રાજકોટ જઝ ડિવિઝનને 10 બસની ફાળવણી કરાશે; નિગમ પ્રથમ તબક્કામાં કુલ 50 બસ ખરીદશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાએ સિટીબસ સેવામાં ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો સફળ પ્રયોગ કર્યા બાદ હવે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં પ્રદુષણ અટકાવવાના ભાગરૂપે ઇલેક્ટ્રીક બસ દોડાવવાની યોજના શરૂ કરાઇ છે જે અંતર્ગત પ્રાયોગિક ધોરણે કૃષ્ણનગર-વડોદરા રૂટ ઉપર હાલમાં બે ઇલેક્ટ્રીક બસ દોડાવાઇ રહી છે અને હવે ટુંક સમયમાં રાજકોટ-જામનગર વચ્ચે સૌરાષ્ટ્રની સર્વપ્રથમ ઇલેક્ટ્રીક બસ દોડાવવાની તૈયારી શરૂ કરાઇ છે, સંભવત: જુલાઇ માસથી આ બસ સેવા શરૂ થશે.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઇલેક્ટ્રીક બસ સેવા આગામી બે મહિનામાં મતલબ કે જુલાઇ મહિનાના અંત સુધીમાં શરૂ થઇ જશે. નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં કુલ 50 ઇલેક્ટ્રીક બસ ખરીદવામાં આવનાર છે. તે પૈકી બે બસ આવી ગઇ છે અને બાકીની 48 ઇલેક્ટ્રીક બસ જૂન મહિનાના અંત સુધીમાં આવી પહોંચનાર છે.આ 50 બસ પૈકી 10 ઇલેક્ટ્રીક બસની રાજકોટ એસટી ડિવિઝનને ફાળવણી કરાશે.રાજકોટ અને જામનગર બંને સ્થળોએ ઇલેક્ટ્રીક બસના ચાર્જિંગ માટે ચાર-ચાર મળી કુલ આઠ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવનાર છે.હાલમાં આ ચાર્જિંગ સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં રાજકોટ અને જામનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના વિવિધ રૂટ ઇલેક્ટ્રીક બસ દોડાવાશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આગામી દિવસોમાં તબક્કાવાર ઇલેક્ટ્રીક બસોની સંખ્યા વધારાશે.