જૂના 7/12માં 2.09 એકર જમીન અચાનક 1-23-95 હેક્ટર થઈ ગઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડની રાફડો ફાટ્યો છે જ્યાં જુઓ ત્યાં અધિકારીઓની મિલીભગતથી ખોટા પુરાવા ઊભા કરી જમીનોના કૌભાંડ આચરી ભૂમાફિયાઓ કરોડો કમાય છે. ત્યારે વધુ એક જમીન કૌભાંડના પુરાવા સામે આવ્યા છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે ફરી એક વખત ખેતી લાયક જમીન વધી જવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ભેચડાના તરફ ધાર તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં આવેલી ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ વર્ષ 1995/96માં 2.09 એકર હતું જે બાદ અચાનક આ જમીનમાં એટલો વધારો થયો કે હાલમાં આ ખેતી લાયક જમીનનું ક્ષેત્રફળ 1-23-95 હેક્ટર દર્શાવે છે. જ્યારે આ ખેતી લાયક જમીન વધવા અંગેનો સરકારી હુકમ અથવા નોંધ નથી જેથી જમીનનું ક્ષેત્રફળ વધી જવા પાછળ જમીન કૌભાંડ હોવાનું સ્પટપણે સાબિત થાય છે. ત્યારે કહેવાય છે કે જસાપર ગામે મોટાભાગની જમીનોને વધારવાના આખાય કૌભાંડને પર પડવા ભરાડા ગામનો એક શખ્સ માસ્ટર માઈન્ડ હતો. ત્યારે આ અગાઉ પણ જસાપર ગામની સર્વે નંબર 220 અને 362 વાળી ખેતી લાયક જમીનના કૌભાંડ અંગેની રજૂઆતો બાદ સરકારી તંત્ર દ્વારા વધારાની જમીન ખાલસા કરવામાં આવી હતી ત્યારે જસાપર ગામે ફરીથી જમીન વધારવાનું કૌભાંડ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.



