રોઝુ પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે કારને ઉડાવી; દાદા, પુત્ર, પૌત્ર અને દાદીના કરુણ મોતથી પંથકમાં અરેરાટી
ગંભીર રીતે ઘાયલ 3 લોકોને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા; અકસ્માત સર્જી ફરાર ટેન્કર ચાલક સામે તપાસનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના રોઝુ હાઇવે પર ગુરુવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વારાહીનો ધાંચી મુસ્લિમ પરિવાર કચ્છ સ્થિત હાજીપીર દરગાહના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે રોઝુ ગામના પાટીયા પાસે કાળમુખા ટેન્કરે તેમની કારને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલાનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં કરૂણ મોત થયું હતું.
અકસ્માતમાં એક જ પરિવારની ત્રણ પેઢીનો સફાયો થઈ ગયો છે. મૃતકોમાં 77 વર્ષીય એમદભાઈ હસનભાઈ (દાદા), 47 વર્ષીય અક્ષર એમદભાઈ (પુત્ર), 46 વર્ષીય મદીનાબેન અક્ષરભાઈ (પુત્રવધૂ/દાદી) અને 25 વર્ષીય જાવેદભાઈ અક્ષરભાઈ (પૌત્ર) નો સમાવેશ થાય છે. આ ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર સાતલપુર સરકારી હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરૂણ અકસ્માતને કારણે વારાહી પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. એકસાથે પરિવારના ચાર સભ્યોની અર્થી ઉઠતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.



