‘હર ઘર તિરંગા’ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ
હાલ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ રાષ્ટ્રધ્વજનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનનાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અત્યાર સુઘીમાં એક લાખ રાષ્ટ્રધ્વજનું વેંચાણ થઈ ચૂક્યું છે. જો કે, શહેરમાં સ્ટોક ખૂબ જ લિમિટેડ હોવાથી રાષ્ટ્રધ્વજની કિંમતમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. કોટેચા ચોક, જિલ્લા પંચાયત ચોક ખાતે તિરંગો વેચવા ઉભેલા ફેરીયાઓ 50,80 અને 150 રૂપિયામાં રાષ્ટ્રધ્વજ વેચી રહ્યા છે.

રાષ્ટ્રપ્રેમથી પેટિયું રળતા બાળકો

પૈસા કમાવવાની આશાએ સાઈકલ રિક્ષામાં ત્રિરંગી ઝંડીનું વેચાણ
દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા દેશવાસીઓને ’હર ઘર તિરંગા’ અભિયાનમા જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે. જેને લઈને ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. હાલ ચોમેર દેશભક્તિનો માહોલ છવાયો છે. ત્યારે મુખ્ય માર્ગો પર નાના બાળકો રાષ્ટ્રધ્વજ વેચી રહ્યા છે. નાગરિકોના રાષ્ટ્ર પ્રેમથી કોઈને પેટિયું રળવાની તક પણ મળતી હોય છે. ઉપરની તસવીરમાં પૈસા કમાવવાની આશાએ સાઈકલ રિક્ષામાં ત્રિરંગી ઝંડી, ઝંડા અને ફુગ્ગાનું વેચાણ કરતા નાના ધંધાર્થીઓના બાળકો વેચાણ કરી રહ્યા છે.

સિલ્વર હાઈટ્સ બિલ્ડિંગ પર તિરંગો લહેરાવાયો, એક કિ.મી. દૂરથી પણ રાષ્ટ્રધ્વજ દેખાય છે…
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ આજથી રાજકોટ શહેરના ઘર તેમજ ઓફિસ પર તિરંગો લહેરાઈ રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટના સિલ્વર હાઈટ્સ બિલ્ડીંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે. તિરંગો લગાવવા માટે અંદાજે 1 લાખના ખર્ચે આ આયોજન કરવામાં આવ્યું છે. જેની પાછળ પાંચ દિવસનો સમય લાગ્યો છે.