પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા ગમેત્યારે હુમલો થવાના ભય હેઠળ જીવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર રશિયાની મદદ માગી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે પાકિસ્તાનની દરખાસ્તને ધ્યાનમાં લેતાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવનો ઉકેલ શોધવા મદદ કરવા સહમતિ દર્શાવી છે.
સર્ગેઈ લવરોવે પાકિસ્તાન સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ટેલિગ્રામ પર નિવેદન આપ્યું હતું કે, રશિયા કાશ્મીર ખીણના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ સર્જાયેલા તણાવને દૂર કરવા તૈયાર છે. જો ઈસ્લામાબાદ અને નવી દિલ્હી બંને રાજકીય સમાધાન માટે સહમતિ દર્શાવે તો રશિયા મદદ કરશે.
- Advertisement -
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેના પર ધ્યાન આપવું જરૂરી છે.
અગાઉ પણ મદદ માટે કરી હતી અપીલ
પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ અગાઉ પણ રશિયાના નાયબ વિદેશ મંત્રી આંદ્રે રૂદેનકો સાથે મુલાકાત કરી રશિયાને આ યુદ્ધ રોકવા અપીલ કરી છે. પાકિસ્તાનને સતત ભય છે કે, ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર યુદ્ધ કરી શકે છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત એક્શનમાં છે. તેણે અત્યારસુધી અનેક મોટા નિર્ણયો લીધા છે. તે સમયે રશિયાએ જવાબ આપ્યો હતો કે, તમે બંને દેશો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવો. પણ આ વખતે મદદની અપીલ પર રશિયા મધ્યસ્થી બનવા તૈયાર થયું છે.
- Advertisement -
રશિયાએ ભારત સાથે પણ કરી વાત
શુક્રવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં સર્ગેઈએ બંને પક્ષોને 1972ના શિમલા કરાર અને 1999ના લાહોર ઘોષણાપત્રની જોગવાઈઓને અનુરૂપ તણાવ ઘટાડવા આગ્રહ કર્યો હતો. જેમાં બંને દેશ ત્રીજા પક્ષની મધ્યસ્થી વિના દ્વિપક્ષીય રૂપે મુદ્દાઓ ઉકેલવાની જોગવાઈ છે.