વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસે ગૃહમંત્રી અમિતભાઇ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું

કોરોનાની મહામારી વચ્ચે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસના કામોને વેગવંત રાખ્યા છે, તેઓ તેમણે આ માટે અભિનંદનને પાત્ર: ગૃહમંત્રી અમિતભાઈ શાહ

ગુજરાતનું પાટનગર ગાંધીનગર દેશભરમાં સમગ્ર શહેરમાં 365 દિવસ 24×7 પીવાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોચાડનારૂં પ્રથમ શહેર બનશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની વીડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક ઉપસ્થિતીમાં આ મહત્વાકાંક્ષી યોજનાનું ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યુ હતું. રૂ. રર૯ કરોડના ખર્ચે આકાર પામનારી આ યોજનાથી ગાંધીનગરના નાગરિકો પરીવારોને ર૪ કલાક પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા મળતું થશે. ગુજરાત માટે ગૌરવશાળી એવા આ પ્રોજેક્ટ નું ઇ ખાતમુહૂર્ત માટે ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ યોજનામાં ગાંધીનગરના નાગરિકોની પ્રતિદિન પાણીની જરૂરિયાત 150 લીટર ગણવામાં આવી છે જે પર્યાપ્ત છે. જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનું પૂરતું આયોજન આ યોજનામાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરનો વિકાસ એ આપણું સામૂહિક સ્વપ્ન છે. ગાંધીનગરને આદર્શ મતક્ષેત્ર બનાવવાના સઘળા પ્રયત્નો કરવાની તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અમિતભાઈ શાહે કહ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસના કામોને વેગવંત રાખ્યા છે. તેમણે આ માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને પંચામૃત પર્વ તરીકે ઉજવીને પાંચ વિકાસકામોની ભેટ ધરવા બદલ અમિતભાઈ શાહે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સર્વસ્પર્શી વિકાસનો મંત્ર આપીને સમગ્ર દેશને નવો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આજે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના ૬૦ કરોડથી વધારે ગરીબોને સારું જીવન આપવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાડા છ કરોડ ગુજરાતીઓ વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં તેમના નેતૃત્વમાં ભારતમાતા જગત જનની અને વિશ્વ ગુરુ બને એવી મંગલ કામના કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી એ સ્વરાજ્યની સ્થાપના માટે કામ કર્યું હતું, એવી જ રીતે ગુજરાતના બે સપૂતો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહની જોડી સુરાજ્યની સ્થાપના માટે કાર્યરત છે. તેમના નેતૃત્વમાં સરકાર સુશાસન અને ગુડ ગવર્નન્સનું રોલ મોડલ વિશ્વને આપવા પ્રતિબદ્ધ છે.

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં એક સમય એવો હતો કે, આપણા ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. પીવાનું પાણી, ખેતીવાડી માટે સિંચાઈનું પાણી કે અન્ય વપરાશ માટેના પાણીના વિવેકપૂર્ણ કરકસરયુક્ત ઉપયોગ અને આદર્શ જળ વ્યવસ્થાપનના પરિણામે ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૪ સુધીમાં સમગ્ર દેશમાં દરેક પરિવારને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવા નલ સે જલનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે પરંતુ ગુજરાતે આગોતરું આયોજન કર્યું છે અને તેના પરિણામે બે વર્ષ વહેલાં એટલે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં જ આ લક્ષ્યાંક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આ યોજના સ્માર્ટ સિટીની દિશામાં એક મહત્વનું કદમ છે. દેશભરમાં કેટલાક શહેરી વિસ્તારોમાં અમુક ભાગોમાં ૨૪×૭ પીવાના પાણીની યોજનાનો અમલ થયો છે, પરંતુ આખા શહેર માટેની આવી યોજનાનો અમલ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યો છે.