. સરકાર માન્ય કે અન્ય કોઈ જગ્યાએ રિપીટ ન થઇ શકાય તો દાતાની સુરક્ષિત સીટ પર ભાગબટાઇથી ચૂંટાઈ જવા માટે તખતો ગોઠવાઈ ગયો છે. જેમાં ત્રણ સીટ સામે 12 ઉમેદવારો રેસમાં ચાલી રહ્યા છે. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 10 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સેનેટની ચૂંટણીમાં મતદાતાની નોંધણી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ યાદી પણ જાહેર કરવામાં આવી છે. જે માટે આગામી 31 જાન્યુઆરી સુધી સુધારા વધારા માટે સમય પણ આપવામાં આવ્યો છે. જુદા જુદા 7 કેટેગરીમાં સેનેટની ચૂંટણી થવાની છે. દાતાની કુલ 3 સીટનો સમાવેશ થાય છે. દાન આપે તેને દાતા તરીકે લેવામાં આવે છે અને 43 લોકોના નામ મતદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે પણ દાન આવે તેને સિન્ડિકેટ મંજૂરી આપે પછી તે મતદાતા તરીકે નોંધાય છે.