સરગમ ફૂડનાં માલિકોની દાદાગીરી
જીજ્ઞેશ ધ્રુવે સોડમ નામની રેસ્ટોરન્ટ શરૂ કરી તો તેની ધોલાઈ કરાવી હેરાન કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા નાનામાં નાનું દબાણ છોડતી નથી. જ્યારે પણ ચેકિંગમાં નીકળે ત્યારે રોડ રસ્તા પર પર બેઠેલા નાના વેપારી અને શાકભાજીવાળા જોવે ત્યારે ખેદાન મેદાન કરી નાખે છે. અરે એ તો ઠીક દબાણ માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને ઓટલા, રેકડી, છાપરા ઉડાડી દે છે. ત્યારે આ જ મહાનગરપાલિકાને સરગમ ફૂડ્સનું મોટું દબાણ કેમ નથી દેખાતું. શહેરના કસ્તુરબા માર્ગ પર આવેલા બિલખા પ્લાઝામાં સરગમ ફૂડે બિલ્ડિંગની પાર્કિંગની જગ્યા પચાવી પાડી છે. રાજકોટ મહાનગર પાલિકાને બિલખા પ્લાઝાના કેટલાક મિલકત ધારકોએ અરજી કરીને ગેરકાયદે ખડકલો દૂર કરવા માટે રજૂઆત કરી છે.
બિલખા પ્લાઝાની વાત કરીએ તો ત્યાં ઘણી બધી ઓફિસો તથા મિલકતો આવેલી છે. જેના મુલાકાતીઓએ તેમના વાહન બહારની બાજુ પાર્ક કરવા પડે છે. સરગમ ફૂડે માર્જિનની જગ્યામાં પણ ખોદકામ કરેલું છે. બિલખા પ્લાઝાના એન્ટ્રી ગેટ પર સરગમ ફૂડે કબજો જમાવી આસપાસની ખુલ્લી જગ્યામાં રેસ્ટોરન્ટ માટે સિટીંગ સ્પેસ ઉભુ કરી દેવાયું છે.
- Advertisement -
નાના-નાના દબાણને ફટાક દૂર કરતી મનપાને સરગમ ફૂડ્સે પચાવી પાડેલી જગ્યા નથી દેખાતી
સંચાલકો બિલ્ડિંગના મિલકતધારકોને પણ પાર્કિંગ કરવા દેતા નથી, દબાણ હટાવ શાખાની મીઠી નજર હેઠળ ધંધો કરતા સરગમ ફૂડના સંચાલકો
સરગમ ફૂડના લીધે બિલખા પ્લાઝામાં ગંદકી અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એટલું જ નહીં સરગમ ફૂડમાં મફત નાસ્તા કરવાની લાલચે કેટલાક મિલકત ધારકો આ સરગમ ફૂડને સમર્થન આપી રહ્યા છે. જે મુદ્દે પણ રાજકોટ મનપાને અરજી કરી છે. સરગમ ફૂડના સંચાલકો બિલ્ડિંગના મિલકતધારકોને પણ પાર્કિંગ કરવા દેતા નથી. અને તેમની દાદાગીરી એટલી છે કે, અન્ય ફાસ્ટફૂડ કે ખાણીપીણીના ધંધાર્થીને અહીં ટકવા દેતા નથી. યેનકેન પ્રકારે હેરાન કરીને ત્યાંથી ભગાડી મુકે છે. સરગમ ફૂડ દ્વારા કોઈ પાર્કિંગની કે અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી ન હોય તેના દબાણને કારણે કસ્તુરબા માર્ગ પર ટ્રાફિકજામ સર્જાય છે. બિલખા પ્લાઝા અને આસપાસના વિસ્તારના રહીશોથી લઈ સૌ કોઈ સરગમ ફૂડની ગેરકાયદે દબાણ કરી ચોરી પર સીનાજોરીની દાદાગીરીથી તોબા પોકારી ઉઠ્યા છે. સરગમ ફૂડના મોટા નામ સાથે થતા ખોટા કામ પર તંત્રની તવાઈ જરૂરી છે. તેની વિરુદ્ધ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક અરજીઓ કરવામાં આવી છે છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી તેથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સમગ્ર