15મીએ 2700થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે, કેમ્પમાં શહેરની અનેક સંસ્થાઓ, તમામ જ્ઞાતિઓ, જુદા-જુદા એસોસિએશન અને તમામ બ્લડ બેંકો જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના મોભી, બાન લેબ્સ લિ.ના ચેરમેન અને અનેક શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રહરી મૌલેશભાઈ ઉકાણીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે રાજકોટ શહેરમાં વિશ્ર્વબંધુ રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 15 ઓકટો.ને રવિવારના રોજ અમૃત ઘાયલ હોલ ખાતે 2700થી વધુ સમાજના તમામ વર્ગ, ધર્મ અને જ્ઞાતીના રક્તદાતાઓ વિશ્ર્વ બંધુત્વની ભાવનાથી જોડાય રક્તદાન કરશે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ દોશી અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટી ડી. વી. મહેતાની આગેવાનીમાં રાજકોટ સર્વધર્મ સમભાવ કોર કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના તમામ ધર્મ, જ્ઞાતિઓ અને ક્ષેત્રના સામાજીક આગેવાનો જોડાયા છે. મૌલેશભાઇ ઉકાણીની ષષ્ઠીપૂર્તી નિમિત્તે રાજકોટની જનતા સમગ્ર સમાજને એક વિશ્ર્વ બંધુત્વનો સંદેશો જાય એ ઉદ્દેશ્યથી આ મહારક્તદાન શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. ઉપરાંત આ સામાજીક કાર્ય દ્વારા એકત્રીત થયેલ રકત જરુરીયાતમંદ દર્દીઓ અને થેલેસેમીયાના દર્દી બાળકોના લાભાર્થે જીવનરક્ષક સાબીત થશે.
- Advertisement -
મૌલેશભાઇ ઉકાણીની રક્તતુલા કરાશે, પર્યાવરણ-અંગદાન-ચક્ષુદાન-વ્યસન મુક્તિ અંગે જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે
5000થી વધારે સંકલ્પ પત્રો ભરવામાં આવશે, ઉપરાંત પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવા તમામ રક્તદાતાઓ તેમજ મુલાકાતીઓને એક તુલસીના છોડની ભેટ આપવામાં આવશે
આ રક્તદાન કેમ્પમાં 2700થી વધુ રક્તદાતાઓ રાજકોટના યુનિવર્સીટી રોડ પર એસ.એન.કે સ્કૂલની બાજુમાં આવેલ અમૃત ઘાયલ હોલ ખાતે તા.15મી ઓક્ટોબર રવિવારના રોજ સવારે 7:30 થી 1:30 કલાક દરમ્યાન રકતદાન માટે એકત્રીત થશે.
- Advertisement -
આ મહારક્તદાન મહોત્સવમાં રાજકોટની શૈક્ષણિક, સામાજિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક, સેવાકીય અનેક સંસ્થાઓ જોડાનાર છે. તમામ ક્ષેત્રની નામાંકિત સંસ્થાઓ આ મહારક્તદાન મહોત્સવ સાથે જોડાય તેમના સભ્યો, શુભેચ્છકો, કાર્યકરોને આ રકતદાન શિબિર સાથે જોડી બહોળી સંખ્યામાં રકતદાન કરશે. આ રક્તદાન મહોત્સવ બાદ એકત્રીત રકતમાંથી મૌલેશભાઈ ઉકાણીની રક્તતુલા થવાની છે. આ રક્તદાન કેમ્પમાં શહેરની તમામ બ્લડ બેન્કો જેવી કે રાજકોટ વોલિયન્ટરી બેલ્ડ બેન્ક, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક, ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલિયન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક વગેરે જોડાશે.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ સર્વધર્મ સમભાવ કોર કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના તમામ ધર્મ, જ્ઞાતિઓ અને ક્ષેત્રના સામાજીક આગેવાનોને જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશ્ર્વ બંધુત્વ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે એક વિશ્ર્વ બંધુત્વ કાર્યકારી(વર્કિંગ) સમિતિનું પણ ગઠન કરવામાં આવેલું છે. મહારક્તદાન શિબિરમાં રાજકોટ શહેરની તમામ શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, સેવાકીય તેમજ આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓ જોડાનાર છે. આ ઉપરાંત તમામ ધર્મો, તમામ જ્ઞાતિ, તમામ સમાજના લોકો જોડાનાર છે. આ રક્તદાન કેમ્પ કોઈપણ એક જ જ્ઞાતિ કે સમાજનો નહીં બની રહેતા સમગ્ર રાજ્ય અને સંભવત ભારતભરમાં પ્રથમ વખત સર્વજ્ઞાતીય અને સર્વધર્મ રક્તદાન કેમ્પનું આયોજન રાજકોટ શહેર ખાતે થવા જઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમ દ્વારા રાજકોટ શહેર સમગ્ર ગુજરાત અને દેશમાં વિશ્ર્વબંધુત્વ, વસુધૈવ કુંટુંબકમ, અને સર્વ ધર્મ સમભાવનો સંદેશ સૌને મળશે. આયોજન સમીતી દ્વારા આ મહારકતદાન કેમ્પમાં જોડાવા સૌ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા, મનીષભાઈ માદેકા, મુકેશભાઈ શેઠ, પરાક્રમસિંહ જાડેજા, ડો. ગીરીશભાઈ ભીમાણી, જગદીશભાઈ કોટડીયા, ભરતભાઈ ગજીપરા, જયેશભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, ગુણવંતભાઈ ડેલાવાળા સહિતનાની આગેવાનીમાં વિશ્ર્વ બંધુત્વ કાર્યકારી (વર્કિંગ) સમિતિના સભ્યો અનુપમભાઇ દોશી, કલ્પેશભાઈ પટેલ, રવિભાઈ ચાંગેલા, સહદેવભાઈ ડોડીયા, જયદીપભાઇ કાચા, કિશોરભાઈ રાઠોડ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ રક્તદાન કેમ્પ બાદ ષષ્ઠીપૂર્તીના કાર્યક્રમના ભાગરુપે મૌલેશભાઈ ઉકાણીની રક્તતુલા પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રક્તદાનની સાથે સાથે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખી અંગદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે અંગેની જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. તેમજ 5000થી વધારે સંકલ્પ પત્રો ભરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવા તમામ રક્તદાતાઓ તેમજ મુલાકાતીઓને એક તુલસીના છોડની ભેટ આપવામાં આવશે. સાથે જ વ્યસન મુક્તિ અંગેનું માર્ગદર્શન અને તે અંગેની જાગૃતિ કેળવવાના કાર્યક્રમો પણ કરવામાં આવશે.