મામલે અંગત રસ દાખવી કડક પગલાં ભરે તે જરૂરી છે. મહાનગરપાલિકાને સરગમ ફૂડનું દબાણ કેમ નથી દેખાતું. શું દબાણ હટાવ શાખા ફક્ત નાના વેપારી પૂરતી જ સિમિત છે..? શું તેમના અધિકારીઓની કોઈની સરગમ ફૂડના માલિક સાથે સાંઠગાંઠ થઈ છે..? સ્પેશિયલ દબાણ હટાવવાની ડ્રાઈવ યોજતી મનપાને બે વર્ષ પહેલા અને હાલમાં જ દબાણ હટાવવા માટે અરજી કરેલી છે પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
જ્યાં ભગવાનના ફોટા છે ત્યાં કચરો ફેંકે છે
બિલખા પ્લાઝામાં જ્યાં પિલ્લર છે તેમાં ભગવાન હનુમાન અને ગણેશના ફોટા લગાવાયેલા છે. ત્યાં કચરાની ટોપલીઓ મુકેલી છે. લોકો નાસ્તો કરીને ત્યાં કચરાઓ ફેકે છે. ભગવાનના ફોટા જ્યાં લગાવવામાં આવ્યા છે ગંદકી અને એંઠવાડ ફેંકી રહ્યા છે જેને લઈને લોકોની લાગણી પણ દુભાઈ રહી છે. સરગમ ફૂડના સંચાલકોને ખબર જ છે કે, પિલ્લર પર ભગવાનના ફોટાઓ મુકેલા છે ત્યાં કચરા ટોપલીઓ રાખે છે જેથી લોકો તેમાં કચરો ઠાલવે.
વર્ષ 2020માં દબાણ હટાવવા કરી હતી અરજી…છતાં કોઈ પગલાં લેવાયા નહીં
બિલખા પ્લાઝા ફ્લેટ ઓનર્સ એસોસિએશન દ્વારા વર્ષ 2020માં દબાણ હટાવવા માટે બે વખત અરજી કરી હતી તેને આજે 2 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતા પરિસ્થિતિ આજે પણ એ ની એ જ છે. અને જ્યારે અન્ય વેપારી કે, કોઈ રેકડી હોય તો દબાણ શાખા તાત્કાલિક પોતાનો રૌફ જમાવી ખાલી કરાવી દે છે. જ્યારે અહીં રાજકોટ મહાપાલિકાની દબાણ શાખાના અધિકારીઓ પાંદડુ પણ હલાવી શકતા નથી.
બોરમાંથી પાણી વાપરવાની મનાઈ
બિલખા પ્લાઝામાં સોડમ રેસ્ટોરન્ટ ચલાવતા જીજ્ઞેશ ધ્રુવે ખાસ ખબરને જણાવ્યું હતું કે, તેમને કોમન બોરમાંથી પાણી વાપરવા આપતા ન હતા. તા.20 એપ્રિલના રોજ 25 હજાર મેઈન્ટેનન્સ પેટે આપેલા છે. એસોસિએશન હોવા છતાં ફકત પોતાના અંગત લાભ માટે સભ્યોની મંજૂરી વગર નવું એસોસિએશન ઉભું કરી અને સભ્યોને અદાલતમાં કેસ દાખલ કરવાની ધાકધમકી આપી મન ફાવતા ચાર્જ લગાડી તથા ફક્ત નીચે આવેલા એક રેસ્ટોરન્ટને જ લાભ થાય તેવા નિયમો બનાવી અંગત લાભ મેળવવામાં આવે છે. અમારી પાસે સૌથી વધુ 13 દુકાન હોવા છતાં અમોને કોમન પાર્કિંગમાં સ્કૂટર પણ પાર્ક કરવા દેવામાં આવતું નથી.
ધોકો લઈને ફરતા ડે.કમિશનર એ.કે. સિંહને ખુલ્લો પડકાર
સરગમ ફૂડના સંચાલકો જાણે મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા અને ડેપ્યુટી કમિશનર એ.કે. સિંહને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ કે, અમારૂં ગેરકાયદે દબાણ હટાવી જુઓ… ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.કે. સિંહ ધોકા લઈને દબાણ હટાવવા નીકળી જાય છે ત્યારે સરગમ ફૂડ દ્વારા કરાયેલા દબાણ હટાવવા તેઓ કેમ નથી પહોંચતા તે એક સવાલ છે.